ગેટ પાસે નોનવેજ- ઇંડા નાખવાનો વિવાદ:વાડી સ્વામિનારાયણ મંદિર સામેથી 12થી વધુ વાહનો ડિટેઇન કરાયાં

વડોદરા5 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • કાયમી ધોરણે 2 હોમગાર્ડના જવાનો મુકાયા

શહેરના વાડી વિસ્તારમાં આવેલા સ્વામિનારાયણ મંદિરના ગેટ પર નોનવેજ-ઈંડાં સહિતની વસ્તુઓ ભરેલી થેલી ફેંકી જતાં ભક્તોમાં રોષ ભભૂક્યો હતો. ઘટના બાદ સોમવારે પોલીસ અધિકારીઓ દ્વારા મંદિરની મુલાકાત લઈને મંદિર સામે ગેરકાયદે પાર્ક થયેલાં 12થી વધુ વાહનો ડિટેઈન કરાવ્યાં હતાં.

જ્યારે મંદિરની દક્ષિણ તરફ ડીસીપી ઓફિસ પાસે ચાલતી આમલેટની લારીઓને દૂર હટાવવા માટે આદેશ આપ્યો હતો. આ ઉપરાંત જે લોકો ઘેંટાં-બકરાં સહિત પશુઓ બાંધતાં હતાં તે પણ દૂર કરાવ્યાં હતાં. મંદિરની બહાર રાતના સમયે કાયમી ધોરણે 2 હોમગાર્ડના જવાનોને ફરજ પર મૂકવામાં આવ્યા છે.

મંદિરના કોઠારી સ્વામીએ જણાવ્યું હતું કે, હજુ સુધી આ ઘટના અંગે કોઈ લેખિત ફરિયાદ કરી નથી. જ્યારે મંદિરના ગેટ પાસે નોનવેજ તેમજ ઈંડાં કોણ ફેંકી ગયું તેની પણ તપાસ પોલીસ દ્વારા કરવામાં આવી રહી છે. આ અગાઉ 6 મહિના પહેલાં પણ રમઝાનમાં મંદિરનો ગેટ બનતો હતો ત્યારે બિરયાની મંદિરના ગેટ પાસે કોઈ ફેંકી ગયું હતું. જ્યારે વવીએચપીના કાર્યક્રમમાં પણ અજાણ્યા લોકો એ મંદિરના ગેટ પાસે પથ્થરો ફેંક્યા હતા.

મંદિરમાં સીસીટીવી લગાવવા સૂચન
વાડી પોલીસ દ્વારા મંદિરના કર્તાહર્તાઓને સોમવારે મંદિરના ગેટ પાસે તેમજ અન્ય સ્થળો પર સીસીટીવી કેમેરા લગાવવાનું પણ જણાવવામાં આવ્યું છે. જોકે હજુ મંદિરના ગેટની કામગીરી ચાલતી હોવાથી કેમેરા લગાવેલા હતા તે ઉતારી લીધા હોવાનું પોલીસને જાણવા મળ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...