તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ગુજસીટોક:8 મહિનાથી ફરાર બિચ્છુ ગેંગનો નામચીન મુન્નો તરબૂચ પકડાયો, ગુરુવારે મળસ્કે 3-30 કલાકે ઘર પાસેથી જ દબોચ્યો

વડોદરાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
મુન્નો તડબૂચ - Divya Bhaskar
મુન્નો તડબૂચ
  • અત્યાર સુધીમાં બિચ્છુ ગેંગના 26માંથી 25 ગુંડાને ઝડપી લેવાયા

1998થી હત્યા, હત્યાની કોશિશ, ખંડણી, અપહરણ, ધમકી સહિતના ગુના આચરતી કુખ્યાત બિચ્છુ ગેંગના અસલમ બોડિયા અને 25 સાગરીત સામે જાન્યુઆરીમાં ગુજસીટોક મુજબ ગુનો નોંધી 24 ગુંડાને ઝડપી લીધા હતા. દરમિયાન 8 માસથી ફરાર બિચ્છુ ગેંગના મુન્ના તરબૂચને ક્રાઇમ બ્રાન્ચે ગુરુવારે મળસ્કે તેના નવાપુરાના ઘર પાસેથી ઝડપી લીધો હતો.

જાન્યુઆરીમાં બિચ્છુ ગેંગના આતંક સામે પોલીસ કમિશનર ડો.શમશેરસિંઘ અને અધિક પો.કમિ ચિરાગ કરોડિયાને ફરિયાદો મળ્યા બાદ ડીસીપી ક્રાઇમ જયદિપસિંહ જાડેજાની સૂચના મુજબ એસીપી ડીએસ ચૌહાણ અને તેમની ટીમે ગેંગના 26 ગુંડા સામે ગુજસીટોકનો ગુનો નોંધી 24 ગુંડાને ઝડપ્યા હતા. જ્યારે 8 માસથી ફરાર મહમંદ હુસેન ઉર્ફે મુન્નો તરબૂચ જાકીર હુસેન શેખ (નવાપુરા મહેબુબપુરા) ઘેર આવવાનો છે, તેવી બાતમી મળી હતી. જેથી પોલીસે બુધવારે રાતથી તેના ઘર પાસે વોચ ગોઠવી મળસ્કે 3-30 વાગે મુન્નાને દબોચી લીધો હતો.

અત્યાર સુધી પકડાયેલા 24 આરોપી સામે કોર્ટમાં ચાર્જશીટ
પોલીસે જણાવ્યું હતું કે, અસલમ બોડિયા સહિત 25 ગુંડા અત્યાર સુધી પકડાયા છે અને તેમાંથી 24 સામે કોર્ટમાં ચાર્જશીટ કરી દેવાઇ છે. જ્યારે તનવીર ઉર્ફે તન્નુ શબ્બીર હુસેન મલેક સામે ચાર્જશીટની કાર્યવાહી ચાલી રહી છે. હવે મુન્ના તરબૂચ સામે તપાસ શરૂ કરી દેવાઇ છે. ઉલ્લેખનિય છે કે, ગુજસીટોકનો ગુનો નોંધાયા બાદ પોલીસે તમામ આરોપીઓની મિલકતની તપાસ કરી હતી, જેમાં ક્રાઇમ બ્રાન્ચની તપાસમાં મુન્ના તડબૂચ પાસે 3 કરોડથી વધુ મિલકત હોવાનું બહાર આવ્યું હતું. પોલીસે તેના નાણાકીય વ્યવહારોની પણ શરૂ કરી હતી. ક્રાઇમ બ્રાન્ચે મિલકતોની તપાસ શરૂ કરતાં ગુંડાઓમાં ફફડાટ જોવા મળી રહ્યો છે.

મુન્ના સામે 20 ગુના નોંધાયેલા છે
સૂત્રોએ જણાવ્યું કે, મુન્ના તડબૂચ સામે 1998થી શહેરનાં વિવિધ પોલીસ સ્ટેશનોમાં 20 ગુના નોંધાયેલા છે. જેમાં છેલ્લાં 10 વર્ષમાં તેની સામે 5 ગુના નોંધાયેલા છે. મુન્ના તડબૂચને 5 વખત પાસામાં પણ ધકેલી દેવાયો હતો.

અન્ય સમાચારો પણ છે...