વિધિની વક્રતા:MS યુનિવર્સિટીની વિદ્યાર્થિનીને અકસ્માત થતાં 5 ટાંકા આવ્યા, પરીક્ષામાં બેસવા ન દેવાતા ગેટની બહાર જ રડી પડી

વડોદરાએક મહિનો પહેલા
વિદ્યાર્થિની હિતાક્ષી વૈદ્યની તસવીર - Divya Bhaskar
વિદ્યાર્થિની હિતાક્ષી વૈદ્યની તસવીર
  • પરીક્ષા આપવા જતા રસ્તામાં કૂતરું આડું આવતા વિદ્યાર્થિનીનો અકસ્માત થયો હતો

વડોદરાની એમ.એસ.યુનિવર્સિટીમાં એક વિદ્યાર્થિનીને આજે અકસ્માત થતાં 5 ટાંકા આવ્યા હતા. જેથી તે સીધી હોસ્પિટલમાં સારવાર લઇ કોલેજ પહોંચી હતી. જો કે પરીક્ષામાં બેસવાનો સમય જતા રહ્યો હોવાથી વિદ્યાર્થિનીને પરીક્ષા ખંડમાં પ્રવેશ આપવામાં આવ્યો ન હતો. જેથી વિદ્યાર્થિની બહાર ગેટ પર જ રડી પડી હતી.

કોલેજ જતા રસ્તામાં કૂતરું આડું ઉતરતા અકસ્માત
મહારાજા સયાજીરાવ ગાયકવાડ યુનિવર્સિટી (MSU)માં હાલ કોમર્સ ફેકલ્ટીમાં Ty.Bcomની વાર્ષિક પરીક્ષા ચાલી રહી છે. ત્યારે આજે હિતાક્ષી વૈદ્ય નામની કોમર્સના ત્રીજા વર્ષમાં અભ્યાસ કરતી વિદ્યાર્થિની પરીક્ષા આપવા પોતાના ઘરેથી નીકળી હતી. હિતાક્ષી ટુ-વ્હીલર પર આવી રહી હતી ત્યારે મનીષા ચોકડી પાસે અચાનક કૂતરું આવી જતાં તેનો અકસ્માત થયો હતો અને તેને મોઢા અને પગના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી. જેથી તેને માઢા પર કુલ 5 ટાંકા આવ્યા હતા. સાથે પગેથી ચલાય તેવી પરિસ્થિતિ પણ ન હતી. છતાં હિતાક્ષી તેની માતાને બોલાવી ડોક્ટરની સારવાર કરાવી જેમતેમ પોતાની પરીક્ષા આપવા કોમર્સની યુનિટ બિલ્ડિંગ પર પહોંચી હતી. પરંતુ તે પરીક્ષામાં એક કલાક મોડી પડી હોવાથી તેને પરીક્ષામાં બેસવા દેવામાં આવી ન હતી.

પરીક્ષામાં મોડું થતા વર્ગખંડમાં પ્રવેશ ન અપાયો
જેથી દુ:ખી થઇ ગયેલી વિદ્યાર્થીની ગેટની બહાર જ રડી પડી હતી. તે સતત કહેતી રહી, એક કલાક પરીક્ષામાં બેસવા દો, હું પાસ થઈ જઇશ, મારું કેરિયર બગડી જશે.' જો કે યુનિવર્સિટી દ્વારા નિયમ પ્રમાણે મોડી પહોંચી હોવાથી તેને પરીક્ષામાં બેસવા દેવામાં આવી ન હતી.

આ મુદ્દે કોમર્સ ફેકલ્ટીના વાઇસ ડિન કલ્પેશ શાહ દ્વારા પરીક્ષાના નિયમો અંગે કહ્યું હતું કે, 30 મિનિટ બાદ કોઈને પણ પરીક્ષામાં બેસવા દેવામાં આવે નહીં તેવો નિયમ છે. બીજુ હાલ એક જ સળંગ પેપર નથી આપવામાં આવતું, વૈકલ્પિક જવાબોવાળું પ્રશ્નપત્ર આપવામાં આવે છે. જેમાં પહેલા સેક્સનના પ્રશ્નપત્રો સિલ થઇ ગયા બાદ અને તેની ગેરહાજરી પૂરાઇ ગયા બાદ વિદ્યાર્થિનીને પરીક્ષામાં ન બેસાડી શકાય.

એકસપર્ટ વ્યૂ
અકસ્માત જેવા કિસ્સામાં માનવતાના ધોરણે પરીક્ષા આપવા દેવી જોઇએ

નિયમ પ્રમાણે જો વિદ્યાર્થી અડધો કલાકથી વધુ મોડો પડે તો પરીક્ષામાં બેસવા દેવાતા નથી. તેનું કારણ એવુ છે કે અડધો કલાક પછી પરીક્ષા ખંડમાં બેઠેલા વિદ્યાર્થીઓને પાણી પીવા કે વોશ રૂમ માટે જવા દેવાની મંજૂરી અપાય છે. શરૂઆતમાં કોઇ વિદ્યાર્થી બહાર જઇને પેપર લીક કરે તેવી શકયતા રહેતી હોય છે.સેન્ટર સુપરવાઇઝર વિવેક બુદ્ધીથી વધુ 15 મિનિટ આપી શકે છે.અકસ્માત જેવો જેન્યુન કેસ હોય અને ફાઇનલ યરની પરીક્ષા હોય તો માનવતાના ધોરણે બેસવાનો મોકો આપવો જોઇએ.( કોમર્સ કેફલ્ટીના પૂર્વ ડીન દિનકર નાયકના જણાવ્યાનુસાર)

લોગીન ID ન મળતાં વિદ્યાર્થી અટવાયા
​​​​​​​કોમર્સ ફેકલ્ટીમાં પ્રથમ વર્ષની મીડ સેમિસ્ટર પરીક્ષામાં લોગીન આઇડી નહિ મળ્યાની ફરીયાદ ઉઠી હતી. ફેકલ્ટીએ દાવો કર્યો હતો કે 223 વિદ્યાર્થીઓએ પરીક્ષા નથી આપી. જયારે વિદ્યાર્થી નેતાઓના દાવા મુજબ 700 થી 800 વિદ્યાર્થીઓ પરીક્ષાથી વંચિત રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...