તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
વડોદરાના ગોત્રી વિસ્તારમાં આવેલા જય અંબેનગરમાં રહેતા 28 વર્ષીય પુત્રએ તેની વિકલાંગ માતાની સોમવારે મધરાતે કાચના ટુકડા વડે ઘા મારી હત્યા કર્યા બાદ ઘરના બખોલામાંથી પાછળના ભાગે લાશને ફેંકી દઈ સળગાવવાનો પ્રયાસ કર્યો હતો. અરેરાટી ઉપજાવનારા આ બનાવમાં પોલીસ તપાસમાં બહાર આવ્યું હતું, પોલીસના ગળે ન ઊતરે એવી વાતો કરતા દિવ્યેશે પૂછપરછમાં જણાવ્યું હતું કે તેની માતામાં ચુડેલ હતી, તેને જ બહાર કાઢી છે, મેં મારી નાખી નથી એવું રટણ કર્યુ઼ં હતું.
કાચનો ટુકડો કબજે: કોરોના ટેસ્ટ કરાવ્યા બાદ હત્યારા પુત્રની ધરપકડ
ગોત્રીના જય અંબેનગરમાં રહેતા દિવ્યેશ સરદારસિંહ બારિયાએ સોમવારે રાત્રે 12-30 વાગે તેની માતા ભીખીબેન બારિયાની કાચના ટુકડાના ઘા મારી હત્યા કરી હતી. દિવ્યેશની માતા ભીખીબેન અકસ્માત બાદ છેલ્લાં 9 વર્ષથી લકવાગ્રસ્ત બની હતી. છૂટક ડ્રાઇવિંગનું કામ કરતા દિવ્યેશને દારૂના નશાની પણ આદત હતી. તેણે સોમવારે મધરાતે માતાની હત્યા કરી હતી. તેણે પોલીસને જણાવ્યું હતું કે તેનામાં શિવજીએ પ્રવેશ કર્યો હતો. તેના સપનામાં તેના પપ્પા આવ્યા હતા અને જણાવ્યું હતું કે મમ્મીને પણ મોકલી દે, તેથી મેં મમ્મીને મોકલી દીધી હતી. માતાની હત્યા કર્યા બાદ ઘરના બખોલામાંથી લાશને પાછળના ભાગે કચરાના ઢગલામાં ફેંકી હતી.
મેં મારી માતાને મારી નાખી નથી, પણ ચુડેલને બહાર કાઢી હતી
પોલીસે સ્થળ પરથી જ દિવ્યેશને ઝડપી લીધો હતો. પોલીસે કાચનો ટુકડો પણ કબજે કર્યો હતો. પોલીસ પૂછપરછમાં તેણે ઘણી ગળે પણ ના ઊતરે એવી વાતો પોલીસ સમક્ષ કરી હતી, તેથી પોલીસ પણ મૂંઝવણમાં મુકાઈ ગઇ હતી. પોલીસ પૂછપરછમાં દિવ્યેશે જણાવ્યું હતું કે મારી માતામાં ચુડેલે પ્રવેશ કર્યો હતો. અમારા ગામમાં 200 વર્ષ પહેલાં એક યુવતી ચુડેલ થઇ હતી અને ત્યાર બાદ ગામમાં કોઇના લગ્ન થતા ન હતા. મારી માતામાં આ ચુડેલ આવી ગઇ હતી, જેથી તેને મેં માતામાંથી બહાર કાઢી લીધી હતી. મેં મારી માતાને મારી નાખી નથી, પણ ચુડેલને બહાર કાઢી હતી. હવે ગામમાં બધા કુંવારા લોકો લગ્ન કરી શકશે, એવું તેણે રટણ કર્યું હતું . પોલીસ તપાસમાં બહાર આવ્યું હતું કે દિવ્યેશને તેની બહેન સાથે પણ ખાસ સંબંધ ન હતો અને 15 દિવસથી તો તેણે બહેનને પણ તેના ઘરે ના આવવા જણાવી દીધું હતું. પોલીસે તેનો કોરોના ટેસ્ટ કરાવ્યા બાદ તેની ધરપકડ કરી હતી અને અદાલતમાં રજૂ કરી જેલમાં મોકલી દેવાની તજવીજ હાથ ધરાઇ હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.
હત્યારા પુત્રે માતાને ગળાથી પેટની નીચે સુધી કાચથી ચીરો માર્યો હતો
પોલીસે મૃતક વૃદ્ધાનું પોસ્ટમોર્ટમ કરાવતાં બહાર આવ્યું હતું કે દિવ્યેશે કાચના ટુકડા વડે તેની માતાના ગળાથી શરૂ કરી કમર નીચેના ભાગ સુધી મોટો ચીરો કરીને હત્યા કરી હતી. માતા લકવાગ્રસ્ત હોવાથી પુત્રનો પ્રતિકાર પણ કરી શકે એમ ન હતી. પોલીસ પૂછપરછમાં તેણે જણાવ્યું હતું કે ઘરની પાછળના ભાગે કચરાના ઢગલામાં તેણે અરીસાનો ટુકડો જોયો હતો, જેથી હત્યા કરવા માટે એ ટુકડો લઇ આવ્યો હતો. પોલીસે કાચનો ટુકડો પણ કબજે કર્યો હતો.
દિવ્યેશ સ્વસ્થતાથી જવાબ આપે છે
માતાની હત્યા કરનાર પુત્રનાં કરતૂત જોતાં અને તેની વાતો સાંભળતાં મનોરોગી હોવાનુું લાગે છે. જોકે પોલીસસૂત્રોએ જણાવ્યું હતું કે તેની હત્યા પહેલાંથી લઇને હત્યા બાદ સુધીનો ઘટનાક્રમ વિગતવાર વર્ણવ્યો છે. પોલીસ દ્વારા પૂછવામાં આવેલા તમામ સવાલોના જવાબ તે સ્વસ્થતાથી આપી રહ્યો છે, તેની વર્તણૂક જોઇને પોલીસ પણ ગૂંચવાઇ રહી છે.
પોઝિટિવઃ- તમારા પોઝિટિવ અને સંતુલિત વિચાર દ્વારા થોડા સમયથી ચાલી રહેલી પરેશાનીઓનો ઉકેલ મળી શકશે. તમે એક નવી ઊર્જા સાથે તમારા કાર્યો પ્રત્યે ધ્યાન કેન્દ્રિત કરી શકશો. જો કોઇ કોર્ટ કેસને લગતી કાર્યવાહી ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.