તપાસ:આપઘાત કરવા નીકળેલી ભાભી સાથે ગયેલી મૂકબધીર નણંદ ગુમ

વડોદરા19 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • છાણી-આજોડ રોડ પાસે ખેતરમાં પરિવાર કામ કરતો હતો
  • સાંજે માત્ર ભાભી જ પરત આવી, સસરાની પુત્રવધૂ સામે ફરિયાદ

છાણી-આજોડ રોડ પાસે ખેતરમાં કામ કરીને પોતાનું જીવન ગુજરાન ચલાવતા પરિવારની મૂક-બધીર દીકરી પુત્રવધૂ સાથે ઘરેથી નીકળી હતી. બાદમાં માત્ર પુત્રવધૂ જ ઘરે પરત ફરતાં સસરાને તેના પર શંકા ગઈ હતી. તેમણે છાણી પોલીસ સ્ટેશનમાં તેના વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. હાલોલ પાસેના ગામમાં રહેતો શ્રમજીવી પરિવાર 15 દિવસ પહેલાં છાણી-આજોડ રોડ પર ખેતરમાં કામ કરવા આવ્યો હતો અને 4 દિવસ પહેલાં તેમની પુત્રવધૂ મીના (નામ બદલ્યું છે) પણ ત્યાં આવી હતી. 31 ઓગસ્ટે સવારે પરિવાર ખેતરમાં કામ કરી રહ્યો હતો અને મીના તેમજ તેની નણંદ કામિની (નામ બદલ્યું છે) બાજુમાં બેઠાં હતાં.

ઘર કંકાસથી ત્રાસી ગઈ હોવાથી મીના ખેતરમાંથી કોઈને કહ્યા વગર નીકળી ગઈ હતી. જોકે નણંદ-ભોજાઈ વચ્ચે પ્રગાઢ સંબંધ હોવાને કારણે કામિની પણ તેની સાથે ઘરેથી નીકળી ગઈ હતી. બાદમાં સાંજે મીના એકલી જ ઘરે આવતાં તેના પરિવારે કામિની વિશે પૂછતાં તેણે કંઈ જણાવ્યું નહોતું. કામિની મૂક-બધીર હોવાથી માતા-પિતાને ચિંતા થતાં તેમણે પોલીસને જાણ કરી હતી અને પુત્રવધૂ મીના સામે શંકા દર્શાવી હતી. પોલીસે મીનાની પૂછતાછ કરતાં તેણે ગોળ-ગોળ જવાબો આપ્યા હતા. જોકે પોલીસે કડકાઈથી પૂછતાં તેણે જણાવ્યું હતું કે, ઘરના ત્રાસને કારણે તે આત્મહત્યા કરવા નીકળી ગઈ હતી.

જોકે 17 વર્ષીય નણંદ કામિનીને ભાભી સાથે વધુ લાગણી હોવાથી તે પણ તેની સાથે નીકળી ગઈ હતી. ખેતરેથી નીકળ્યા બાદ તે આખો દિવસ ફર્યા બાદ અચાનક મીનાથી કામિની છૂટી પડી ગઈ હતી. જોકે તેની શોધખોળ બાદ પણ તે ન મળતાં ગભરાઈને તે ઘરે પરત ફરી હતી. પોલીસે છાણી-આજોડ રોડ, દશરથ, જરોદ કેનાલ, હાલોલ પાસે સીસીટીવી ચેક કર્યા હતા અને આગળની તપાસ હાથ ધરી હતી.

મહિલા પતિ સાથેના ખટરાગથી કંટાળી હતી
છેલ્લા ઘણા સમયથી મીના અને તેના પતિ વચ્ચે ખટરાગ ચાલતો હતો, જેના કારણે મીના કંટાળી ગઈ હતી અને પોતાના જીવનનો અંત લાવવા માગતી હતી. તે 31 ઓગસ્ટે સવારે ઘરેથી નીકળી ગઈ હતી. જોકે મૂક-બધીર કામિનીને ઘરમાં સૌથી વધુ માત્ર મીના સમજતી હોવાને કારણે તે પણ તેની સાથે ઘરેથી નીકળી ગઈ હતી.

અન્ય સમાચારો પણ છે...