વડોદરામાં આવેલ એમ.એસ.યુનિવર્સિટીની ફાઈનાન્સ ફેકલ્ટીમાં વિદ્યાર્થી દ્વારા એક્ઝિબિશનમાં હિન્દુ દેવી-દેવતાઓના દુષ્કર્મના સમાચારોના પેપર કટિંગ ચિત્રો બનાવવામાં આવતા ભારે વિવાદ સર્જાયો છે. જેના પગલે આજે ABVP દ્વારા એમ.એસ.યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર સમક્ષ ફેક્ટ ફાઇન્ડિંગ કમિટી દ્વારા નિર્ણય કરવામાં આવ્યો તે અંગે પૂછપરછ કરવામાં આવી હતી. જોકે, યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર દ્વારા કોઈ જવાબ આપવામાં ના આવતા વિદ્યાર્થીઓએ વિરોધ પ્રદર્શન શરુ કર્યું હતું. સમગ્ર મુદ્દે યુનિવર્સિટીએ પોલીસને બોલાવી લેતા ABVP અને પોલીસ વચ્ચે ઘર્ષણ સર્જાયું હતું.
વિદ્યાર્થીઓની અટકાયત કરાઈ
એમ.એસ.યુનિવર્સિટીની હેડ ઓફિસ ખાતે વિરોધ પ્રદર્શન કરી રહેલા ABVPના વિદ્યાર્થીઓ અને યુવતીઓને પોલીસે અટકાયત કરી અને પોલીસ સ્ટેશન લઇ ગયા છે. વિદ્યાર્થીઓની અટકાયત દરમિયાન પોલીસ અને વિદ્યાર્થીઓ વચ્ચે ઘર્ષણ સર્જાયું હતું. પોલીસનો મોટો કાફલો યુનિવર્સિટી હેડ ઓફિસ ખાતે પહોંચતા આખરે કેમ્પસને ખાલી કરાવી દેવામાં આવ્યું છે.
કુલપતિ જવાબ આપે-ABVP
વિરોધ પ્રદર્શન દરમિયાન એબીવીપીના નેતા નિશિત વરિયાએ જણાવ્યું હતું કે, આ માત્ર વડોદરા નહીં પરંતુ દેશના કરોડો હિન્દુઓની લાગણી નો સવાલ છે. એમ.એસ.યુનિવર્સિટી ને બીજી JNU નહીં બનવા દઈએ. જ્યાં સુધી વાઇસ ચાન્સેલર જવાબ નહીં આપે ત્યાં સુધી અમારુ વિરોધ પ્રદર્શન ચાલુ રહેશે.
નારેબાજી કરાઈ
અત્રે ઉલ્લેખનીય છે કે વિદ્યાર્થીઓ ભારત માતાકી જય જયશ્રી રામ જયશ્રી રામ અને વાઇસ ચાન્સેલર હાય હાય ના નારા લગાવી રહ્યા છે. અને પોતાનો વિરોધ પ્રદર્શિત કરી રહ્યા છે. તેમની એક જ માગણી છે કે, ફેકલ્ટી ઓફ ફાઇન આર્ટસના ડિનને પદ પરથી હટાવવામાં આવે તેમજ જો વિદ્યાર્થી દોષિત ઠરે તો તેને પણ રસ્ટિકેટ કરવામાં આવે.
શું છે JNU અને વિવાદ?
દિલ્હીમાં આવેલી જવાહરલાલ નહેરુ યુનિવર્સિટી (જેએનયુ)માં ભારત વિરોધી સૂત્રોચ્ચારો લાગતાં વિવાદમાં આવી હતી. ત્યારબાદ વિદ્યાર્થીઓ સહિતના નારેબાજી કરનારા પર રાજદ્રોહના કેસ કરવામાં આવ્યાં હતાં. જેએનયુ વિવાદને લઈને દેશભરમાં ભારે ચર્ચાઓ જામી હતી. સમગ્ર મુદ્દો ઘણા સમય સુધી સતત ચર્ચામાં રહ્યો હતો.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.