આપઘાત:ધંધામાં નુકસાન થતાંં મુંબઈના વેપારીનો મકરપુરાની હોટલમાં ફાંસો ખાઇ આપઘાત

વડોદરાએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • ચેક આઉટ માટે હોટલનો સ્ટાફ બોલાવવા જતાં લાશ લટકતી હતી

મકરપુરા વિસ્તારમાં આવેલી રોયલ વિંગ્સ હોટલમાં મુંબઈના એક આધેડે ગળેફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું હતું. સોમવારે હોટલના સ્ટાફે માસ્ટર કીની મદદથી રૂમનો દરવાજો ખોલતા તેઓ રૂમમાં ગળેફાંસો ખાધેલી હાલતમાં મળી આવ્યા હતા. પોલીસને તેમની પાસેથી મળી આવેલી ચિઠ્ઠીમાં ધંધામાં નુકશાન થવાથી આ પગલું ભર્યાનો ઉલ્લેખ કરવામાં આવ્યો હોવાનું પોલીસે જણાવ્યું છે.

પોલીસના જણાવ્યા અનુસાર મુંબઈના મુલુંદ ખાતેની મરાઠી કોલોનીના ભક્તિ ફ્લેટમાં રહેતા 56 વર્ષના નિતીનભાઈ ગોહિલ વડોદરાના મકરપુરા હોટલ રોયલ વીંગ્સના ચોથા માળે રોકાયા હતા. તેઓ છેલ્લા ત્રણ દિવસથી હોટલમાં રોકાયા હતા અને સોમવારે તેમનો ચેક આઉટનો દિવસ હતો. હોટલનો સ્ટાફ ચોથા માળે તેમને બોલાવવા જતા તેઓએ દરવાજો ખોલ્યો નહતો. હોટલના સ્ટાફે નિતીનભાઈ સુઈ ગયા હશે તેમ સમજી ત્રણ કલાક બાદ ફરીથી દરવાજો ખખડાવ્યો હતો.

પરંતુ તેઓએ દરવાજો નહી ખોલતા હોટલના સ્ટાફને શંકા જતા તેઓએ રીસેપ્શન પર રહેલી માસ્ટર કીની મદદથી દરવાજો ખોલતા નિતીનભાઈ પંખામાં ઓઢણી વડે ગળેફાંસો ખાધેલી હાલતમાં મળી આવ્યા હતા. નિતીનભાઈને ગળેફાંસો ખાધેલી હાલતમાં જોઈ ચોંકી ઉઠેલા બેંકના સ્ટાફે આ બનાવ અંગેની મકરપુરા પોલીસને જાણ કરી હતી.

પોલીસે મૃતદેહને નીચે ઉતારી તેની તપાસ કરતા તેની પાસેથી એક ચિઠ્ઠી મળી આવી હતી. જેમાં તેને ધંધામાં નુકશાન થવાથી આ પગલું ભર્યું હોવાનો ઉલ્લેખ જોવા મળ્યો છે. જોકે તેની પાસે માત્ર ડ્રાઇવિંગ લાયસન્સ જ મળી આવ્યું હોવાથી પોલીસે તેના આધારે તેઓના પરિવારજનોની શોધખોળ શરૂ કરી છે. પોલીસના જણાવ્યા અનુસાર ઝીંગાનો વેપાર કરતા નિતીનભાઈએ આ અગાઉ અઠવાડિયામાં બીજી વખત વડોદરા આવ્યા હતા. તેમનો મોબાઈલ ફોન શોધવામાં આવી રહ્યો છે. પરિવારજનોને બનાવની જાણ કરવામાં આવી છે. તેઓ પાસેથી મળી આવેલી અંતિમ ચિઠ્ઠીને વેરીફાઈ કરવા પોલીસ તેઓના પરિવારજનોની રાહ જોઈ રહી છે.

અંતિમ ચિઠ્ઠી |ભાગીદાર ઉઘરાણી કરતો હતો
મુંબઈના નિતીનભાઈ પાસેથી મળેલી ચિઠ્ઠીમાં લખ્યું છે કે મિત્ર રાકેશ, તે મને આટલો બધો સાથ સહકાર આપ્યો એના બદલ તારો ખૂબ ખૂબ આભાર. પત્ની અને બાળકોને સાંભળજે. બાળકો ભણવામાં હોશિયાર છે. એમને કેનેડા મોકલજે. પાર્ટનર સાથે ઝીંગાનો વ્યવસાય શરૂ કર્યો હતો. ધંધામાં નુકશાન ગયું એટલે પાર્ટનર નાણાની ઉઘરાણી કરતો હતો. મેં મારી રીતે અંતિમ પગલું ભર્યું છે. એના માટે કોઈ જવાબદાર નથી.

અન્ય સમાચારો પણ છે...