વડોદરામાં માનસિક ત્રાસ આપતા સાસરિયા સામે પરિણીતાએ પાણીગેટ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. પરિણીતાએ પોલીસ ફરિયાદમાં આક્ષેપ કર્યો છે કે, 'મારા પતિના અજાણી સ્ત્રી સાથે સંબંધો છે, તેઓ મારઝૂડ કરીને મારી પર એસિડ ફેંકવાની ધમકી આપે છે'
મારા પતિએ મને બિભત્સ ગાળો આપી
પાણીગેટ પોલીસ સ્ટેશનમાં પરિણીતાએ નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું છે કે, હિન્દુ રીત રીવાજ પ્રમાણે મારા લગ્ન આકાશ શેઠ સાથે થયા હતા. અમારે દોઢ વર્ષનો એક પુત્ર છે. 27 સપ્ટેમ્બર-2022ના રોજ મારા પતિ આકાશના મોબાઇલમાં મેં અજાણી છોકરીનો ફોટો જોયો હતો. આ બાબતે મેં મારા પતિને પૂછતા તે મારી પર ઉશ્કેરાઈ ગયો હતો અને મને કહ્યું હતું કે, તારે મારા ફોનને અડકવાનું નહીં. આ ઉપરાંત મારા પતિએ મને બિભત્સ ગાળો પણ આપી હતી અને આ વાત કોઈને કહીશ તો માર મારવાની ધમકી આપી હતી.
મને અને મારા પુત્રને મંદિર પાસે છોડી દીધા
મારા પતિના અજાણી સ્ત્રી સાથેના સંબંધોની જાણ મે મારા સસરા બાબુભાઈ અને સાસુ જ્યોતિબેનને કરી હતી. જોકે, તેમને દિકરાને સમજાવવાના બદલે મારી સાથે ઝઘડો કર્યો હતો અને મને માનસિક ત્રાસ આપ્યો હતો. મેં મારા પતિને સુધરી જવાનું કહેતા તેઓ મારી સાથે ઝઘડો કરતા હતા. મારા પતિ ભાઇબીજના બીજા દિવસે રાત્રિના 10 વાગ્યે મારા પિયર નજીક આવેલા મંદિર પાસે મને અને મારા પુત્ર છોડી દીધા હતા અને કહ્યું હતું કે, તું તારા માતા-પિતાના ઘરે જતી રહે, હું થાઇલેન્ડ જાઉં છું. જેથી હું મારા પિયરમાં જતી રહી હતી.
સાસુ-સસરા માનસિક ત્રાસ આપે છે
મારા માતા-પિતાએ સમજાવતા હું ફરીથી મારી સાસરીમાં ગઈ હતી. 2 નવેમ્બર-2022ના રોજ માતા પતિ થાઇલેન્ડથી પાછા આવ્યા હતા અને ફરીથી મારી સાથે ઝઘડો કર્યો હતો અને મારઝૂડ કરી હતી. મારા સાસુ-સસરા પણ મને ગાળો બોલી, મ્હેણા ટોણા મારીને માનસિક ત્રાસ આપતા હતા.
યુવતી પણ મને પતિને છોડવા ધમકી આપે છે
મારા પતિના જે યુવતી સાથે આડાસંબંધો હતા. તે યુવતી મને સતત ફોન કરીને મારા પતિને છોડી મુકવાની ધમકીઓ આપી હતી. જેથી હું કંટાળી ગઈ હતી અને 4 નવેમ્બર-2022ના રોજ મેં માપી બહેનને ફોન કરીને સમગ્ર વાત કરી હતી. તે મારી સાસરીમાં આવીને મને પિયરમાં લઈ ગઈ હતી. આ દરમિયાન મારો પતિ મને છૂટાછેડા આપવા માટે દબાણ કરીને ધાકધમકીઓ આપતો હતો. જેથી મેં જાન્યુઆરી-2023માં મારા પતિ વિરુદ્ધ પોલીસમાં અરજી આપી હતી. જોકે, ઘરસંસાર ન બગડે અને મારા છોકરાના ભવિષ્ય માટે મે સમાધાન કરી લીધું હતું અને મારા પતિ સાથે ગઈ હતી.
મારી પર એસિડ ફેંકવાની ધમકી આપી
જોકે, ફરીથી મારા પતિએ ઝઘડો કરીને મારી સાથે મારઝૂડ કરી હતી અને મારી પર એસિડ ફેંકીને મારવાની ધમકી આપી હતી. જેથી ફરીથી હું મારા પિયરમાં જતી રહી હતી. મારા પતિ ફોન કરીને મને છૂટાછેડા માટે દબાણ કરીને ધાકધમકીઓ આપે છે. જેથી મે મારા પતિ આકાશ બાબુભાઈ શેઠ, સસરા બાબુભાઈ લાલજીભાઈ શેઠ અને સાસુ જ્યોતીબેન બાબુભાઈ શેઠ(તમામ રહે. 1, રમાનગર સોસાયટી, કલાદર્શન ચાર રસ્તા પાસે, વાઘોડિયા રોડ, વડોદરા) સામે પાણીગેટ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.