તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સભામાં સમરાંગણ:વડોદરા પાલિકાના અધિકારીઓ મહમૂદ ગઝનીના વારસદારો સમાન, આ પાકિસ્તાન નથી જ્યાં માત્ર મંદિર તૂટતાં રહે : ભાજપના કોર્પોરેટરો

વડોદરા20 દિવસ પહેલા
  • કૉપી લિંક
વડોદરા પાલિકાની ફાઇલ તસવીર. - Divya Bhaskar
વડોદરા પાલિકાની ફાઇલ તસવીર.
  • કલ્યાણનગરમાં માતાજીનું મંદિર તોડાતાં પાલિકાની સભામાં પડઘા, 7 કોર્પોરેટરનો એકસૂરે વિરોધ
  • પાલિકાના ભાજપના નેતા અલ્પેશ લિમ્બાચિયાનો આક્ષેપ, સૂરસાગર પાસેનું મંદિર જાણ કર્યા વિના તોડ્યું: હેમીષા ઠક્કરનો સવાલ, કોણે સૂચના આપી

કમાટીબાગ રોડ પર અંબાજી માતાના મંદિરનું બાંધકામ તોડી પાડવાની ઘટનાના પડઘા પાલિકાની સભામાં પડ્યા હતા. ભાજપના 6 સહિત 7 કોર્પોરેટરોએ આ તોડફોડને વખોડી નાખી હતી. કોર્પોરેટર નિતિન દોંગાએ તો અધિકારીઓ મહમૂદ ગઝનીના વારસદારની જેમ વર્તે છે તેવો આક્ષેપ કર્યો હતો. સૌથી ગંભીર બાબત તો એવી છે કે ભાજપના જ કોર્પોરેટરો એ પાલિકાના તંત્ર સામે આ મામલે અવાજ ઉઠાવ્યો હતો. ગુરુવાર મળેલી પાલિકાની સભામાં કોર્પોરેટર નીતિન દોંગાએ મંદિર તોડો અને મસ્જિદ ન તોડો એ બરાબર નથી તેવો ટોણો મારતાં જણાવ્યું હતું કે આ પાકિસ્તાન નથી, જ્યાં મંદિર તૂટ્યું હતું

પાલિકાના અધિકારીઓ મહમૂદ ગઝનીના વારસદારની જેમ વર્તે છે. ભાજપના જ કોર્પોરેટર પરાક્રમસિંહ જાડેજાએ માત્ર મસ્જિદ બચાવવા તોડફોડ કરવામાં આવી હોવાનો આક્ષેપ કર્યો હતો. તેવી જ રીતે પાણી પુરવઠા સમિતિના અધ્યક્ષ મનીષ પગારે કહ્યું કે મસોબાનું મંદિર તોડતા પહેલા અધિકારીને ખબર હોવી જોઈએ કે શું તોડી રહ્યા છે અને શાસક પાંખના કોર્પોરેટર આ મામલે કોઈ બોલે તો વિષય થઈ જાય છે, અમારી પણ સામાજિક મર્યાદા છે.

પાલિકાના ભાજપના નેતા અલ્પેશ લીમ્બાચિયાએ અગાઉ સુરેશ તુવેર નામના અધિકારીએ જાણ કર્યા વગર સુરસાગર કિનારેનું મંદિર તોડી નાખ્યું હતું અને કેમ હિન્દુ મંદિર ચોક્કસ ટાર્ગેટ પર છે તેવો સવાલ ઉઠાવ્યો હતો, તેમણે એવું પણ જણાવ્યું હતું કે લોકો અમને સવાલ કરે છે ત્યારે તંત્રે અમારા લોકોનું ધ્યાન દોરવું જોઈએ. શાસક પક્ષના કોર્પોરેટર હેમીષા ઠક્કરે મંદિર તોડવા માટે કોણે સૂચના આપી હતી તવો સવાલ ઉઠાવ્યો હતો. સ્થાયી સભ્ય નિલેશ રાઠોડે પણ જીઆઇડીસી રોડ પર પાલિકાના ગોડાઉનની પાછળ મસ્જિદનું બાંધકામ થઇ રહ્યું છે તેમ જણાવ્યું હતું. કોંગ્રેસના કોર્પોરેટર બાળુ સુર્વે એ મસોબાનું મંદિર તોડી નાખવા અંગે શાબ્દિક વિરોધ નોંધાવ્યો હતો.

7 મહિનામાં 5 મંદિર પર વ્રજઘાત

  • સુરસાગરના કિનારે આવેલું મસુ માનુ મંદિર તોડી નાખવામાં આવ્યું હતું પણ હવે વિરોધ થતાં ફરીથી બાંધવામાં આવ્યું છે.
  • દાંડિયા બજાર ખારીવાવ રોડ પર મંદિરનું સ્ટ્રક્ચર સવારે તોડી નાખવામાં આવ્યું હતું.
  • સમા સિકોતેર માતાનું મંદિર દબાણ શાખાએ તોડી પાડ્યું હતું
  • પદ્માવતી શોપિંગ સેન્ટરના પાર્કિંગમાં પાસે ગોગા મહારાજના મંદિરની દીવાલ તોડી પાડી હતી.

વાઘોડિયા રોડ પૂનમ કોમ્પ્લેક્ષ પાસે ગણપતિ મંદિર નો શેડ તોડી નાખવામાં આવ્યો હતો.

હજુ આ મંદિર પર નજર છે

  • જેપી રોડ પાસે પૌરાણિક હનુમાનજીનું મંદિરને તોડવા માટે તખતો ગોઠવી દેવાયો હતો. જોકે વિરોધ થતાં કાર્યક્રમ પડતો મૂકાયો હતો.
  • જે.પી. રોડ પર જ ભાથુજી મહારાજની દેરી બ્રિજમાં નડતરરૂપ હોવાનું કારણ આપી ખસેડવા કે તોડવા કવાયત શરૂ કરી છે.

મસ્જિદના ટ્રસ્ટીએ કહ્યું, અધિકારી મેનેજ થઇ ગયા છે, તમે કોઇ મગજમારી ન કરશો, તાંદલજાની મસ્જિદનો વિવાદ, દોંગાએ કહ્યું હું મેનેજ થઇશ તો મારી સ્મશાનયાત્રા નીકળશે
તાંદલજા રોડની પત્રકાર કોલોની પાસે બનેલી મસ્જિદના બાંધકામ અંગે ફરી એક વખત સભામાં સ્થાનિક કોર્પોરેટર નિતીન દોંગાએ અવાજ ઉઠાવ્યો હતો બે વર્ષ અગાઉની ઘટનાનો ઉલ્લેખ કરતાં જણાવ્યું હતું કે ગોત્રીમાં 45 વર્ષ જૂની સોસાયટીમાં બાંધકામ તોડવા જેસીબી અને ડમ્પર લઈને ગયા હતા. જ્યારે પત્રકાર કોલોની પાસે મસ્જિદ તોડવા હજી કોઈ કામગીરી કરાઇ નથી. આ મામલે અધિકારીને જાણ કરતાં થોડી વારમાં જ મસ્જિદના ટ્રસ્ટી મારી ઘરે પહોંચી ગયા હતા અને અધિકારીઓ મેનેજ થઈ ગયા છે તો તમે મગજમારી કરશો નહીં તેમ કહ્યું હતું. તેથી મેયરે કયા અધિકારીએ આવું કહ્યું તેમ પૂછતા નિતીન દોંગાએ ગામીતનું નામ આપ્યું હતું. તેમણે જણાવ્યું હતું કે, હું મેનેજ થતો નથી અને હું જ્યારે મેનેજ થઇશ એના બીજા દિવસે જ મારી સ્મશાન યાત્રા નીકળશે.

માતાજીનું મંદિર તોડવા સરકારની સૂચના હતી
નરહરિ હોસ્પિટલ પાસે તોડી પડાયેલા અંબા માતાના મંદિરના મામલે મ્યુન. કમિશનર શાલિની અગ્રવાલ જણાવ્યું હતું કે,પાલિકાએ માત્ર મશીનરી અને મેનપાવર પૂરા પાડ્યા છે બાકી મંદિરનું બાંધકામ તોડી પાડવાની સૂચના સરકાર અને કલેકટરની હતી.આ જગ્યા સરકારની છે અને સંકલ્પભૂમિના નિર્માણ ની કામગીરીની સમીક્ષા મંત્રી કરી રહ્યા છે.

મંદિર ખસેડાશે પણ તોડીશું નહિ: મેયર
પાલિકાની સભામાં મેયર કેયુર રોકડિયાએ ભાજપના કોર્પોરેટરોની મંદિરો અંગેની રજૂઆતો જવાબ આપતા જણાવ્યું હતું કે, અંબા માતાનું મંદિર પાલિકાએ તોડાવ્યું નથી. આપણે મંદિર તોડવા માંગતા નથી અને જો વિકાસમાં જરૂર પડે તો આવું મંદિર ખસેડી લેવાશે અને મારી તો કરપ્શન જેવા મુદ્દા પર ઝીરો-ટોલરન્સ નીતિ છે.

સભા સમયે અધિકારીઓને હાજર રહેવા તાકીદ
પાલિકાની સભામાં જુદા જુદા વિષયોને લઇને પ્રશ્નો ઊભા થતા હોય છે ત્યારે તેના ખુલાસા કરવામાં તકલીફ ન પડે તે માટે અધિકારીઓને સભા પુરી ન થાય ત્યાં સુધી કચેરી ન છોડવાનું ફરમાન કરવામાં આવ્યું હતું. મ્યુ.કમિશનર શાલિની અગ્રવાલે આદેશ જારી કર્યો હતો કે તમામ ખાતાના અધિકારીએ હાજર રહેવું અને જો હાજર રહેશે નહીં તો શિક્ષાત્મક કાર્યવાહી કરાશે.

અન્ય સમાચારો પણ છે...