સગી માતા દ્વારા સગીર પુત્રનું યૌન શોષણ:વડોદરાના પિતાએ CCTV મૂકાવતા ઘટસ્ફોટ થયો, કેસ નોંધાવવા જતાં પોલીસે ધક્કા ખવડાવ્યા, આખરે કોર્ટે કેસ કરવાનો આદેશ આપ્યો

વડોદરા2 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • એડિ. CP, 2 DCP, ACP, PI સામે ગુનો નોંધવા કોર્ટનો આદેશ

વિવિધ પુરુષો સાથે અનૈતિક સંબંધ ધરાવતી તેમજ સગીર પુત્રનું યૌન શોષણ કરનાર પત્ની સામે ગુનો દાખલ કરવા માટે પતિએ પોલીસ કમિશનરને અરજી આપી હતી. જોકે પોલીસ અધિકારીઓએ પુરાવા હોવા છતાં ગુનો દાખલ કરવાના બદલે ફરિયાદીને ધક્કા ખવડાવતાં હોઇ, આખરે ન્યાય મેળવવા માટે પતિએ કોર્ટમાં દાદ માગી હતી. અદાલતે ફરિયાદીની પત્ની તેમજ ફરિયાદ દાખલ ન કરી માત્ર ધક્કા ખવડાવનાર એડિ. સીપી, 2 ડીસીપી, એસીપી અને પીઆઇ સામે ગુનો દાખલ કરવાનો આદેશ કર્યો હતો.

શહેરની જાણીતી કંપનીમાં નોકરી કરતા અધિકારીએ પોલીસ કમિશનરને આપેલી અરજીમાં જણાવ્યું હતું કે, તેમને દીકરો અને દીકરી છે, જે બંને સગીર છે. તેમની પત્નીને અન્ય પુરુષો સાથે અનૈતિક સંબંધ છે. તેઓ પત્નીને આ અંગે સમજાવતાં હોઇ તેની પત્નીએ અગાઉ તેમના વિરુદ્ધ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ પણ નોંધાવી હતી. પત્નીની હરકતો પર નજર રાખવા તેમણે સીસીટીવી કેમેરા ગોઠવ્યા હતા, જેમાં પત્ની સગીર પુત્રનું યૌન શોષણ કરતી હોવાનું જોવા મળ્યું હતું. આ અંગે પત્નીને પૂછતાં તેણે યોગ્ય જવાબ આપ્યો ન હતો.

ફરિયાદીએ પુત્રનું કરિયર માટે પત્ની અને બાળકોને દક્ષિણ ભારતમાં રહેવા મોકલ્યાં હતાં. 3 વર્ષ ત્યાં રાખી રૂા.30 લાખ ખર્ચ્યા હતા. તેમની પત્ની ફેસબુકના એક મિત્ર સાથે રહેવા જવા તૈયાર થઇ ગઇ હતી. જોકે ફરિયાદીએ પત્નીને સમજાવી હતી. પત્નીનો ત્રાસ અસહ્ય થતાં ફરિયાદીએ સીસીટીવી ફૂટેજ સાથેના પુરાવા સાથે પત્ની વરુદ્ધ પોલીસ ફરિયાદ આપી હતી. જોકે એડિ. સીપી, 2 ડીસીપી, 1 એસીપી, પીઆઇ અને પીએસઆઇ સહિતના 6 અધિકારીઓએ ગુનો દાખલ કરવાની જગ્યાએ ધક્કા ખવડાવતાં આખરે ફરિયાદીએ કોર્ટમાં દાદ માગી હતી.

ફરિયાદીએ ડિટેક્ટિવ રોકી માતબર રકમ ચૂકવી હતી. પત્નીને તેની જાણ થતાં તેણે ડિટેક્ટિવનો સંપક કરતાં ડિટેક્ટિવે તમામ પુરાવા આપ્યા ન હતા અને વધુ પૈસાની માગ કરી હતી. ડિટેક્ટિવે પત્ની-પુત્રીને ઉપાડી જવાની ધમકી આપી હતી. કોર્ટના આદેશ અંગે ડીસીપી ઝોન 4 પન્ના મોમાયાએ જણાવ્યું કે, અદાલતે આપેલા આદેશની હજી કોઈ જાણકારી મળી નથી. આદેશ મળ્યા પછી વાંચીને આ અંગે કોઈ પ્રતિભાવ આપી શકાશે.

માતા સામે પોક્સો એક્ટ હેઠળ ગુનો દાખલ થશે
ફરિયાદીના એડવોકેટ શ્રીક્રિષ્ણા આચાર્યે જણાવ્યું કે, માતા સગીર પુત્રનું યૌન શોષણ કરતી હોવાના સીસીટીવી ફૂટેજ હોવાથી અદાલતે માતા સામે પોક્સો એક્ટ હેઠળ ગુનો દાખલ કરવાનો આદેશ કર્યો છે. પોલીસ અધિકારીઓએ પુરાવા હોવા છતાં ફરિયાદ દાખલ કરવાની જગ્યાએ ફરિયાદીને દોડાવ્યા હોઇ તેમની સામે પણ ગુનો દાખલ કરવાનો આદેશ કર્યો છે. ગુનો દાખલ ન કરવો તે પણ એક ગુનો જ છે.

અન્ય સમાચારો પણ છે...