દહેજના દૈત્યે સંસાર બગાડ્યો:વડોદરાની પરિણીતાની ફરિયાદ, "નણંદ તેના સંતાનોને રાત્રિના સમયે બેડરૂમમાં મોકલી દેતી હતી"

વડોદરાએક મહિનો પહેલા
પ્રતિકાત્મક તસવીર
  • દહેજના દૈત્યે નવ માસનું સાંસારીક જીવન વિખેરી નાંખ્યું

વડોદરાની પરિણીતાના આજથી નવ માસ પહેલાં મહારાષ્ટ્રના કોલ્હાપુર ખાતે ડોક્ટર સાથે લગ્ન થયા હતા. આંખોમાં સોનેરી સપના અને સાસરીયાઓએ લગ્ન સમયે માંગેલું કરિયાવર લઇને સાંસારીક જીવન જીવવા માટે ગયેલી પરિણીતાનું દહેજના દૈત્યે સાંસારીક જીવન વિખેરી નાંખ્યું હતું. 9 માસના ટૂંકા ગાળામાંજ દહેજ ભૂખ્યા સાસરીયાઓ દ્વારા આપવામાં આવેલા અસહ્ય ત્રાસથી વડોદરા પિયરમાં આવી ગયેલી પરિણીતાએ ન્યાય મેળવવા માટે મહિલા પોલીસ મથકમાં પતિ સહિત સાસરીયાઓ સામે ફરિયાદ નોંધાવી છે. ફરિયાદમાં આક્ષેપ કર્યો છે કે, "નણંદ તેના સંતાનોને રાત્રિના સમયે બેડરૂમમાં મોકલી દેતી હતી, પતિ બેડરૂમમાં સૂતો ન હતો"

પિતાએ લોન લઇને લગ્નમાં 15 લાખનો ખર્ચ કર્યો હતો
વડોદરાના કલાલી-વડસર વિસ્તારમાં રહેતી મિત્તલ (નામ બદલ્યું છે)નું લગ્ન આજથી નવ માસ પહેલાં મહારાષ્ટ્રના કોલ્હાપૂરમાં રહેતા ડોક્ટર બિરજુ સહાની સાથે ધામધૂમથી થયું હતું. લગ્ન સમયે બિરજુ અને તેના પરિવારજનોએ માંગ્યા મુજબનું કરીયાવર આપ્યું હતું. દીકરીનું સાંસારીક જીવન સારું જાય તે માટે પિતાએ રૂપિયા 10 લાખની લોન લીધી હતી. અને એફ.ડી. તોડાવી રૂપિયા 2 લાખ રોકડા લગ્ન સમયે દીકરીના સાસરીયાઓને આપ્યા હતા. આ ઉપરાંત ઇલેકટ્રોનિક્સ ચિજવસ્તુઓ આપી હતી. દીકરીના લગ્નમાં રૂપિયા 15 લાખનો ખર્ચ કર્યો હતો. પરંતુ, દીકરીના સાંસારીક જીવનમાં દહેજના દૈત્યે જન્મ લેતા દીકરીનું સાંસારીક જીવન નવ માસમાં જ વિખરાઇ ગયું હતું.

ફાઇલ તસવીર
ફાઇલ તસવીર

એક સપ્તાહ સુધી નણંદ બાળકોને બેડરૂમમાં મોકલ્યા
પરિણીતા મિત્તલે મહિલા પોલીસ મથકમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું છે કે, લગ્નના પ્રથમ દિવસે એટલે કે સુહાગ રાત્રે નણંદે તેના સંતાનોને અમારા બેડરૂમમાં મોકલી આપ્યા હતા. એતો ઠીક સતત એક સપ્તાહ સુધી નણંદ તેના બાળકોને અમારા બેડરૂમમાં મોકલી આપી હતી. અને પતિ બિરજુ બાળકો બેડરૂમમાં આવી ગયા બાદ બહાર સૂવા માટે જતો રહેતો હતો. દરમિયાન આ બાબતે મિત્તલે પતિ બિરજુને જણાવતા બિરજુએ જણાવ્યું કે, " મેં મારી મરજીથી લગ્ન કર્યા નથી, આ લગ્ન મારી મમ્મી અને બહેનના કહેવાથી કર્યા છે. તેઓ જેટલું કહેશે તેટલુંજ કરવાનો છું. અને તારે પણ તેઓ જે કહે તેવું કરવું પડશે"

પિતાએ રૂપિયા 30 હજાર જમાઇને મોકલ્યા
પરિણીતાએ ફરિયાદમાં એમ પણ જણાવ્યું છે કે, સાસુ-નણંદે પિયરમાંથી દહેજ લઇ આવવા માટે દબાણ શરૂ કર્યું હતું. તેઓએ કહ્યું કે, જો તું પિયરમાંથી નાણાં વધારે લાવીશ તો જ તારી સાથે તારો પતિ સબંધ બાંધશે. પરંતુ, મિત્તલના પિતા વધુ દહેજ આપશે નહિં. તેમ જણાતા પતિએ માર મારવાની ધમકી આપી હતી. જે બાદ મિત્તલે પિતાને ફોન કરીને રૂપિયા 30,000 પતિના એકાઉન્ટમાં ટ્રાન્સફર કરાવ્યા હતા. આ માંગ પૂરી કર્યા પછી પણ પતિ તથા સાસુ-નણંદે ત્રાસ આપવાનું બંધ કર્યું ન હતુ.

પતિ, સસરા, સાસુ અને નણંદ સામે ફરિયાદ
દરમિયાન મિત્તલે પોતાના પિતાને પતિ તથા સાસુ-નણંદ ત્રાસ આપતા હોવાનું જણાવતા પિતા દીકરીને વડોદરા લઇ આવ્યા હતા. થોડા દિવસ પછી જમાઇ બિરજુ સહાનીને ફોન કરી દીકરીને લઇ જવા માટે જણાવ્યું હતું. પરંતુ, જમાઇ બિરજુ દ્વારા દીકરીને લઇ ગયા ન હતા. આખરે પરિણીતા મિત્તલે મહિલા પોલીસ મથકમાં મહારાષ્ટ્રના કોલ્હાપુર વોડલાલ તારાભાઇ પાર્કમાં રહેતા પતિ બિરજુ સહાની, સસરા, સાસુ અને નણંદ સામે ફરિયાદ નોંધાવી હતી. પોલીસે દહેજ પ્રતિબંધક ધારા હેઠળ ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...