ધો. 12 પછીનો 'મેજિકલ' ડીગ્રી કોર્સ:M.Com., M.Sc. પછીય નોકરીના ઠેકાણા નથી પડતા, અહીં સરકારી યુનિ.માં 5 વર્ષનો કોર્સ, મામૂલી ફી ને 100% કેમ્પસ પ્લેસમેન્ટ

વડોદરા22 દિવસ પહેલાલેખક: મેહુલ ચૌહાણ
  • ફેકલ્ટીમાં વિદેશી વિદ્યાર્થીઓ પણ કરે છે અભ્યાસ
  • 18 જૂન 2022 ઓનલાઇન એપ્લાય કરવા માટેની છેલ્લી તારીખ
  • સમગ્ર અભ્યાસક્રમ ઇંગ્લિશ મીડિયમમાં હોવાથી દેશ-વિદેશમાં નોકરીની મોટી તક

જો તમે સામાજિક સેવાના ક્ષેત્રમાં આગળ વધી કારકિર્દી બનાવવા ઇચ્છો છો તો તમારે દેશના બીજા રાજ્ય કે વિદેશમાં ટોપની કોલેજ શોધવાની જરૂર નથી, કારણ કે ગુજરાતના વડોદરામાં એમ.એસ. યુનિવર્સિટીની ફેકલ્ટી ઓફ સોશિયલ વર્ક એના ક્ષેત્રની દેશમાં ચોથા નંબરે છે અને એમાં એડમિશન પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. આ ફેકલ્ટીની ખાસિયત એ છે કે એમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને કેમ્પસમાંથી જ 90થી 100 ટકા પ્લેસમેન્ટ મળી જાય છે તેમજ અભ્યાસ માટે AC ક્લાસરૂમ છે.

અભ્યાસ બાદ નોકરી શોધવામાં મુશ્કેલી નહીં
વડોદરાના મહારાજા સર સયાજીરાવ ગાયકવાડ દ્વારા સ્થાપિત એમ.એસ. યુનિવર્સિટી ઇંગ્લિશ મીડિયમમાં અપાતા શિક્ષણની સાથે ફેકલ્ટીઝમાં અપાતા સારા શિક્ષણને કારણે દેશ અને વિદેશના વિદ્યાર્થીઓને અભ્યાસ માટે આકર્ષિત કરે છે, ત્યારે આ યુનિવર્સિટીની ફેકલ્ટી ઓફ સોશિયલ વર્ક એવી ફેકલ્ટી છે. જ્યાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને કોલેજ સાથે ફિલ્ડવર્કનો એટલો સારો અભ્યાસ મળી રહે છે કે અભ્યાસ બાદ નોકરી કે વ્યવસાય શોધવામાં મુશ્કેલીઓ નડતી. આ ફેકલ્ટીમાં ગત વર્ષથી ધોરણ 12 પાસ બાદ પાંચ વર્ષનો BMSW (બેચલર એન્ડ માસ્ટર ઓફ સોશિયલ વર્ક)નો પાંચ વર્ષનો કોર્સ શરૂ કરાયો છે, જેની નવી બેચનાં એડમિશન આ વર્ષે પણ શરૂ થઇ ગયાં છે.

એડમિશનમાં વિદેશી વિદ્યાર્થીઓ માટે સુપર ન્યૂમેરિક
BMSWના કોર્સમાં પ્રવેશ અંગે માહિતી આપતા ફેકલ્ટી ઓફ સોશિયલ વર્કના પ્રોફેસર અંકુર સક્સેનાએ જણાવ્યું હતું કે નવી એજ્યુકેશન પોલિસી હેઠળ શરૂ કરાયેલા આ કોર્સમાં કુલ 80 બેઠક છે, પરંતુ જો કોઇ વિદેશી વિદ્યાર્થી એડમિશન લે તો તેમને સુપર ન્યૂમરિક એટલે કે 80 પ્લસ સંખ્યામાં એડમિશન આપવામાં આવે છે, એટલે કે જો ભારતના 80 વિદ્યાર્થી એડમિશન લે અને વિદેશના 5 વિદ્યાર્થી એડમિશન લે તો ક્લાસમાં કુલ સંખ્યા 85 થાય. ગત વર્ષે પ્રથમ બેચમાં આ કોર્સમાં બે વિદેશી વિદ્યાર્થીએ એડમિશન લીધું હતું અને તેઓ અભ્યાસ કરી રહ્યા છે.

AC સ્માર્ટ ક્લાસ રૂમ સહિતની આધુનિક સુવિધાઓ
ફેકલ્ટી ઓફ સોશિયલ વર્કમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે AC સ્માર્ટ ક્લાસ રૂમ, કોમ્પ્યુટર લેબ, લાઇબ્રેરી, ઓડિટોરિયમ, એમ્ફી થિયેટર, અને કેમ્પસમાં જ કેન્ટીનની પણ સુવિધા છે. આ કેમ્પસ પણ વૃક્ષોથી આચ્છાદિત છે.

સમાજ વ્યવસ્થા અને તંત્રનું પ્રેક્ટિકલ નોલેજ અપાય છે
ફેકલ્ટી ઓફ સોશિયલ વર્કના પ્રોફેસર અંકુર સક્સેનાએ જણાવ્યું હતું કે અમારી ફેકલ્ટી દેશની ટોપની સોશિયલ વર્કનો અભ્યાસ કરાવતી કોલેજોમાં સામેલ છે, જેમાં વર્ષ 2018માં આઉટલુક દ્વારા જાહેર કરાયેલ યાદીમાં MS યુનિવર્સિટીની ફેકલ્ટી ઓફ સોશિયલ વર્ક દેશની ચોથા નંબરે રહી હતી. અમારી ફેકલ્ટીમાં દેશ સહિત વિદેશના વિદ્યાર્થીઓ પણ અભ્યાસ કરે છે, જેમાંથી અભ્યાસ પૂર્ણ થતાં 90થી 100 ટકા વિદ્યાર્થીઓને કેમ્પસમાંથી પ્રતિષ્ઠિત NGOs તેમજ કંપનીઓમાં પ્લેસમેન્ટ મળી જાય છે. અમારા કોર્સની ખાસિયત એ છે કે ક્લાસમાં અભ્યાસની સાથે સાથે ફિલ્ડવર્કમાં પણ ખૂબ ધ્યાન અપાય છે, જેથી વિદ્યાર્થીઓને સમાજની વ્યવસ્થાઓ અને તંત્રનું પ્રેક્ટિકલ નોલેજ મળે છે, જેથી આ વિદ્યાર્થીઓ પાસ થતા જ મોટા ભાગે તેમને કેમ્પસમાંથી જોબ પ્લેસમેન્ટ મળી જાય છે.

કોરોનાકાળમાં પણ પ્લેસમેન્ટ થયા
પ્રોફેસર અંકુર સક્સેનાએ જણાવ્યું હતું કે કોરોનાકાળની સ્થિતિ હોવા છતાં અમારી ફેકલ્ટીમાં સારા પ્લેસમેન્ટ થયા છે. આ કોર્સની માગ પણ વધી છે, જેથી સમાજ સેવા કરતી સંસ્થાઓ, કંપનીઓમાં આવા સ્પેશિયલાઇઝેશન ધરાવતા લોકોની માગણી વધી છે. અહીં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને દેશ અને વિદેશમાં ઇન્ટર્નશિપ પણ મળે છે.

આ કોર્સ સમગ્ર દેશમાં મોડલ કોર્સ સાબિત થશે: પ્રોફેસર પરમાર
ફેકલ્ટીના ઓફ સોશિયલ વર્કના પ્રોફેસર મગનભાઇ પરમારે જણાવ્યું હતું કે આ કોર્સની ખાસિયત એ છે કે ધોરણ 12 પછી વિદ્યાર્થીને કઇ લાઇનમાં જવું છે એ નક્કી થઇ જશે, જેથી તે એમાં સારી મહેનત કરશે. પાંચ વર્ષ સુધી આ ફેકલ્ટીમાં અભ્યાસ કરવાથી તેને સારી ફેકલ્ટી પણ મળશે. વડોદરાની આજુબાજુ ઘણી ઇન્ડસ્ટ્રીઝ છે. કંપનીઓમાં લેબર વેલ્ફેર ઓફિસર રાખવો પડે છે અને તેના માટે MSWની ડીગ્રી હોવી જરૂરી છે. CSRનું પણ સારું અમલીકરણ કરવામાં આવી રહ્યું છે. આ કંપનીઓને સારો ટ્રેઇન મેનપાવર અમારી ફેકલ્ટી પૂરો પાડે છે, જેથી કોર્સ સમગ્ર દેશમાં મોડલ કોર્સ સાબિત થશે.

ફેકલ્ટીના ઓફ સોશિયલ વર્કના પ્રોફેસર મગનભાઈ પરમાર.
ફેકલ્ટીના ઓફ સોશિયલ વર્કના પ્રોફેસર મગનભાઈ પરમાર.
અન્ય સમાચારો પણ છે...