પરીક્ષા વિભાગનો અંધેર વહીવટ:એમ.એસ. યુનિવર્સિટીએ આર્ટ્સની પરીક્ષાઓની તારીખો જાહેર ન કરતાં અવઢવ

વડોદરા22 દિવસ પહેલા
  • કૉપી લિંક
એમ.એસ. યુનિવર્સિટીની ફાઈલ તસવીર - Divya Bhaskar
એમ.એસ. યુનિવર્સિટીની ફાઈલ તસવીર
  • ફેકલ્ટીએ 16મીથી TYની પરીક્ષા જાહેર કરી દીધી
  • હજુ સુધી પેપર કાઢવાની પણ સૂચનાઓ નથી અપાઈ

એમ.એસ.યુનિવર્સિટીની આર્ટ્સ ફેકલ્ટીમાં શરૂ થતી પરીક્ષાની તારીખો ફેકલ્ટીએ જાહેર કરી દીધી હતી, જોકે યુનિ.એ સત્તાવાર જાહેરાત ન કરતાં અવઢવભરી સ્થિતિ જોવા મળી રહી છે. 15 દિવસ પહેલાં પરીક્ષકોને પેપર કાઢવાની સૂચના આપવાની હોય, પણ હજુ કોઇ સૂચના અપાઈ નથી.

મ.સ.યુનિવર્સિટીના પરીક્ષા વિભાગના ગેરવહીવટ ચાલુ જ રહ્યો છે, જેના કારણે ફેકલ્ટી સત્તાધીશો અને વિદ્યાર્થી બંનેને શોષવાનો વારો આવી રહ્યો છે. 16 મેથી આર્ટ્સ ફેકલ્ટીની ટીવાયની પરીક્ષા શરૂ થઇ રહી છે. જેની જાહેરાત ફેકલ્ટી દ્વારા કરી દેવામાં આવી છે, પણ યુનિવર્સિટીએ સત્તાવાર રીતે આ અંગેની કોઇ જાહેરાત કરી નથી. યુનિવર્સિટીનો પરીક્ષા વિભાગ આ અંગેની જાહેરાત કરે ત્યાર પછી જ પરીક્ષા લેવાશે તેવું નક્કી થતું હોય છે.

આ ઉપરાંત પરીક્ષાના 15 દિવસ પહેલાં પેપર કાઢવા માટે પરીક્ષકોની નિમણૂક કરી દેવામાં આવતી હોય છે, જે હજુ સુધી કરવામાં આવી નથી. પરીક્ષા વિભાગના ડે.રજિસ્ટ્રાર દર્શન મારૂ દ્વારા જે પ્રકારે વહીવટ ચલાવવામાં આવી રહ્યો છે તેના કારણે યુનિવર્સિટીની તમામ ફેકલ્ટીના ડીન અને અધ્યાપકોમાં રોષ જોવા મળી રહ્યો છે. તેમના દ્વારા કોઇને પણ યોગ્ય જવાબો આપવામાં આવતા ન હોવાની પણ વ્યાપક ફરિયાદો ઊઠી છે.

કોમર્સ ફેકલ્ટીની પરીક્ષા માટે આર્ટ્સ ફેકલ્ટીની જગ્યાની માગ કરવામાં આવી
કોમર્સ ફેકલ્ટીમાં લેવાનારી પરીક્ષા માટે પરીક્ષા વિભાગે આર્ટ્સ ફેકલ્ટી પાસે જગ્યા માગી છે. આર્ટ્સ ફેકલ્ટીમાં ગુંબજનું સમારકામ ચાલતું હોવાથી આર્ટ્સ ફેકલ્ટીએ પોતે પણ 16મીથી શરૂ થતી પરીક્ષા માટે સાયન્સ, સંસ્કૃત મહાવિદ્યાલય પાસે જગ્યા માગી છે. પરીક્ષા વિભાગના અંધેર વહીવટનો દાખલો છે કે તેમને ખબર જ નથી કે ગુંજબના સમારકામના પગલે આર્ટ્સમાં જગ્યા જ નથી.

અન્ય સમાચારો પણ છે...