રહસ્ય:વડોદરામાં સિવિલ ડિફેન્સમાં GAS તરીકે ફરજ બજાવતા અધિકારીનું તેમના ક્વાટર્સમાં રહસ્યમય મોત

વડોદરાએક વર્ષ પહેલા
સિવિલ ડિફેન્સના અધિકારી સુરેશ ગામીત(ઈનસેટમાં)નો મોતને લઈને એકઠાં થયેલા સાથી કર્મચારીઓ - Divya Bhaskar
સિવિલ ડિફેન્સના અધિકારી સુરેશ ગામીત(ઈનસેટમાં)નો મોતને લઈને એકઠાં થયેલા સાથી કર્મચારીઓ
  • સાથી કર્મચારીએ માનસિક તણાવે ભોગ લીધો હોવાનું જણાવ્યું
  • સયાજીગંજ પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી તપાસ હાથ ધરી

સિવિલ ડિફેન્સમાં જી.એ.એસ. તરીકે ફરજ બજાવતા અધિકારીનું તેમના ક્વાટર્સમાં રહસ્યમય મોત નીપજ્યું હતું. ઓફિસના કર્મચારીઓએ જણાવ્યું હતું કે, આ અધિકારી છેલ્લા પંદર દિવસથી નોકરી ઉપર આવતા ન હતા. અને છેલ્લા કેટલાંક સમયથી માનસિક તનાવમાં રહેતા હતા. રહસ્યમય મોતને ભેટેલા આ અધિકારીના મોતનું ચોક્કસ કારણ જાણવા પોલીસે તેમના મૃતદેહનું સયાજી હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ કરાવી તપાસ હાથ ધરી છે.

અધિકારીના મોંઢામાંથી ફીણ નીકળેલું હતું
શહેરના અલકાપુરી ઓફિસર્સ કોલોનીમાં ડી બ્લોકમાં રહેતા અને સિવિલ ડિફેન્સમાં જી.એ.એસ. તરીકે ફરજ બજાવતા સુરેશભાઇ ગનાજીભાઇ ગામીત (ઉં.વ. 57)નો મૃતદેહ તેમના રૂમમાંથી મળી આવ્યો હતો. શુક્વારે સાંજના સમયે તેઓનો ગાડીનો ડ્રાઇવર વીકી મહાજન તેમને લેવા માટે ગયો હતો. વીકીએ ઘરનો દરવાજો ખોલીને અંદર જતાં સુરેશભાઇ ગામીત તેઓના પલંગમાં છતાપાટ પડેલા હતા. અને તેઓના મોંઢામાંથી ફીણ નીકળેલું હતું. વીકીએ સુરેશભાઇને બેભાન હાલતમાં જોતા જ ઓફિસના સાથી કર્મચારી સુધાકરભાઇ સૂર્યવંશીને ફોન કરીને જાણ કરી હતી.

અધિકારીને હોસ્પિટલ ખસેડાતા મૃત જાહેર કરાયા
બનાવની જાણ સિવીલ ડિફેન્સના ઉચ્ચ અધિકારીને કરાતા તેઓની સુચના મુજબ વીકી મહાજને 108 એમ્બ્યુલન્સને બોલાવી હતી. સ્થળ ઉપર આવેલી 108 એમ્બ્યુલન્સમાં તેઓને સયાજી હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા. જ્યાં ફરજ ઉપરના તબીબોએ મૃત જાહેર કર્યા હતા. દરમિયાન સુરેશભાઇ ગામીતનું મોત નીપજ્યું હોવાની જાણ સિવિલ ડિફેન્સની વિવિધ કચેરીઓમાં થતાં કર્મચારીઓ હોસ્પિટલમાં દોડી આવ્યા હતા. બાદમાં આ બનાવની જાણ સયાજીગંજ પોલીસને કરવામાં આવતા પોલીસ દોડી આવી હતી. અને લાશનો કબજો લઇ પોસ્ટમોર્ટમ માટેની કાર્યવાહી હાથ ધરી હતી.

સાથી કર્મચારીને કહ્યું હતું કે, માનસિક ત્રાસથી કંટાળી ગયો છું
આજે સયાજી હોસ્પિટલના કોલ્ડરૂમ ઉપર આવી પહોંચેલા સિવિલ ડિફેન્સના કર્મચારી સુધાકરભાઇ સૂર્યવંશીએ જણાવ્યું હતું કે, અધિકારી સુરેશભાઇ ગામીત સ્વચ્છ પ્રતિભા ધરાવતા હતા. તેઓ છેલ્લા 15 દિવસથી રજા ઉપર હતા. બે દિવસ પહેલાં તેઓના ઘરે સહી કરાવવા માટે ગયો હતો. ત્યારે તેઓ મારી સામે રડી પડ્યા હતા. અને મને કહ્યું હતું કે, હું માનસિક ત્રાસથી કંટાળી ગયો છું. અધિકારી સુરેશભાઇનું મોત કેવી રીતે થયું છે. તેની મને ખબર નથી. પરંતુ, તેઓ સતત માનસિક તણાવમાં રહેતા હતા. તે વાત ચોક્કસ છે. માનસિક તણાવે જ તેઓનો ભોગ લીધો હોય તેમ મને લાગે છે.

સિવિલ ડિફેન્સના સ્વચ્છ પ્રતિભા ધરાવતા અધિકારી હતા
અન્ય એક મહિલા કર્મચારી ઇન્દુબહેને જણાવ્યું હતું કે, અધિકારી સુરેશભાઇ ગામીત સિવિલ ડિફેન્સના સ્વચ્છ પ્રતિભા ધરાવતા અધિકારી હતા. તેઓ કર્મચારીઓ માટે પણ સારા અધિકારી હતા. પરંતુ, તેઓની નજીક રહેતા કેટલાંક કર્મચારીઓએ તેઓને દારૂના રવાડે ચઢાવી દીધા હતા. સતત દારૂ પીવાના કારણે તેઓનું લિવર ખલાસ થઇ ગયું હશે. તેથી તેઓનું મોત નીપજ્યું હશે. સિવિલ ડિફેન્સની ઓફિસમાં દારૂ અને નોનવેજની અવાર-નવાર મહેફીલો જામતી હતી. મહિલા કર્મચારીઓને ઓફિસમાં જવાનો ડર લાગતો હતો. અધિકારી સુરેશભાઇ ગામીતનું મોત ચોક્કસ કયા કારણોસર થયું છે. તે જાણવા માટે જ હું સયાજી હોસ્પિટલના કોલ્ડરૂમ ઉપર આવી છું.

પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ મોત કારણ જાણવા મળશે
પોલીસ દ્વારા પણ અધિકારી સુરેશભાઇ ગામીતના મોતનું ચોક્કસ કારણ બહાર લાવે તેવી મારી માંગણી છે. સિવિલ ડિફેન્સના જી.એ.એસ. સુરેશભાઇ ગામીતના રહસ્યમય મોતે સિવિલ ડિફેન્સમાં ચકચાર મચાવી મૂકી છે. બીજી બાજુ આ બનાવ અંગે હાલ સયાજીગંજ પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. આ બનાવની તપાસ કરી રહેલા એ.એસ.આઇ. નરવતસિંહ હિંમતસિંહનો સંપર્ક કરતા થઇ શક્યો ન હતો. પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ ચોંકાવનારી વિગતો બહાર આવવાની શક્યતાઓને નકારી શકાય તેમ નથી.