વડોદરા:સયાજી હોસ્પિટલમાં ડિલિવરી બાદ માતાનો રિપોર્ટ કોરોના પોઝિટિવ આવ્યો, નવજાત બાળકીનો રિપોર્ટ નેગેટિવ આવ્યો

વડોદરા3 વર્ષ પહેલા
કોરોના મુક્ત થયેલી માતા સાથે નવજાત બાળકી
  • મહિલાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યા બાદ સયાજી હોસ્પિટલના આઇસોલેશન વોર્ડમાં દાખલ કરવામાં આવી હતી
  • જન્મતાની સાથે જ માતાથી દૂર થઇ ગયેલી બાળકીને હોસ્પિટલમાં મધર મિલ્કની મદદથી દૂધ આપવામાં આવતું હતું
  • રોગપ્રતિકાર શક્તિ ટકી રહે તે માટે તબીબોએ બાળકીનો વીડિયો ઉતારીને માતાને સતત બતાવતા 7 દિવસમાં કોરોના મુક્ત થઇ

કોરોના વાઈરસની મહામારીમાં સયાજી હોસ્પિટલના રૂકમણી ચૈનાની પ્રસુતિ ગૃહમાં કોરોના પોઝિટિવ મહિલાએ સ્વસ્થ બાળકીને જન્મ આપ્યો છે. નોંધનીય બાબત એ છે કે, ડિલિવરી બાદ મહિલાનો કોરોના વાઈરસનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. જ્યારે નવજાત બાળકીનો રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો. મહિલાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યા બાદ તેઓને આઇસોલેશન વોર્ડમાં દાખલ કરવામાં આવી હતી. મહિલાની રોગપ્રતિકાર શક્તિ ટકી રહે તે માટે તબીબો દ્વારા બાળકીનો વિડીયો ઉતારીને સતત બતાવતા મહિલા 7 દિવસમાં કોરોના મુક્ત થઇ ગઇ છે.
17 મેના રોજ સયાજી હોસ્પિટલમાં મહિલાએ બાળકીને જન્મ આપ્યો હતો 
વડોદરા શહેરના રેડઝોન નવાપુરા વિસ્તારમાં હસીન સરફરાઝખાન પઠાણ પરિવાર સાથે રહે છે. હસીનબાનુ ગર્ભવતી હતી. તેમની સારવાર જમનાબાઈ હોસ્પિટલમાં ચાલી રહી હતી. જ્યાંથી એમને સયાજી હોસ્પિટલના રૂકમણી ચૈનાની પ્રસ્તુતિ ગૃહમાં 16 મેના રોજ એડમિટ કરવામાં આવ્યાં હતાં. જ્યાં ફરજ પરના મહિલા ડોક્ટર દ્વારા મહિલાને નોર્મલ ડિલિવરી થાય તે માટેના તમામ પ્રયાસ કરવામાં આવ્યા હતા. પરંતુ, નોર્મલ ડિલિવરી કરાવી શક્યા ન હતા. 17 મેના રોજ મહિલાનું સિઝર ઓપરેશન કરવામાં આવ્યું હતું. મહિલાએ એક સુંદર બાળકીને જન્મ આપ્યો હતો. 
માતાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યા બાદ નવજાત બાળકીનો રિપોર્ટ નેગેટિવ આવતા તબીબોએ હાશકારો અનુભવ્યો 
ડિલીવરી બાદ તબીબો દ્વારા સાવચેતીના ભાગરૂપે 18 મેના રોજ મહિલાનો કોરોનાનો રિપોર્ટ કઢાવવામાં આવ્યો હતો. જે રિપોર્ટ પોઝિટિવ આવતા તબીબો ચોંકી ઉઠ્યા હતા. તુરંત જ મહિલાને સયાજી હોસ્પિટલના આઇસોલેશન વોર્ડમાં એડમિટ કરી દેવામાં આવી હતી. માતાનો રિપોર્ટ પોઝિટિવ આવતા તેઓની નવજાત બાળકીનો કોરોના રિપોર્ટ કરવામાં આવ્યો હતો. પરંતુ, નવજાત બાળકીનો રિપોર્ટ નેગેટિવ આવતા તબીબોએ હાશકારો અનુભવ્યો હતો. 
કોરોના વાઈરસનો ભોગ બનેલી મહિલાનો રિપોર્ટ માત્ર 7 દિવસમાં નેગેટિવ આવ્યો 
જન્મ લેતાની સાથે જ માતાથી દૂર થઇ ગયેલી બાળકીને હોસ્પિટલમાં શરૂ કરવામાં મધર મિલ્કની મદદથી દૂધ આપવામાં આવતું હતું. આ સાથે તબીબોએ કોરોના પોઝિટિવનો ભોગ બનેલી જનેતાની રોગ પ્રતિકાર શક્તિ ટકી રહે અને તે ખુશ રહે તે માટે તેની બાળકીનો વીડિયો બનાવીને માતાને બતાવવામાં આવ્યો હતો. માતા બાળકીને રમતા જોઇ ખુશ રહેતા તેઓના સાત જ દિવસમાં કોરોના રિપોર્ટ નેગેટિવ આવી ગયો હતો. મહિલાનો કોરોના રિપોર્ટ 7 જ દિવસમાં નેગેટિવ આવી જતાં તબીબોમાં આનંદની લાગણી પ્રસરી ગઇ હતી. 
તબીબોનો આભાર વ્યક્ત કરતી વખતે મહિલાની આંખમાં ખુશીના આંસુ આવી ગયા
દરમિયાન માતા અને દીકરીના બે-બે વખત કોરોના રિપોર્ટ કરવામાં આવ્યા હતા. બંને વખત મા-દીકરીના રિપોર્ટ નેગેટિવ આવતા તબીબોએ હાશકારો અનુભવ્યો હતો. મા-દીકરીના કોરોના રિપોર્ટ નેગેટીવ આવ્યા બાદ સન્માનપૂર્વક તેઓને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી. હસીનબાનુ તેમજ તેના પરિવારજનોએ તબીબોએ દાખવેલી માનવતા સાથે કરેલી દેખભાળ અંગે આભાર વ્યક્ત કર્યો હતો. તબીબોનો આભાર વ્યક્ત કરતા હસીનબાનુ પોતાના હર્ષના આંસુ રોકી શક્યા ન હતા. તે સાથે હોસ્પિટલના કર્મચારીઓની આંખો પણ ભીંજાઇ ગઇ હતી.

અન્ય સમાચારો પણ છે...