રહસ્યમય મોત:ઓફિસ આવવા ઇચ્છા થતી નથી, માનસિક ત્રાસ મળે છે, તેમ કહેનાર એડિશનલ કલેક્ટરનું ભેદી મોત

વડોદરાએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • સિવિલ ડિફેન્સમાં ફરજ બજાવતા એડિ. કલેક્ટરની અલકાપુરી ક્વાર્ટર્સમાંથી લાશ મળી

વડોદરા શહેરમાં સિવિલ ડિફેન્સમાં ફરજ બજાવતા એડિશનલ કલેક્ટરનું તેમના અલકાપુરી સ્થિત કવોટર્સમાં ભેદી મોત નીપજ્યું હતું. ત્રણ દિવસ પહેલાં જ તેમને સાથી કર્મચારી સાથે ઓફિસ આવવાની ઇચ્છા થતી ન હોવાની અને માનસિક ત્રાસ મળતો હોવાની વાત કરી હતી. સાંજે ટિફિન લઈને ગયેલા ડ્રાઈવર બેભાન અવસ્થામાં જોતાં તેઓને સયાજી હોસ્પિટલ ખસેડાયા હતા. જયાંના તબીબોએ તેઓને મૃત જાહેર કર્યા હતા. અધિકારી છેલ્લા 15 દિવસથી ઓફિસે નહી આવતા હોવાનું અને માનસિક તણાવમાં હોવાનું સાથી કર્મચારીએ જણાવતાં પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.

પોલીસના જણાવ્યા અનુસાર વડોદરા શહેરના અલકાપુરી ઓફિસર્સ કોલોનીમાં આવેલા ડી બ્લોકમા 57 વર્ષના સુરેશભાઈ ગામીત રહેતા હતા. તેઓ એડિશનલ કલેકટર તરીકે સિવિલ ડિફેન્સમાં ફરજ પર હતા. શુક્રવારે સાંજે તેઓનો મૃતદેહ તેમના ક્વાર્ટર્સમાંથી મળી આવ્યો હતો. સાંજે ટીફીન આપવા ગયેલા તેમના ડ્રાઇવર વિકી મહાજને બારીમાંથી જોતાં તેઓ બેડ પર બેભાન અવસ્થામાં જોવા મળ્યા હતા. તેમના મોઢામાંથી ફીણ નીકળતું હોવાથી તેઓને સારવાર માટે સયાજી હોસ્પિટલમાં લઈ જવાયા હતા. જ્યાં હાજર તબીબોએ તેમને મૃત જાહેર કર્યા હતા. ઘટનાની જાણ થતાં સયાજીગંજ પોલીસ તેમજ તેમના સાથે કામ કરતા કર્મચારીઓ સયાજી હોસ્પિટલ ખાતે દોડી ગયા હતા.સયાજીગંજ પોલીસે આજે સુરેશભાઈ ગામીતના મૃતદેહ પોસ્ટમોર્ટમ અર્થે ખસેડયો હતો. કર્મચારી સુધાકરભાઈ સૂર્યવંશીએ જણાવ્યું હતું કે ત્રણ દિવસ પહેલા તેઓ સુરેશભાઈ પાસે કામ અર્થે ગયા હતા તે સમયે સુરેશભાઈને છેલ્લા 15 દિવસથી ઓફિસે નહી આવવા બાબતે પૂછતાં તેઓએ જણાવ્યું હતું કે મને ઓફિસમાં આવવાની ઈચ્છા થતી નથી. મને માનસિક રીતે ત્રાસ મળે છે.

અન્ય સમાચારો પણ છે...