ગુજરાતમાં ઝેરી ફૂગનો કહેર:મ્યુકોરમાઈકોસીસ વાસી ફૂડ ખાવાથી અને કચરાના ઢગલાની ફૂગથી હવામાં ફેલાય છે, આ ફંગસ નાકના હાડકાને પણ કોતરી ખાશે

રોહિત ચાવડા, જીતુ પંડ્યા, વડોદરાએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • વડોદરા શહેરની સયાજી અને ગોત્રી હોસ્પિટલમાં અત્યાર સુધીમાં મ્યુકોરમાઇકોસીસના 7 કેસ સામે આવ્યા હતા
  • વડોદરાની ખાનગી હોસ્પિટલમાં રાજપીપળાના 70 વર્ષના વૃદ્ધાનું કોરોનાની સારવાર દરમિયાન મ્યુકોરમાઇકોસીસથી મૃત્યુ થયું હતું
  • કોરોનાના દર્દીઓને માસ્ક પહેરવા, વારંવાર હાથ ધોવાની તબીબોની સલાહ

કોરોનાના દર્દીઓમાં જોવા મળી રહેલી બીમારી મ્યુકોરમાઇકોસીસ અમદાવાદ બાદ હવે વડોદરા શહેરમાં કહેર વધ્યો છે. વડોદરામાં અત્યાર સુધીમાં 7 કેસ સામે આવ્યા છે. અને એક દર્દીનું મૃત્યુ પણ થયું છે. ગોત્રી કોવિડ હોસ્પિટલના નોડલ ઓફિસર શિતલ મિસ્ત્રીએ જણાવ્યું હતું કે, મ્યુકોરમાઇકોસીસ હવામાં ફેલાતો રોગ છે. જ્યાં કચરાના ઢગલા હોય, ભેજનું પ્રમાણ વધુ હોય, પાણીનો ભરાવો થતો હોય ત્યાં ફૂગ જોવા મળે છે. આ ઉપરાંત વાસી બ્રેડ, વાસી રોટલી, સડેલા શાકભાજી અને સડેલા ફળમાં પણ ફૂગ વધારે જોવા મળતી હોય છે. ખાસ ડાયાબિટીસના દર્દીઓને આવી વસ્તુઓથી દૂર રહેવુ જોઇએ.

મ્યુકોરમાઇકોસીસથી બચવા કોરોનાના દર્દીએ માસ્ક પહેરવુ અને વારંવાર હાથ ધોવા જોઈએ
વધુમાં તેઓએ જણાવ્યું હતું કે, જેનામાં ઇમ્યુનિટી ઓછી તેને મ્યુકોર માઇકોસીસ જલ્દી થઈ જાય છે. ગાર્ડનિંગનું કામ કરતી વખતે માસ્ક અને હાથના મોજા પહેરીને કામ કરવુ જોઇએ. કોરોનાના દર્દીઓને સ્ટિરોઇડની દવાઓ અપાતી હોય છે, જેથી સુગર અને એસીડ ભેગુ થાય છે. જેથી મ્યુકોરમાઇકોસીસ બીમારીનું જોખમ વધી જાય છે. વડોદરાના દાંડિયા બજારની ખાનગી હોસ્પિટલના ડો. જયેશ રાજપુરાએ જણાવ્યું હતું કે, મ્યુકોરમાઇકોસીસથી બચવા માટે કોવિડ દર્દીએ માસ્ક પહેરવું, વારંવાર હાથ ધોવા, આખી બાયના શર્ટ અને ફૂલ પેન્ટ પહેરવા જોઈએ.

કેવી રીતે રક્ષણ મેળવી શકાય?
મોટાભાગે જમીન પડેલા સડતા પાંદડા, છાણમાં આ ફૂગ પેદા થાય છે, તે હવામાં ભણતા જો નાક વાટે શરીરમાં પ્રવેશે ત્યારે નબળી રોગપ્રતિકારક શક્તિ ધરાવતા લોકોને તુરંત જ અસર કરે છે. જો વ્યક્તિએ માસ્ક પહેર્યો હોય તો આ ફૂગ સામે રક્ષણ મળે છે. જો માસ્ક ન પહેર્યો હોય તો આ ફૂગનો ચેપ સરળતાથી લાગી જાય છે.

મ્યુકોરમાઇકોસીસના લક્ષણો
આ બીમારીના લક્ષણોમાં શરદી, નાકમાંથી લોહી નીકળવું, નાક બંધ થવું, શ્વાસ લેવામાં તકલીફ, રસી પડવી, તાવ અને તાળવું કાળા રંગનું થઈ જવુ અને અઠવાડિયા પછી નાકમાં ગાંઠ થઈ હોય તેવું લાગે છે. જે માટે સિટી સ્કેન કરવું પડે છે. આ બીમારીમાં એક પ્રકારનું ફંગસ જોવા મળે છે, જે નાકમાં રહેલા હાડકાને કોતરી ખાય છે. નાક અને મગજ વચ્ચેનું હાકડું ખવાઈ જાય છે. બીમારીની સીધી અસર દર્દીની આંખ તેમજ મગજ પર થાય છે.

મ્યુકોરમાઇકોસિસમાં કોણ સપડાય?
-કેન્સરના દર્દી
-અંગ પ્રત્યારોપણ કરાવેલું હોય તે વ્યક્તિ.
-શ્વેતકણો (WBC)નું પ્રમાણ ઓછું હોય.
-આયર્ન (લોહતત્વ)નું પ્રમાણ લોહીમાં અતિશય વધી (હેમોક્રોમાટોસિસ) જાય.
-લાંબા સમયથી સ્ટિરોઇડ દવાઓ લીધી હોય.
-ચામડીમાં ઊંડો ઘા થયો હોય ત્યારે આ ફુગ લાગી શકે છે.
-પાંદડાઓના સડા અને છાણમાં આ ફૂગ ફેલાય છે, બચવા માસ્ક પહેરો

સપ્ટેમ્બરથી વડોદરામાં પણ કેસો નોંધાયા છે, 2 દર્દીને સારવાર માટે અમદાવાદ મોકલાયા હતા
મ્યુકોરમાઇકોસીસ થાય ત્યારે ઘણા કિસ્સામાં આંખ કાઢવી પડે છે. નાકના અસરગ્રસ્ત ભાગને દૂર પણ કરવો પડે છે. આ ફુગના રોગથી પિડાતા દર્દીઓની સારવારનો ખર્ચ પણ મોંઘો હોય છે. તબીબોના જણાવ્યા મુજબ આ રોગની સારવારમાં રૂ. 2500થી રૂ.3000ની કિંમતના મોંઘા ઇન્જેકશન રોજના 4થી 6 જેટલા આપવામાં આવે છે. દર્દીની સારવાર 10થી 15 દિવસ સુધી ચાલતા ટેસ્ટિંગ સહિતનો ખર્ચ રૂ.4થી 5 લાખ જેટલો થઇ જાય છે. જ્યારે વડોદરાની એસએસજી હોસ્પિટલ અને ગોત્રી હોસ્પિટલમાં મ્યુકોરમાઇકોસીસની સારવાર નિ:શુલ્ક આપવામાં આવે છે. મ્યુકોરમાઇકોસિસના દર્દીની સારવાર ન કરવામાં આવે તો તેને ન્યૂમોનિયા થઇ જાય છે. મગજમાં સંક્રમણ ફેલાતા લકવો પણ થઇ શકે છે. અને દવાઓ ન મળવાથી તેનું મોત પણ થઇ શકે છે.

2 દર્દીને હાયર સેન્ટર અમદાવાદ સિવિલ ખાતે મોકલવામાં આવ્યા
વડોદરાની સયાજી હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટ અને ઇએનટી વિભાગના હેડ ડો. રંજન ઐયરે જણાવ્યું કે, સપ્ટેમ્બર મહિનાથી હોસ્પિટલમાં માંડ 4 જેટલા કેસો આવ્યાં છે. તેમની અહીં સારવાર કરવામાં આવી હતી અને તેઓ સાજા થઇને ઘરે ગયા હતા. હાલમાં જ્યારે ગોત્રીના નોડલ ઓફિસર ડો. શિતલ મિસ્ત્રીએ માહિતી આપતા કહ્યું કે, છેલ્લા કેટલાક મહિનામાં ગોત્રી હોસ્પિટલમાં 3 જેટલા કેસો આવ્યાં હતા. હોસ્પિટલમાં કોઇ નવા કેસો આવ્યાં નથી. આ કેસો પૈકીના 2 કેસોને હાયર સેન્ટર અમદાવાદ સિવિલ ખાતે મોકલવામાં આવ્યાં હતા.

સયાજી હોસ્પિટલની લેબમાં દર વર્ષે 10થી 15 કેસમાં નમૂના ટેસ્ટિંગ માટે આવે છે
બરોડા મેડિકલ કોલેજના ડીન અને પેથોલોજી વિભાગના હેડ ડો. તનુજા જાવડેકરને પૂછતાં તેમણે જણાવ્યું હતું કે, મ્યુરોકમાઇકોસીસના કેસો સયાજી હોસ્પિટલમાં ઓછા આવે છે. વર્ષના 10થી 15 જેટલા કેસો આવતાં હોય છે, જેના ટેસ્ટિંગ સયાજી હોસ્પિટલની લેબમાં જ કરાય છે.’

આડેધડ સ્ટિરોઇડનો ઉપયોગ આ બીમારી માટે કારણભૂત છે
કોરોનાની સારવાર દરમિયાન દર્દીઓને લાંબો સમય સુધી સારવારના ભાગરૂપે સ્ટિરોઇડ આપવામાં આવે છે. જો સ્ટિરોઇડ કોઇ ટેસ્ટ કર્યાં વિના આડેધડ આપવામાં આવ્યું હોય ત્યારે દર્દીની રોગ પ્રતિકારકશક્તિ ઓછી થઇ જાય છે. જેના પગલે આ ફુગ તુરંત જ અસર કરે છે. બીજું કારણ ટોસિલિઝુમેબ છે. આ ઇન્જેકશનોના ઉપયોગથી પણ ઇમ્યુનિટી ખુબ જ નબળી પડી જાય છે.

આ દવાઓનાં ઇન્જેકશન અપાય છે
લિપોસોમલ એમ્ફોટેરિસિન બી
કેસપોફંગિન
પોસાકોનાઝોલ
પોસાકોનાઝોલ

મ્યુકોરમાઇકોસીસથી બચવા સરકારે ગાઈડલાઈન જાહેર કરી છે
કોરોનાથી સ્વસ્થ થયેલાં દર્દીમાં થતી મ્યુકરમાઇકોસિસ નામની બીમારીમાં મૃત્યુનું પ્રમાણ 50 ટકા જેટલું ઊંચું હોવાને કારણે ગુજરાત સરકારે આ બીમારી સંદર્ભે એક માર્ગદર્શિકા બહાર પાડી તમામ શહેરો અને જિલ્લાના આરોગ્ય અધિકારીઓને મ્યુકરમાઇકોસિસ બીમારીનો પરિચય, તેના કારણો, લક્ષણો, તપાસ, પરેજી અને સારવારની પદ્ધતિને લઇને જાણ કરી છે.

કોરોનાથી સ્વસ્થ થયેલાં દર્દીઓમાં બીમારીનું છૂટુંછવાયું પ્રમાણ નોંધાયું
આ પત્રમાં જણાવ્યા અનુસાર આ બીમારીનું કોરોનાથી સ્વસ્થ થયેલાં દર્દીઓમાં છૂટુંછવાયું પ્રમાણ નોંધાયું છે પણ તેમાં અમદાવાદ અને રાજકોટમાં આ બીમારીના કિસ્સા નોંધપાત્ર હોવાનું જણાવાયું છે. અમુક વિશેષ પ્રકારની ફૂગને કારણે થતાં આ રોગમાં ડાયાબિટીસ, કેન્સર, અંગપ્રત્યારોપણ કે સ્ટેમસેલ પ્રત્યારોપણ, લાંબી બીમારી, શરીરમાં વધુ પડતું લોહતતત્વનું પ્રમાણ તથા અધૂરા માસે થયેલી પ્રસૂતિ અને જન્મ વખતે બાળકના વજનનું ઓછું પ્રમાણ કારણભૂત ગણાવાયા છે. આ રોગ ન થાય તે માટે લોકોને એન-95 માસ્ક પહેરવા, બહાર નીકળતી વખતે હાથપગ ઢંકાય તેવાં કપડાં પહેરવા, માટી અને ફૂગના સંપર્કથી દૂર રહેવા તથા ઇજા થઇ હોય તો તેમાં ફૂગજન્ય ચેપ ન થાય તેની સૂચના અપાઈ છે.

અમદાવાદ સહિત રાજ્યભરમાં કેસો નોંધાયા છે
અમદાવાદમાં મ્યુકોરમાઇકોસીસ ફૂગને લીધે કોરોનાના 44 દર્દીઓમાંથી 9 લોકોનાં મોત નિપજ્યાં હતા અને રાજ્યભરમાં આ રોગે હાહાકાર મચાવ્યો છે, ત્યારે એસએસજી અને ગોત્રી હોસ્પિટલમાં મ્યુકોરમાઇકોસીસના 7 નવા કેસ સપ્ટેમ્બરથી નોંધાયા છે.