69,113 રેકોર્ડબ્રેક રસીકરણ:1500થી વધુ આંગણવાડી-આશાવર્કરોનાં તેડાં અને ટેલિ કોલિંગથી દર કલાકે 2880ને રસી

વડોદરાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
સમય :રાતે 10.45, સ્થળ : યમુના મિલ અર્બન હેલ્થ સેન્ટર - Divya Bhaskar
સમય :રાતે 10.45, સ્થળ : યમુના મિલ અર્બન હેલ્થ સેન્ટર
  • સવારે 7 થી રાતે 12નો સમય નક્કી કર્યા બાદ આગલા દિવસે ​​​​​​​રાતે 10.30 વાગ્યાથી સેન્ટર શરૂ કરાયા

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિત્તે શુક્રવારે યોજાયેલા મેગા વેક્સિનેશન કેમ્પમાં શહેરના 125 રસીકરણ સેન્ટર ઉપર રાત્રે 12 વાગ્યા સુધીમાં 69,113 લોકોએ રસી મુકાવી હતી. વોટિંગ પેટર્ન અપનાવાતા દર કલાકે 2880નું રેકોર્ડ બ્રેક રસીકરણ થયું છે. આશાવર્કરો અને આંગણવાડી કાર્યકરો સતત લોકોને સમજાવીને રસી લેવા માટે સેન્ટર સુધી લાવવા દોડતા રહ્યા હતા.

હેલ્થ વર્કરોએ લોકોને ટેલિ કોલિંગ કરીને પણ રસી લેવા જાણ કરી હતી. સમયની અનુકૂળતા મળતાં લોકો સ્વયંભૂ પણ રસી લેવા આવ્યા હતા. 17મીએ સવારે 7થી રાત્રે 12 વાગ્યા સુધી રસીકરણનો કાર્યક્રમ નિર્ધારિત કરાયો હતો. જો કે ગાંધીનગરથી સૂચના હતી કે 16મીએ રાત્રે 12 વાગ્યાથી રસીકરણ શરૂ કરવાનું છે. જેથી પાલિકા દ્વારા ગુરુવારે રાત્રે 10.30 વાગ્યાથી સેન્ટર શરૂ કરાયાં હતાં.

ભાજપના કાર્યકરોનું યાદી સાથે સંપર્ક અભિયાન મોડી રાત સુધી લોકોને રસી લેવા માટે સમજાવ્યા
મેગા રસીકરણને લઇને કોર્પોરેશન દ્વારા એક સપ્તાહથી કમર કસવામાં આવી હતી.જેના માટે માઈક્રો પ્લાનિંગ કરી આશાવર્કરો તેમજ આંગણવાડી વર્કરો સાથે વન-ટુ-વન વાતચીતને પગલે મોટી સંખ્યામાં રસીકરણ થયું હતું. અગાઉ ગત 24મી મેના રોજ વડોદરામાં સૌથી વધારે 22,574 લોકોને રસી મૂકાઇ હતી. જે રેકોર્ડ શુક્રવારે સવારે એક વાગ્યા સુધીમાં 23692 લોકોના રસીકરણ સાથે તૂટ્યો હતો. કોર્પોરેશન ના આરોગ્ય વિભાગ દ્વારા તમામ 34 અર્બન હેલ્થ સેન્ટર ને 1000થી 1500 ડોઝનુ ટાર્ગેટ આપવામાં આવ્યું હતું. તેને સફળ બનાવવા માટે દર બે થી ત્રણ કલાકે મ્યુનિસિપલ કમિશનર અને આરોગ્ય અમલદાર દ્વારા તબીબોને ફોન કરી અપડેટ કરવામાં આવતા હતા.

721 આશાવર્કરો અને 761 જેટલા આંગણવાડીના વર્કરોને સવારે સાડા સાત વાગ્યાથી લોકોને સેન્ટર પર લઇ આવવા ફિલ્ડ વર્ક શરૂ કરાયું હતું.હેલ્થ વર્કરો દ્વારા લોકોને ટેલિ કોલિંગ કરી રસી લેવા જાણ કરાઇ હતી. સમય વધારાતા લોકો પણ જાતે રસી લેવા ઉમટી પડયા હતા. 17 મીએ સવારે 7 થી રાત્રે 12 સુધીના કેમ્પની જાહેરાત કરાયા બાદ ઉપરથી સૂચના આવતા ગુરુવારે રાત્રે 10:30 વાગ્યાથી રેલવે સ્ટેશન અને મેન્ટલ હોસ્પિટલ ખાતે રસીકરણ શરૂ કરાયું હતું. ભાજપના હોદેદારો અને કાર્યકરોએ પણ મોડી રાત સુધી યાદી લઇને રસીમાં બાકી હોય તેવા લોકોનો સંપર્ક કરી સમજાવ્યા હતા.

સવારે 7:30 વાગે શરૂ થયેલા રસીકરણ ને પગલે અને વધુ પ્રમાણમાં ડોઝ હોવાને કારણે કોઈપણ વ્યક્તિને પરત જવાનો સમય નહોતો આવ્યો. નાગરિકો પોતાની અનુકુળતાના સમયે અને 125 સેન્ટર હોવાથી ઘર નજીકના સેન્ટર પર જઈ રહ્યા હતા રાત્રે 12 વાગ્યા સુધી રસીકરણ સેન્ટર પર લાઈનો જોવા મળી હતી.

જિલ્લામાં રાત્રે 12 વાગ્યા સુધીમાં 67,179ને રસી
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના જન્મદિન નિમિત્તે વડોદરા જિલ્લામાં વેક્સિનેશન મેગા ડ્રાઈવનું આયોજન કરવામાં આવ્યું હતું. જિલ્લાના 8 તાલુકાનાં 400 કેન્દ્રો પર શુક્રવારે 1.20 લાખ લોકોને રસી મૂકવાનો ટાર્ગેટ રાખવામાં આવ્યો હતો, જેની સામે રાત્રે 12 વાગ્યા સુધીમાં જિલ્લામાં 67,179 નાગરિકોને રસી મૂકાઇ હોવાનું કલેક્ટર આર.બી.બારડે જણાવ્યું હતું. શુક્રવારના રોજ રાતે 12 વાગ્યા સુધી રસીકરણ ચાલુ રહેશે. જિલ્લામાં એક દિવસનો રસીકરણનો આંકડો 30 હજારનો હતો, જે ટાર્ગેટ શુક્રવારના રોજ બપોરે 4 વાગે 35 હજાર થતાં જ તૂટી ગયો હતો. 327 ગ્રામ પંચાયતમાં પહેલા ડોઝનું 100 ટકા રસીકરણ થયું હતું.

લોકોને મેસેજ- કોલથી જાણ કરાઇ
માઈક્રો પ્લાનિંગ અને બીજો ડોઝ બાકી હોય તેવા લોકોને એસએમએસ અને ફોનથી જાણ કરી રસી લઈ જવા અપીલ કરતા મોટી સંખ્યામાં રસીકરણ શક્ય બન્યું છે. રાત્રે 12 વાગ્યા સુધીમાં 69,113 લોકોને રસી મૂકાઇ હતી. > શાલિની અગ્રવાલ, મ્યુનિસિપલ કમિશનર

અન્ય સમાચારો પણ છે...