ચૂંટણી:ભાજપ અને સંઘના નામનો દુરુપયોગ કરનારાઓ સામે મારા જૂથની લડાઇ છે

વડોદરાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • જિગર અમારો ઉમેદવાર નથી તેવી ભાજપની જાહેરાત બાદ ઈનામદારનો વળતો ઘા...
  • શૈક્ષિક સંઘ સામે પણ વિરોધ નથી એમ કહી ઈનામદારનો બીજા સંઘ તરફ મજબૂત ઈશારો

મ.સ.યુનિ. સેનેટની ચૂંટણી હવે રાજકીય અખાડો બની રહી છે. શહેર ભાજપ પ્રમુખના જિગર અમારો ઉમેદવાર નથી તેવા નિવેદનના બીજા દિવસે સત્તાધારી જૂથના સર્વોપરી નેતા જિગર ઇનામદારે પહેલીવાર જુસ્સો બતાવતા કહ્યું છે કે, મારો વિરોધ શૈક્ષિક સંઘ સામે કે ભાજપ સામે છે જ નહીં. પોતાના જૂથની લડાઇ ભાજપ અને સંઘના નામનો દુરુપયોગ કરનારાઓ સામે હોવાનું કહ્યું છે.

મ.સ. યુનિમાં વર્ષોથી સત્તાધારી જૂથના સર્વોપરી નેતા જિગર ઇનામદારે સેનેટની ચૂંટણીના સંદર્ભે પહેલીવાર જુસ્સો બતાવતા કહ્યું છે કે, મારો વિરોધ શૈક્ષિક સંઘ સામે કે ભાજપ સામે છે જ નહીં. પોતાના જૂથની લડાઇ ભાજપ અને સંઘના નામનો દુરુપયોગ કરનારાઓ સામે હોવાનું કહ્યું છે. ભાજપના ડો. વિજય શાહ, શૈક્ષિક સંઘ સામે જિગર ઇનામદારે જે ચોખવટ કરી છે તે સૂચક છે. ભાજપ સામે એટલે કે ડો. વિજય શાહ સામે વિરોધ નથી. બીજી તરફ શૈક્ષિક સંઘ સામે પણ વિરોધ નથી એમ કહીને હવે પ્રજ્ઞેશ શાહ સામે પણ વિરોધ નથી એવું મોઘમમાં કહીને બીજા સંઘ તરફ મજબૂત ઇશારો કરી દીધો છે.

જોકે બીજી તરફ આ સ્પષ્ટતાની સાથે આ દુરુપયોગ કરનારાઓ કોઇ પ્રદેશ કે વ્યવસાય સાથે સંકળાયેલા છે કે કેમ તેનો સવાલનો જવાબ ઠંડે કલેજે ટાળીને સામે પક્ષે ટાઢો સણસણતો તમાચો ઠોકી દીધો છે. જિગર ઇનામદારે જણાવ્યું હતું કે, મને ડો. વિજય શાહ અને ભાજપ તથા સંઘ માટે અને તેમણે લીધેલા નિર્ણય માટે પણ સન્માન છે.

સૂત્રોના જણાવ્યા મુજબ પોતાના મૂળ વ્યવસાયમાં ધારી સફળતા ન મેળવી ચૂકેલા ભાજપ-સંઘના એક નેતા હવે એમ એસ યુનિવર્સિટીમાં સેનેટની ચૂંટણી મારફતે ઘૂસણખોરી કરીને કેટલાક શીર્ષસ્થ નેતાઓની મદદથી વર્ચસ્વ જમાવવાનો પ્રયાસ કરી રહ્યાં છે, તેની સામે સત્તાધારી જૂથ અને જિગર ઇનામદાર મેદાને પડ્યા હોવાનું કહેવાય છે. જ્યારે સત્તાધારી જૂથના ઉમેદવાર અભિલાષા અગ્રવાલે જણાવ્યું કે, ‘ ચૂંટણી અત્યારે છે પણ છેલ્લા ઘણા વર્ષોથી ફેકલ્ટીના, યુનિવર્સિટીના વિકાસ માટે જે પ્રયાસો કર્યા છે, તેના લીધે જ મારા મતદારો પર પૂરો ભરોસો છે.

હું ભાજપ અને પ્રમુખને વફાદાર છતાં મેન્ડેટ ન અાપ્યો તેનું દુઃખ

આ ચૂંટણીમાં ભાજપના મેન્ડેટમાં સ્થાન ન પામનાર અને વર્ષો જૂના કાર્યકર અને એક સમયે શહેર કારોબારીમાં સ્થાન મેળવી ચૂકેલા સેનેટ સભ્ય દિનેશ યાદવે જણાવ્યું કે, ‘ હું ભાજપ અને પ્રમુખ બંનેનો વફાદાર છુ અને રહીશ, પણ ભાજપના ઉમેદવારોમાં મારુ નામ ન આવ્યાનું મને દુ:ખ છે.’ તેમણે ઉમેર્યું કે, ‘ 1991થી હું ભાજપમાં છુ અને ભાજપના તમામ કાર્યક્રમોમાં મારી હાજરી હોય છે. મારા મતદારો સાથે હું 20 વર્ષ વર્ષથી છું. ભાજપને જીતાડવા માટે મેં હંમેશાં પ્રયાસ કર્યા છે અને કરતો રહીશ.’

કોમર્સ ફેકલ્ટીના કોમન ઉમેદવાર માટે બંને જૂથની પ્રતિષ્ઠા દાવ પર લાગી
કોમર્સ ફેકલ્ટીમાં કોંગ્રેસ તરફથી જીતી ચૂકેલા અમર ઢોમસે ભાજપના ઉમેદવાર થઇ ચૂક્યા છે. બીજી તરફ સુશાંત મખ્ખીજાની હાઇપ્રોફાઇલ પ્રચાર માટે જાણીતુ નામ છે. આ બેઠક માટે ચર્ચા એવી છે કે, જીત કોની થશે કોંગ્રેસના પૂર્વ વિજેતા અને હાલમાં ભાજપના નવા ઉમેદવારની કે સત્તાધારી જૂથની ? 2868 વોટની આ ફેકલ્ટીની બેઠક પર રસાકસી જામશે.સુશાંત મખ્ખીજાની ભાજપ અને જિગર જૂથના કોમન ઉમેદવાર ગણાઇ રહ્યા છે. ત્યારે તેમને જીતાડવા માટે બંને જૂથે પ્રતિષ્ઠા દાવ પર મૂકી છે અને સમર્થનમાં કચાશ ન રાખવા ભાજપ કાર્યાલયમાાંથી સૂચના જારી કરાઇ હોવાનું જાણવા મળે છે.

રવિવારે કઇ ફેકલ્ટીનું મતદાન ક્યાં થશે?

ફેકલ્ટી

મતદાનનું સ્થળ

આર્ટસ

એક્સપરિમેન્ટલ સ્કૂલ, ફેકલ્ટી ઓફ એજ્યુકેશન એન્ડ સાઇકોલોજી.

પર્ફોર્મિંગ આર્ટસ

બીબીએ બિલ્ડિંગ

કોમર્સ

ફેકલ્ટી ઓફ સાયન્સ

ટેક્નોલોજી

દીપ ફાઉન્ડેશન બિલ્ડિંગ, એમ.કોમ. યુનિટ વર્ક

ફાઇન આર્ટ્સ

ફેમિલી એન્ડ કમ્યૂનિટી સાયન્સિસ.

લો

ફેકલ્ટી ઓફ કોમર્સ, મેઇન બિલ્ડિંગ.

હોમ સાયન્સ

ફેકલ્ટી ઓફ લો

ફાર્મસી

ફેકલ્ટી ઓફ સોશિયલ વર્ક

ભાસ્કર ટીપ્પણી : શાહ આવે કે સુબેદાર, સેનેટ રબર સ્ટેમ્પ જ બની રહેશે- મનીષ પંડ્યા

ત્યારે કોઈ મેન્ડેટ અપાયો નહીં જયારે MSUનું રેન્કીંગ દર વર્ષે નીચે ને નીચે જઈ રહ્યું હતું, ત્યારે કોઈ મેન્ડેટ અપાયો નહીં જયારે એક ગુંડા ગેંગ છેડતી પર છેડતી કરી રહી હતી... ત્યારે કોઈ મેન્ડેટ અપાયો નહીં જયારે ઉમેદવારોની પસંદગી લાયકાતને બદલે ઈનામદારીના ધોરણે હતી ત્યારે કોઈ મેન્ડેટ અપાયો નહી જયારે પ્રોફેસરોને અને વાઈસ ચાન્સેલરને કઠપૂતળી બનાવી દેવાયા...

પણ હવે મેન્ડેટ અપાયો છે…
અત્યાર સુધી એમ. એસ.યુ.નો વહીવટ સુબેદારને સોંપી દઈ નિરાંતે પોઢી ગયેલી ભાજપની નેતાગીરીને હવે લાગે છે કે યુનિવર્સિટીમાં પણ અમારું જ ધાર્યું થવું જોઈએ એટલે હવે લડાઈ પારકાં અને પાતોના વચ્ચે નથી, પોતાનાં અને પહેલાં ખોળાનાઓ વચ્ચે જંગ છે. જિગર માટે પક્ષ અત્યારે તો માઈ બાપ છે એટલે વિજય શાહ ભલે કહે જિગર અમારો નથી, જિગર તો કહે છે જ કે “ વિજય” મારો પાક્કો છે! આ ટ્રેજિક કોમેડી છે કે કોમિક ટ્રેજેડી છે એ કળવું મુશ્કેલ છે.

સી.આર.પાટીલ છેક ગ્રાઉન્ડ લેવલથી કામ કરવા જાણીતા છે, એમના હોવા છતાં આવું કઈ રીતે થયું એ સમજાતું નથી યુનિવર્સિટી સેનેટની ચૂંટણીઓ જીતવી હોય તો મતદારોના રજિસ્ટ્રેશનથી તૈયારીઓ શરૂ થતી હોય છે આમ છેલ્લી ઘડીએ ઉમેદવારી કરવા બેસો તો કંઈ શક્કરવાર વળે નહીં સરવાળે ભાજપ પાસે એક જ રસ્તો રહેશે “ જે જીત્યો છે એ અમારો જ છે” એવું જાહેર કરવાનો! સરવાળે આ લડાઈ માત્ર અહંકારની બની રહેવાની છે અને પાટીલ સમયસર દરમિયાનગીરી નહીં કરે તો પક્ષના કાર્યકરો જુદા જુદા જૂથોમાં વહેંચાઈ જશે. જયાં સુધી એમ.એસ.યુનિ.ની ગરિમાનો સવાલ છે ત્યાં સુધી શાહ જીતે કે સુબેદાર, સેનેટ તો રબરસ્ટેમ્પ જ બની રહેશે.

હા, નેતાઓમાં અગાઉ કરતાં પણ વધુ ચર્ચાઓ થશે, પણ એ યુનિનું રેન્કીંગ વધારવાની નહીં હોય વિરોધીઓને કેવી રીતે કાપવો એની હશે. અનેક રણનીતિ ઘડાશે પણ એ કોઈ શિક્ષણ સુધારવાની નહી હોય,ચૂંટણીમાં સામે પડેલાને પાડી દેવાની હશે.મહત્વના સ્થાનો ઝડપથી ભરાશે પણ એમાં લાયકાત નહીં માત્ર વફાદારી જોવાશે.

અને તમે હું અને આપણે આ યુનિવર્સિટીમાંથી શિક્ષણ પામેલા સૌ, ફરી એકવાર સયાજીરાવની ઉત્તુંગ પ્રતિમા સામેથી પસાર થઈશું,ફરી એક વાર યુનિવર્સિટીના દરવાજા પાસેથી પસાર થઈશું. અને ફરી એકવાર એક ઘેરો નિસાસો નાંખીને આગળ વધી જઈશું. વિધાતા પોતાનો મેન્ડેટ બદલે એની રાહ જોઈશું!

અન્ય સમાચારો પણ છે...