ધાર્મિક:હરિપ્રસાદ સ્વામીના દિવ્ય અસ્થિ કુંભના 10 હજારથી વધુ હરિભક્તોએ દર્શન કર્યા

વડોદરા2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • માંજલપુર સ્થિત આત્મીયધામમાં બ્રહ્મલીન સ્વામીજીના અસ્થિ કળશનું પૂજન કરાયું
  • સોખડાથી પ્રેમસ્વરૂપ સ્વામીજી-પ્રબોધ જીવન સ્વામીજી આત્મીયધામ ખાતે ઉપસ્થિત રહ્યા

ધાર્મિક રિપોર્ટર | વડોદરા | હરિધામ-સોખડાના બ્રહ્મસ્વરૂપ હરિપ્રસાદ સ્વામીજી મહારાજના દિવ્ય અસ્થિકુંભના રવિવારે માંજલપુર આત્મીયધામ ખાતે 10 હજાર જેટલા હરિભક્તોએ દર્શન અને કળશનું પૂજન કર્યું હતું. આ કાર્યક્રમમાં સોખડાથી પ્રેમસ્વરૂપ સ્વામીજી અને પ્રબોધ જીવન સ્વામીજી ઉપસ્થિત રહ્યા હતા. 8મી ઓગસ્ટના રોજ વડોદરા ઉપરાંત વલ્લભ વિદ્યાનગર, પાદરા અને જંબુસર ખાતે અસ્થિકુંભ દર્શનનો હરિભક્તોએ લાભ લીધો હતો.

સોખડાના વડીલ સંતોએ જણાવ્યું હતું કે, હરિપ્રસાદ સ્વામીજી બ્રહ્મલીન થયા ત્યાર બાદ તેમની ત્રયોદશી પછી તેમના અસ્થિ કળશના દર્શન માટે રવિવારે સાંજે 5 થી 8 વાગ્યા દરમિયાન માંજલપુર આત્મીયધામ ખાતે વ્યવસ્થા કરવામાં આવી હતી. 8 ઓગસ્ટના રોજ વડોદરા ઉપરાંત વલ્લભ વિદ્યાનગર, પાદરા અને જંબુસર ખાતે અસ્થિકુંભ દર્શનનો હરિભક્તોએ લાભ લીધો હતો. માંજલપુર આત્મીયધામ ખાતે હરિભક્તો ઉપરાંત નર્મદા રાજ્યમંત્રી યોગેશ પટેલ, મેયર કેયુર રોકડિયા, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન ડો.હિતેન્દ્ર પટેલ, ધારાસભ્ય શૈલેષ સોટ્ટા અને શાસક પક્ષના દંડક અલ્પેશ લીંબચિયા સહિત અનેક મંદિરોના સંત અસ્થિકુંભ દર્શન અને કૃત્યજ્ઞભાવ વંદન સમારોહમાં ઉપસ્થિત રહ્યા હતા.

1 હજાર લીમડાના વૃક્ષોનું વૃક્ષારોપણ બ્રહ્મલીન હરિપ્રસાદ સ્વામીજીને લીમડાના વૃક્ષો અતિપ્રિય હતાં. જેથી રોટરી ક્લબ ઓફ વડોદરા, રાધે ફાઉન્ડેશન, હિંદુ જાગરણ મંચ અને ભાયલી અવેરનેશ ગૃપ દ્વારા વડોદરાના પ્રાદેશીક સંત સુચેતન સ્વામી અને પ્રાણેશજીવન સ્વામીજીએ ભેગા મળીને વાસણા ભાયલી રોડ પર 1 હજાર લીમડાના વૃક્ષોનું વૃક્ષારોપણ કર્યું હતું. આ તમામ ગૃપના સદસ્યો આ 1 હજાર લીમડા વટવૃક્ષમાં ન ફેરવાય ત્યાં સુધી તેની સાર-સંભાળ લેશે.