ધ મહારાજા સયાજીરાવ વિશ્વ વિદ્યાલયની સોશિયલ વર્ક ફેકલ્ટીને CSR એક્ટિવિટી હેઠળ 76 લાખ 80 હજારનું અનુદાન સ્કોટ પૂનાવાલા પ્રાઇવેટ લિમિટેડ તરફથી આપવામાં આવ્યું છે.
દાન માટે પૂર્વ વિદ્યાર્થીઓનો સંપર્ક કરવામાં આવ્યો
એમ.એસ.યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર ડૉ. વિજયકુમાર શ્રીવાસ્તવ દ્વારા વિશ્વવિદ્યાલયના વિકાસ માટે એક પહેલ કરવામાં આવી હતી. જે “TC with VC” હેઠળ અલગ અલગ કોર્પોરેટ ગૃપ્સ અને પૂર્વ વિદ્યાર્થીઓનો સંપર્ક કરીને કેવી રીતે યુનિર્વસિટીના વિકાસમાં સહભાગી થવાય તેના વિષયમાં પ્રયત્નો કરવામાં આવ્યા. જેના ભાગ રૂપે ફેકલ્ટી ઓફ સોશિયલ વર્કના ડીન પ્રોફેસર ભાવના મેહતાના વિશેષ પ્રયત્નોથી સ્કોટ પૂનાવાલા પ્રાઇવેટ લિમિટેડમાં સિનિયર વાઇસ પ્રેસિડેંટ તરીકે કાર્યરત વિશ્વ વિદ્યાલયના પૂર્વ વિદ્યાર્થી રાકેશ પટેલનો સંપર્ક કરી CSR હેઠળ 76 લાખ 80 હજારનું અનુદાન મળ્યું. આ અનુદાનનો ઉપયોગ આઈ.જી.પટેલ ઓડિટોરિયમના નવિનીકરણ માટે થશે. કોન્ફરન્સ હોલ કે જેમાં આધુનિક ઓડિયો વિઝ્યુલ સિસ્ટમથી માંડીને તમામ આધુનિક સુવિધાઓથી સજ્જ હશે.
MSU શિક્ષણ ક્ષેત્રે મધ્યમ વર્ગના સપના સાકાર કરે છે
રાકેશ પટેલ કે, જેઓ એમ.એસ.યુનિવર્સિટીના પૂર્વ વિદ્યાર્થી છે, તેમણે જણાવ્યું હતું કે, ધ મહારાજા સયાજીરાવ વિશ્વ વિદ્યાલય એ એક ઉચ્ચ શિક્ષણ ક્ષેત્રે સામાન્ય અને મધ્યમ વર્ગના લોકોના સપના સાકાર કરવાનું એક ઉત્તમ સ્થળ છે. આજે અમે કોર્પોરેટ ક્ષેત્રે જે સિદ્ધિઓ હાંસલ કરી છે તેમાં ફેકલ્ટી અને વિશ્વ વિદ્યાલયનું અમૂલ્ય યોગદાન રહેલું છે. આ એક નાનો પ્રયત્ન છે, જેથી આવનારી પેઢીને વધુ સારી સુવિધાઓ અને વાતાવરણ મળી રહે. તેમની સાથે એચ આર ડિપાર્ટમેન્ટમાં કામ કરતાં અને યુનિવર્સિટીના પૂર્વ વિદ્યાર્થી મિસ દિલશાદ ગિલ પણ જોડાયા હતા.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.