ખજુરાહોકાંડ:ગુજરાતમાં 1996માં 45 ધારાસભ્યને સાચવવા 25 લાખથી વધુ ખર્ચાયા હતા, 26 વર્ષ બાદ પણ હજુ ખર્ચની તપાસ ચાલુ!

વડોદરા12 દિવસ પહેલાલેખક: વીરેન્દ્રસિંહ વર્મા
  • કૉપી લિંક
  • મહારાષ્ટ્ર સરકાર સામે થયેલા બળવાઅે શંકરસિંહના ખજુુરાહોકાંડની યાદ તાજી કરી
  • વડોદરાના પૂર્વ મેયર ડો.રાજેન્દ્ર રાઠોડની મહત્વની ભુમિકા હતી

હાલ મહારાષ્ટ્રમાં બળવો કરીને શિવસેનાના 35 કરતાં વધુ ધારાસભ્યો ગૌહાટી ઉપડી ગયા છે અને ઉદ્વવ ઠાકરેની સરકાર કટોકટીમાં છે ત્યારે આવી જ ઘટના ગુજરાતમાં 1996માં થઇ હતી, મુખ્યમંત્રી કેશુભાઇથી નારાજ શંકરસિંહ વાઘેલાએ 45 ધારાસભ્યોને ખજૂરાહો લઇ જઇ ભાજપની સરકાર તોડી પાડવાની તૈયાર કરતા ભાજપ હાઇકમાન્ડે શંકરસિંહ સાથેના સમાધાનના ભાગરૂપે કેશુભાઇને મુખ્યમંત્રી પદેથી હટાવાયા હતા. આખા ઓપરેશનમાં વડોદરાના પૂર્વ મેયર ડો.રાજેન્દ્ર રાઠોડે મહત્વની ભુમિકા ભજવી હતી.

ખજૂરાહોકાંડ પાછળ 25 લાખથી વધુનો ખર્ચો થયો હતો. જેની આજે પણ તપાસ ચાલે છે તે અંગે ડો.રાઠોડ કહે કે ‘ થોડાં સમય પહેલાં મને અને હર્ષદ બ્રહ્મભટ્ટને આવકવેરા વિભાગ દ્વારા બાેલાવાયા હતા અને ખજૂરાહો કાંડના ખર્ચાની વિગતો માંગી હતી આ ખર્ચ કોણે કર્યો હતો તે પણ પુછયું હતું ત્યારે હર્ષદ બ્રહ્મભટ્ટે કહ્યું હતું કે ‘ બધો ખર્ચો મેં જ કર્યો હતો ડો.રાઠોડ તો મદદમાં આવ્યા હતા.માર્ચ-1995માં ખજૂરાહો 45 ધારાસભ્યને લઇ જવામાં મેં અને હર્ષદ બ્રહ્મભટ્ટે ભુમિકા ભજવી હતી.

અમને વાસણીયા ખાતે શંકરસિંહ વાઘેલાએ એવું કહ્યું હતું કે ‘ બધાને લઇને ઉમેદ હોટલ ખાતે પહોંચો જયાં આપણે પ્રેસ કોન્ફરન્સ કરવાની છે પણ પોલીસ બંદોબસ્ત સાથેની ગાડીઓ સીધા જ એરપોર્ટ પર પહોંચી હતી જયાં ચાર્ટડ પ્લેન તૈયાર જ હતું. અમે અમદાવાદથી સીધા મધ્યપ્રદેશના અજંટા પાસેના એરપોર્ટ ખાતે પહોંચ્યા હતા.જયાં પહેલેથી તે સમયના એમપીના સીએમ દિગ્વીજયસિંહે ખજૂરાહો પાસેના રિસોર્ટમાં રહેવાની વ્યવસ્થા કરી દીધી હતી.પોલીસ બંદોબસ્ત પણ લોખંડી હતો એટલે કોઈ પણ બહારની વ્યકિત ધારાસભ્યોને મળી શકે તેમ ન હતી. આ આખા ઓપરેશન માં 6 લાખ પ્લેન ભાડા સહિત આશરે 25 લાખથી વધુ ખર્ચ થયો હતો.

મોદીને બાપુની શરત મુજબ ગુજરાતમાંથી દૂર કરાયા હતા
પૂર્વ પીએમ અટલ બિહારી વાજપેયી તે સમયે ગાંધીનગરમાં શંકરસિંહને મળ્યા હતા. જેમાં ત્રણ શરત પર શંકરસિંહે સમાધાન કર્યુ હતું. તેમના સમર્થક ધારાસભ્યોમાંથી છને મંત્રીપદ આપવામાં આવે, કેશુભાઇને મુખ્યમંત્રી પદેથી હટાવવામાં આવે અને નરેન્દ્ર મોદીને ગુજરાના રાજકારણમાંથી હટાવી કેન્દ્રમાં મોકલવામાં આવે. ત્યારબાદ મોદીને હિમાચલ અને હરિયાણાનો પ્રભાર સોંપાયો હતો.

અન્ય સમાચારો પણ છે...