તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કોરોના ઈફેક્ટ:વડોદરામાં પણ મ્યુકોરમાઇકોસિસે દેખા દીધી, SSG-ગોત્રીમાં 7 કેસો

વડોદરા9 મહિનો પહેલા
 • કૉપી લિંક
મ્યુકોરમાઇકોસિસ ફૂગની ફાઈલ તસવીર - Divya Bhaskar
મ્યુકોરમાઇકોસિસ ફૂગની ફાઈલ તસવીર
 • કોરોનાના કહેર વચ્ચે રાજ્યભરમાં નવા રોગે હાહાકાર મચાવ્યો

અમદાવાદમાં મ્યુકોરમાઇકોસિસ ફૂગને લીધે કોરોનાના 44 દર્દીઓમાંથી 9 લોકોનાં મોત નિપજ્યાં છે અને રાજ્યભરમાં આ નવા રોગે હાહાકાર મચાવ્યો છે. ત્યારે એસએસજી અને ગોત્રી હોસ્પિટલમાં મ્યુકોરમાઇકોસિસના 7 નવા કેસ સપ્ટેમ્બરથી નોંધાયા છે. આ રોગ કોરોના ન થયો હોય અને ઇમ્યૂનિટી ઓછી હોય તો પણ થઇ શકે છે.

સપ્ટેમ્બરથી શહેરમાં પણ કેસો નોંધાયા છે, 2 દર્દીને સારવાર માટે અમદાવાદ મોકલાયા હતા
જોકે આ દર્દીઓની સારવાર દરમિયાન કોઇનું મોત નિપજ્યું ન હતું. પણ બે દર્દીને અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં મોકલવામાં આવ્યાં હતા. મ્યુકોરમાઇકોસિસ થાય ત્યારે ઘણા કિસ્સામાં આંખ કાઢવી પડે છે. નાકના અસરગ્રસ્ત ભાગને દૂર પણ કરવો પડે છે. આ ફુગના રોગથી પિડાતા દર્દીઓની સારવારનો ખર્ચ પણ મોંઘો હોય છે. તબીબોના જણાવ્યા મુજબ આ રોગની સારવારમાં રૂ. 2500થી રૂ.3000ની કિંમતના મોંઘા ઇન્જેકશન રોજના 4થી 6 જેટલા આપવામાં આવે છે. દર્દીની સારવાર 10થી 15 દિવસ સુધી ચાલતા ટેસ્ટિંગ સહિતનો ખર્ચ રૂ.4થી 5 લાખ જેટલો થઇ જાય છે. જ્યારે એસએસજી હોસ્પિટલ અને ગોત્રી હોસ્પિટલમાં મ્યુકોરમાઇકોસિસની સારવાર નિ:શુલ્ક આપવામાં આવે છે. મ્યુકોરમાઇકોસિસના દર્દીની સારવાર ન કરવામાં આવે તો તેને ન્યૂમોનિયા થઇ જાય છે. મગજમાં સંક્રમણ ફેલાતા લકવો પણ થઇ શકે છે. અને દવાઓ ન મળવાથી તેનું મોત પણ થઇ શકે છે.

સયાજી હોિસ્પટલની લેબમાં દર વર્ષે 10થી 15 કેસોમાં નમૂના ટેસ્ટિંગ માટે આવે છે
આ વિશે વાત કરતા એસએસજી હોસ્પિટલના સુપરિન્ટેન્ડન્ટ અને ઇએનટી વિભાગના હેડ ડો. રંજન ઐયરે જણાવ્યું કે, ‘સપ્ટેમ્બર મહિનાથી હોસ્પિટલમાં માંડ 4 જેટલા કેસો આવ્યાં છે. તેમની અહીં સારવાર કરવામાં આવી હતી અને તેઓ સાજા થઇને ઘરે ગયા હતા. હાલમાં એસએસજી આવા નવા કોઇ કેસ આવે તે માટે સુસજ્જ છે.’ જ્યારે ગોત્રીના નોડલ ઓફિસર ડો. શિતલ મિસ્ત્રીએ માહિતી આપતા કહ્યું કે, છેલ્લા કેટલાક મહિનામાં ગોત્રી હોસ્પિટલમાં 3 જેટલા કેસો આવ્યાં હતા. હોસ્પિટલમાં કોઇ નવા કેસો આવ્યાં નથી. આ કેસો પૈકીના 2 કેસોને હાયર સેન્ટર અમદાવાદ સિવિલ ખાતે મોકલવામાં આવ્યાં હતા.’ જ્યારે બરોડા મેડિકલ કોલેજના ડીન અને પેથોલોજી વિભાગના હેડ ડો. તનુજા જાવડેકરને પૂછતાં તેમણે જણાવ્યું હતું કે, ‘મ્યુરોકમાઇકોસિસના કેસો એસએસજીમાં ઓછા આવે છે. વર્ષના 10થી 15 જેટલા કેસો આવતાં હોય છે, જેના ટેસ્ટિંગ એસએસજીની લેબમાં જ કરાય છે.’

આડેધડ સ્ટિરોઇડનો ઉપયોગ કારણભૂત : ડો. રંજન ઐયર
કોરોનાની સારવાર દરમિયાન દર્દીઓને લાંબો સમય સુધી સારવારના ભાગરૂપે સ્ટિરોઇડ આપવામાં આવે છે. જો સ્ટિરોઇડ કોઇ ટેસ્ટ કર્યા વિના આડેધડ આપવામાં આવ્યું હોય ત્યારે દર્દીની રોગ પ્રતિકારકશક્તિ ઓછી થઇ જાય છે. જેના પગલે આ ફુગ તુરંત જ અસર કરે છે. બીજું કારણ ટોસિલિઝુમેબ છે. આ ઇન્જેકશનોના ઉપયોગથી પણ ઇમ્યુનિટી ખૂબ જ નબળી પડી જાય છે.

મ્યુકોર-માઇકોસિસમાં કોણ સપડાય?

 • કેન્સરના દર્દી
 • અંગ પ્રત્યારોપણ કરાવેલું હોય તે વ્યક્તિ.
 • શ્વેતકણો (WBC)નું પ્રમાણ ઓછું હોય.
 • આયર્ન (લોહતત્વ)નું પ્રમાણ લોહીમાં અતિશય વધી (હેમોક્રોમાટોસિસ) જાય.
 • લાંબા સમયથી સ્ટિરોઇડ દવાઓ લીધી હોય.
 • ચામડીમાં ઊંડો ઘા થયો હોય ત્યારે આ ફુગ લાગી શકે છે.

પાંદડાઓના સડા અને છાણમાં આ ફૂગ ફેલાય છે, બચવા માસ્ક પહેરો
મોટાભાગે જમીન પડેલા સડતા પાંદડા, છાણમાં આ ફૂગ પેદા થાય છે તે હવામાં ભણતા જો નાક વાટે શરીરમાં પ્રવેશે ત્યારે નબળી રોગપ્રતિકારક શક્તિ ધરાવતા લોકોને તુરંત જ અસર કરે છે. જો વ્યક્તિએ માસ્ક પહેર્યો હોય તો આ ફુગ સામે રક્ષણ મળે છે. જો માસ્ક ન પહેર્યો હોય તો આ ફૂગનો ચેપ સરળતાથી લાગી જાય છે.

આ દવાઓનાં ઇન્જેકશન અપાય છે

 • લિપોસોમલ એમ્ફોટેરિસિસન બી
 • કેસપોફંગિન
 • પોસાકોનાઝોલ

ફૂગની દર્દીના નાક સહિત આંખ, ગાલ, ફેફસા, જડબાને પણ અસર થાય છે
દર્દીના નાક સહિત આંખ, ગાલ, ફેફસા, જડબાને પણ અસર થાય છે. આ ફુગ લોહીના માધ્યમથી જ્યારે મગજમાં પહોંચે ત્યારે લકવો અને છેવટે મોત પણ નિપજી શકે છે. દર્દીને અંધાપો આવવા માડે છે. આંખ સુજી જતાં બંધ કરી શકતો નથી. નાકમાંથી વાસ આવે, વારંવાર શરદી થાય અને બંધ નાક જણઆય. નાકની ઉપરનો ગાલનો ભાગ લાલ અને પછી કાળો પડવા માંડે. તાવ આવે અને માથુ પણ દુખવા માંડે છે. જો ઝાંખુ જોવાય અને ઉપરના લક્ષણો હોય તો સારવાર માટે તુરંત જ નજીકના તજજ્ઞ તબીબોનો સંપર્ક કરવો જોઇએ.

વડોદરાના એક તબીબને પણ મ્યુકોરમાઇકોસિસ!
વડોદરાના એક આધેડ તબીબને મ્યુકોરમાઇકોસિસ થયાનું જાણવા મળે છે. આ તબીબનો એક દાંત હાલતો હતો. ત્યારબાદ તાળવા નીચે કાળો ડાઘ પડ્યો અને પછી અવાજ પણ બદલાઇ જતાં તેમણે તુરંત જ નજીકના ઇએનટી તજજ્ઞનો સંપર્ક કરીને બતાવવામાં આવ્યું હતું. તેમની સારવાર કરી રહેલા તબીબે જણાવ્યું કે, તેમનો ટેસ્ટ 15 દિવસમાં જ કરાયો અને પોઝિટિવ આવ્યો હોવાથી શરૂઆતના તબક્કે જ જાણ થઇ ગઇ છે. જેથી તેની સારવાર કરશે.

અન્ય સમાચારો પણ છે...