તંત્રની લાલઆંખ:સોનિયાનગરના રહીશોને સામાન ખસેડી લેવા પાલિકાનું અલ્ટિમેટમ

વડોદરાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • વૈકલ્પિક આવાસ અપાયા બાદ જગા ખાલી ન કરાતાં લાલઆંખ

કારેલીબાગ વિસ્તારમાં આવેલા સોનિયાનગરના રહીશોને વૈકલ્પિક આવાસો આપવામાં આવ્યાં છે, પરંતુ તેમ છતાં સ્થળ ખાલી ન થતાં આખરે પાલિકાએ અંતિમ નોટિસ આપી જગ્યા ખાલી કરવા માટે તાકીદ કરી છે. નાગરવાડા ટીપી સ્કીમ નંબર 9માં ફાઇનલ પ્લોટ નંબર 328, 300, 326 અને 327માં કલેક્ટર હસ્તકના પ્લોટમાં સોનિયાનગર વસાહત આવેલી છે. જ્યાં કાચાં-પાકાં અનઅધિકૃત બાંધકામો કરવામાં આવેલાં છે. દબાણકર્તાઓને અગાઉ પાલિકા દ્વારા નોટિસ અપાઇ હતી, પરંતુ તે સ્વીકારી ન હતી. આરપીએડીથી નોટિસ આપી હતી પણ તે પરત આવી હતી.

8 એપ્રિલ અને 10 જૂનના રોજ જાહેર નોટિસ આપીને ગેરકાયદે દબાણો 7 દિવસમાં દૂર કરી જમીનનો કબજો ખુલ્લો કરવા જણાવ્યું હતું. દરમિયાન અહીં રહેતા લોકોને પોતાના સાધનીક પુરાવા અને કાગળ પાલિકાની રાવપુરા ખાતેની નૂર્મની ઓફિસે રજૂ કરવાનું કહ્યું હતું. પાલિકા દ્વારા મંજૂર કરવામાં આવેલી સ્લમ પોલિસી અને તે યોજના, નીતિ નિયમો અને માર્ગદર્શિકા મુજબ કાગળ રજૂ થાય તો લાભાર્થી ફાળાની રકમ ભર્યા પછી આવાસની ફાળવણી થઈ શકે.

આ સૂચનાનો પણ વસાહતના લોકોએ અમલ કર્યો નથી. જેથી પાલિકાએ આખરી નોટિસ આપી દબાણ ટૂંક સમયમાં દૂર કરાશે તેમ સ્પષ્ટપણે જણાવ્યું છે. જોકે ગત જૂન મહિનામાં સોનિયા નગરના લોકોએ મોરચા સ્વરૂપે આવી પાલિકામાં રજૂઆત કરી હતી કે, મકાન માટે વધુ રૂપિયા ભરવાનું કહેવામાં આવે છે. આ લોકોને સયાજીપુરા ઇડબ્લ્યુએસ પ્રકારનાં 216 મકાનો પૈકી 87 મકાનો કમ્પ્યૂટરાઈઝ્ડ ડ્રો કરીને અપાયાં છે તે નોંધનીય છે.

અન્ય સમાચારો પણ છે...