હત્યા કેસનો ચૂકાદો:વડોદરામાં મિલકત વિવાદમાં ભાભીની હત્યા કરનાર જેઠને દોષિત ઠેરવી કોર્ટે આજીવન કેદની સજા ફટકારી, કેરોસીન છાંટીને હત્યા કરી હતી

વડોદરા18 દિવસ પહેલા
  • કૉપી લિંક
વડોદરા કોર્ટ(ફાઇલ તસવીર) - Divya Bhaskar
વડોદરા કોર્ટ(ફાઇલ તસવીર)
  • મહિલાના મરણોન્મુખ નિવેદનને ધ્યાને લઇને દોષિતને કોર્ટે સજા ફટકારી

વડોદરા શહેરના ચાંપાનેર દરવાજા પાસે દોઢ વર્ષ અગાઉ મિલકત વિવાદમાં જેઠે ભાભીને કેરોસીન છાંટીને સળગાવી નાખીને હત્યા કરી નાખી હતી. આ મામલે સિટી પોલીસ સ્ટેશનમાં હત્યાનો ગુનો નોંધાયો હતો. જે અંગેનો કેસ વડોદરા કોર્ટમાં ચાલી જતા બંને પક્ષોની દલીલો અને મૌખિક તથા દસ્તાવેજી પુરાવાની ચકાસણી કરીને કોર્ટે આરોપીને આ ગુનામાં દોષિત ઠેરવીને આજીવન કેદની સજા તથા 25 હજાર દંડ ફટકારવાનો હુકમ કર્યો હતો.

ભાભી ઉપર જેઠે કેરોસીન છાંટ્યું હતું
સ્વ. શહેનાઝ બાનુ ઉમરભાઈ શેખ(રહે, ચાંપાનેર દરવાજા, ગોપાલ ડેરીની બાજુમાં, વડોદરા)ના પતિ અને જેઠ ગુલામરસુલ જમાલભાઈ શેખ(રહે, ચાંપાનેર દરવાજા, ગોપાલ ડેરીની બાજુમાં, વડોદરા)નું સહિયારું મકાન છે. જે મકાનની માલિકી જેઠ ગુલામહુસેનના નામે હોય પોતાના નામે કરવા માટે શહેનાઝબાનુ અને જેઠ વચ્ચે અવાર નવાર રકઝક થતી હતી. ફેબ્રુઆરી વર્ષ-2020 દરમિયાન શહેનાઝબાનુ મકાનમાં હાજર હતી. તે સમય અચાનક જેઠ ગુલામરસુલ પ્લાસ્ટિકના કારબામાં કેરોસીન ભરી લાવીને શહેનાઝબાનુ ઉપર છાંટી દિવાસળી ચાંપી દીધી હતી.

સારવાર દરમિયાન મહિલાનું મોત થયું હતું
આ ઘટનામાં શહેનાઝબાનુ ગંભીર રીતે દાઝી જતાં તેમને 108 એમ્બ્યુલન્સ મારફતે સયાજી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. તે સમયે શહેનાઝબાનુ ભાનમાં હોવાથી પોલીસે મરણોન્મુખ નિવેદન લઇને હત્યાની પ્રયાસનો ગુનો નોંધ્યો હતો. ત્રણ દિવસ બાદ ગંભીર રીતે દાઝી ગયેલા શહેનાઝબાનુએ પીડા સહન ન થતાં દમ તોડ્યો હતો અને પોલીસે હત્યાની કલમનો ઉમેરો કર્યો હતો. હાલ આરોપી ગુલામ રસુલ જ્યુડિશિયલ કસ્ટડી હેઠળ જેલમાં છે.

મરણોન્મુખ નિવેદન મહત્વનો ભાગ ભજવે છે
અદાલતે નોંધ્યું હતું કે, પુરાવામાં મૃતકની ફરિયાદ અને એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ દ્વારા નોંધવામાં આવેલું મૃતકનું મરણોન્મુખ નિવેદન મહત્વનો ભાગ ભજવે છે. આ ઉપરાંત પડોશી તથા પરિવારજનોને સારવાર દરમિયાન ઘટનાની સમગ્ર હકીકત જણાવી હતી. મૃતકે સાક્ષીઓની હાજરીમાં ઘટનાની વર્ણવેલી હકીકત પણ મરણોન્મુખ નિવેદનના સ્વરૂપમાં ગણી શકાય.

25 હજાર દંડ ફટકારવાનો હુકમ કર્યો
કાયદાના પ્રસ્થાપિત સિદ્ધાંત મુજબ જો મરણોન્મુખ નિવેદન અદાલતને યોગ્ય અને વિશ્વાસપાત્ર જણાઇ આવે તો અન્ય કોઇ પુરાવા કે, સમર્થન વગર આરોપીને સજા કરી શકે છે. જોકે, રજૂ થયેલા મરણોન્મુખ નિવેદનો યોગ્ય અને વિશ્વાસપાત્ર છે કે કેમ ? તે દિશામાં પણ અદાલતે ઝીણવટ ભરી કાળજી લીધી હતી અને તમામ પાસા ચકાસી બંને પક્ષોની દલીલો બાદ કોર્ટે આ ગુનામાં આરોપીને દોષિત ઠેરવીને આજીવન કેદની સજા તથા 25 હજાર દંડ ફટકારવાનો હુકમ કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...