મધ્યસ્થી બનતા જીવ ગુમાવ્યો:વડોદરામાં ઝઘડામાં વચ્ચે પડેલા યુવાનની ચાકૂના ઘા મારી હત્યા, બહેને કહ્યું: 'હત્યારાઓ નહીં પકડાય ત્યાં સુધી મૃતદેહ સ્વીકારીશું નહીં'

વડોદરાએક મહિનો પહેલા
  • આજવા રોડ પર શાંતિનગરમાં રહેતા બે ભાઈઓ પેટ્રોલ પુરાવવા નીકળ્યા હતા
  • સરદાર એસ્ટેટ પાસે મોડી રાત્રે ખુની ખેલ ખેલાયો, હત્યા કર્યાં બાદ આરોપીઓ ફરાર

વડોદરા શહેરના આજવા રોડ સરદાર એસ્ટેટ પાસે ગત મોડી રાત્રે રોડ પર ચાલી રહેલા ઝઘડામાં મધ્યસ્થી બનેલા યુવાનની હુમલાખોરોએ ચાકૂના ઘા મારી મોતને ઘાટ ઉતારી દીધો હતો. ભાઇને ગુમાવનાર બહેને જણાવ્યું હતું કે, જ્યાં સુધી મારા ભાઇના હત્યારાઓની ધરપકડ નહીં કરે ત્યાં સુધી અમે મારા ભાઇનો મૃતદેહ સ્વીકારીશુ નહીં. આ બનાવ અંગે બાપોદ પોલીસે કાર્યવાહી હાથ ધરી છે.

બે ભાઈઓ પેટ્રોલ પુરાવવા નીકળ્યા હતા
વડોદરા શહેરના આજવા રોડ પર આવેલા શાંતિનગરમાં રહેતો આદર્શ શર્મા અને તેનો ભાઇ અમન મોડી રાત્રે પેટ્રોલ પુરાવવા માટે નિકળ્યા હતા. તે સમયે તેમના ઘરના પાસે આવેલા જે.પી નગર સરદાર એસ્ટેટ પાણીની ટાંકી પાસે કેટલાક યુવાનો ઝઘડો કરી રહ્યા હતા. બંને ભાઇઓ થઈ રહેલા ઝઘડા બાબતે મધ્યસ્થી કરવા ગયા હતા અને ત્યાંથી પેટ્રોલ પુરાવા નીકળી ગયા હતા. પેટ્રોલ પુરાવી બંને ભાઈ પરત ફરી રહ્યા હતા, ત્યારે પણ ઝઘડો ચાલતો હતો.

પરિવારજનોએ મૃતદેહ સ્વીકારવાનો ઇન્કાર કર્યો.
પરિવારજનોએ મૃતદેહ સ્વીકારવાનો ઇન્કાર કર્યો.

મધ્યસ્થી બનતા યુવાનની માર માર્યો
આ ઝઘડામાં આદર્શ શર્મા અને તેનો ભાઇ મધ્યસ્થી બનતા ચારથી પાંચ હુમલાખોરોએ બંને ભાઇઓને પણ મારવાનું શરૂ કરી દીધું હતું. જેમાં હુમલાખોરો પૈકી કોઇએ આદર્શ શર્માના પેટ તથા અન્ય ભાગે ચાકૂના ઘા મારી ફરાર થઇ ગયા હતા. દરમિયાન આ બનાવની જાણ આદર્શની બહેન તથા અન્ય પરિવારના સભ્યો તેમજ મિત્રોને થતાં સ્થળ ઉપર દોડી આવ્યા હતા અને લોહીથી લથપથ બેભાન આદર્શને સયાજી હોસ્પિટલમાં લઈ ગયા હતા. જ્યાં તબીબોએ તેને મૃત જાહેર કર્યો હતો.

સરદાર એસ્ટેટ પાસે મોડી રાત્રે ખુની ખેલ ખેલાયો હતો.
સરદાર એસ્ટેટ પાસે મોડી રાત્રે ખુની ખેલ ખેલાયો હતો.

સયાજી હોસ્પિટલમાં યુવાનનું મોત
મૃતકના ભાઇ અમન અને બહેન નેહલ શર્માએ જણાવ્યું હતું કે, પેટ્રોલ પુરાવીને જ્યારે ભાઇ આદર્શ ઘરે પરત ફરી રહ્યો હતો. ત્યારે સોસાયટી પાસે ઝઘડો થયો હોવાની બાબત ધ્યાને આવતા તે ઝઘડામાં ઓળખીતો વ્યક્તિ હોવાથી તેને છોડાવવા માટે તે વ્યક્તિના પરિવારને લઈને આદર્શ શર્મા અને તેમના ભાઈ અમન શર્મા ત્યાં પહોંચ્યા હતા. જ્યાં બોલાચાલી ઉગ્ર થતાં અમન શર્માને માર મારવામાં આવ્યો હતો. જ્યારે આદર્શ શર્મા પર તિક્ષ્ણ હથિયાર વડે હુમલો કરવામાં આવતાં તેને સારવાર અર્થે સયાજી હોસ્પિટલમાં ખસેડાયો હતો. ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયેલા આદર્શ શર્માનું સારવાર દરમિયાન મોત થયું છે.

પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડીને આરોપીઓને પકડવાના ચક્રો ગતિમાન કર્યાં.
પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડીને આરોપીઓને પકડવાના ચક્રો ગતિમાન કર્યાં.

પોલીસ સામે આક્ષેપો કર્યાં
મૃતકની બહેન નેહલ શર્માએ જણાવ્યું કે, જ્યાં સુધી આદર્શ શર્માને ન્યાય નહીં મળે અને તેના હત્યારા પકડવામાં નહીં આવે ત્યાં સુધી મૃતદેહ સ્વીકારીશું નહીં. સાથે જ બાપોદ પોલીસે પણ યોગ્ય કાર્યવાહી નહીં કરી હોવાના આક્ષેપો કર્યાં હતા. સમગ્ર મામલે બાપોદ પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડીને આરોપીઓને પકડવાના ચક્રો ગતિમાન કર્યાં છે.

અન્ય સમાચારો પણ છે...