કોરોના વડોદરા LIVE:શહેરમાં આજે કોરોનાના નવા 606 કેસ, એક જ દિવસમાં કેસોમાં 129% નો વધારો, ઓમિક્રોનના નવા 8 કેસ નોંધાયા

વડોદરા5 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • ભાજપના ધારાસભ્ય યોગેશ પટેલનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા
  • MSUની સાયન્સ ફેકલ્ટીના બોટની વિભાગની 6 વિદ્યાર્થિનીઓ સંક્રમિત થઇ

વડોદરા શહેરમાં છેલ્લા 10 દિવસમાં કોરોના પોઝિટિવ કેસ રોકેટ ગતિએ વધી રહ્યા છે . વડોદરા મહાનગરપાલિકા દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડાઓ પ્રમાણે શહેર-જિલ્લામાં આજે કોરોનાના નવા 606 કેસ નોંધાયા છે. ગઇકાલે સોમવારે શહેર-જિલ્લામાં 470 કેસ નોંધાયા હતા. આમ ગઇકાલની સરખામણીમાં આજે કોરોનાના કેસોમાં 129 ટકાનો વધારો થયો છે. કોરોનાની કુલ કેસની સંખ્યા 75,475 ઉપર પહોંચી ગઇ છે. આજે વધુ 179 દર્દીને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. અત્યાર સુધીમાં કુલ 72,772 દર્દીને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ આપવામાં આવ્યો છે. અત્યાર સુધીમાં કુલ 623 દર્દીના મોત થયા છે. ઓમિક્રોનના આજે નવા 8 કેસ નોંધાયા છે.

વડોદરાના માંજલપુરના ભાજપના ધારાસભ્ય યોગેશ પટેલનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. દિવ્ય ભાસ્કર સાથે ટેલિફોનિક વાતચીતમાં તેમણે જણાવ્યું કે, મને કોરોનાના સામાન્ય લક્ષણો છે. હાલ હું ઘરે જ સારવાર લઈ રહ્યો છું. ડોક્ટરે દવાઓ આપી છે. આ ઉપરાંત વડોદરાની એમ.એસ.યુનિવર્સિટીના જોઇન્ટ રજીસ્ટ્રાર મયંક વ્યાસ કોરોના સંક્રમિત થયા છે. આ ઉપરાંત સાયન્સ ફેકલ્ટીના બોટની વિભાગની 6 વિદ્યાર્થિનીઓ સંક્રમિત થઇ છે.

1939 દર્દીઓ હોમ આઇસોલેશનમાં છે
વડોદરા શહેરમાં હાલમાં 2080 એક્ટિવ દર્દીઓ નોંધાયા છે, જે પૈકી 1939 દર્દીઓ હોમ આઇસોલેશનમાં છે, જ્યારે 141 દર્દીઓ હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે. 8 દર્દીઓ વેન્ટિલેટર પર, 17 દર્દીઓ આઇસીયુમાં અને 55 દર્દીઓને ઓક્સિજન પર રાખવામાં આવ્યા છે. હાલમાં 2345 દર્દીઓને ક્વોરન્ટાઈન કરવામાં આવ્યા છે.

આ વિસ્તારોમાં નવા કેસો નોંધાયા
વડોદરા શહેર અને જિલ્લામાં આજે જેતલપુર, બાજવા, વારસીયા, દિવાળીપુરા, સવાદ, ગોત્રી, છાણી, યમુનામીલ, તાંદલજા, સમા, અકોટા, હરણી, સુદામાપુરી, ફતેપુરા,
રામદેવનગર, માંજલપુર, બાપોદ અને વાઘોડિયામાં કોરોનાના નવા કેસો નોંધાયા છે.

ડોર ટૂ ડોરમાં 15.92 લાખ લોકોનું સ્ક્રીનિંગ
કોરોનાના કેસ વધતા પાલિકાએ ધન્વંતરી રથની સંખ્યા 34થી વધારીને 52 કરાઈ છે. ધન્વંતરી રથ દ્વારા અત્યાર સુધી 17,472 લોકોને તપાસી 3,255 લોકોને લક્ષણો જણાતા તેમને સ્થળ પર જ સારવાર અપાઇ છે. ડોર ટૂ ડોર સર્વેલન્સમાં 15,92,772 લોકોને સાંકળી લેવાયા છે

શહેરમાં ઝોન પ્રમાણે કેસ
વડોદરામાં આજે ઝોન પ્રમાણે નોંધાયેલા કેસ તરફ નજર કરીએ તો પૂર્વ ઝોનમાં 86, પશ્ચિમ ઝોનમાં 115, ઉત્તર ઝોનમાં 101 અને દક્ષિણ ઝોનમાં 126 કેસ નોંધાયા છે. આમ કોરોનાનું સંક્રમણ સમગ્ર શહેરમાં ફેલાઇ ગયું છે. બીજી તરફ વડોદરા રૂરલમાં આજે 195 કેસ નોંધાયા છે.

3 દિવસમાં કોરોનાના 20,977 ટેસ્ટ કર્યાં
કોરોના અટકાવવાની સાવચેતી રૂપે મ્યુનિસિપલ કમિશનરના માર્ગદર્શન હેઠળ વડોદરા મહાનગરપાલિકાએ રેપિડ અને RT-PCR એ બંને પ્રકારના કોરોના ટેસ્ટમાં વધારો કર્યો છે અને આક્રમક વેગથી ટેસ્ટિંગ કરવામાં આવી રહ્યું છે. ધન્વંતરી રથો દ્વારા પણ ટેસ્ટ કરવામાં આવી રહ્યાં છે. આરોગ્ય અમલદાર ડો.દેવેશ પટેલે આપેલી જાણકારી પ્રમાણે તા.8થી 10 જાન્યુઆરીના ત્રણ દિવસો દરમિયાન કુલ 20,977 ટેસ્ટ કરવામાં આવ્યા છે.

વડોદરા જિલ્લામાં તરૂણોના રસીકરણની 98.9 ટકા કામગીરી પૂર્ણ
વડોદરા જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં શિક્ષણ વિભાગ સહયોગી અભિયાન હેઠળ આરોગ્ય વિભાગે 15થી 18 વર્ષની ઉંમરના તરૂણોના રસીકરણની 98.9 ટકા કામગીરી પૂરી કરી છે. આ અભિયાન 3જી જાન્યુઆરીથી શરૂ કરવામાં આવ્યું છે. આરોગ્ય વિભાગના સર્વે પ્રમાણે તેના હેઠળ 68502 તરુણો રસી લેવાને પાત્ર હતા. આ પૈકી 67716 તરુણો એ રસી લઈ લીધી છે. આજે વધુ 756 તરૂણોને રસી મૂકવામાં આવી હતી. મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો.સુરેન્દ્ર જૈને રસી લેવા પાત્ર જે તરૂણોએ હજુ રસી નથી લીધી તેમના વાલીઓ પોતાના સંતાનોને સત્વરે રસી અપાવી કોરોના સામે સુરક્ષિત કરે તેવો અનુરોધ કર્યો છે.

અન્ય સમાચારો પણ છે...