મધ્ય ગુજરાતની 61 બેઠકો પૈકી 55 બેઠકો પર ભાજપનો ભગવો લહેરાયો છે અને કોંગ્રેસનો સફાયો થઈ ગયો છે. 2017ની ચૂંટણીમાં મધ્ય ગુજરાતમાં 22 બેઠકો જીતી હતી. જોકે, આ વખતે માત્ર 5 બેઠકોમાં સમેટાઈ ગઈ છે. આમ કોંગ્રેસને ગત ચૂંટણીની સરખામણીમાં 17 બેઠકોનું નુકસાન થયું છે. આ ઉપરાંત ગત ચૂંટણીમાં ભાજપને 37 બેઠકો મળી હતી અને આ ચૂંઠણીમાં 55 બેઠકો મળતા ભાજપને 18 બેઠકોનો ફાયદો થયો છે. મધ્ય ગુજરાતમાં AAP ફેક્ટર ચાલ્યું નથી. એનાથી ઉલટુ ભાજપના તમામ ઉમેદવારો આ વખતે જંગી લીડથી જીત્યા છે.
મોદીના રોડ શોથી મજબૂતી મળી
સૌથી પહેલા વાત કરીએ અમદાવાદ જિલ્લાની 21 બેઠકોની તો, અમદાવાદમાં વડાપ્રધાન મોદીએ સતત બે દિવસ સુધી કરેલા રોડ શોમાં જંગી જનમેદની ઉમટી પડી હતી. ગુજરાતમાં એક તરફ પહેલા તબક્કાનું મતદાન પૂરું થયું હતું. ત્યાર બાદ તુરંત જ અમદાવાદમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નરોડાથી ચાંદખેડા ગામ સુધી અમદાવાદ શહેર અને ગાંધીનગરની એક કુલ 14 બેઠકને આવરી લેતો 54 કિમીનો લાંબો રોડ શો કર્યો હતો. આ રોડ-શોમાં છેકથી છેક સુધી રોડની બંને તરફ અમદાવાદીઓ ઉમટી પડ્યા હતા. મેગા રોડ શોમાં 3.45 કલાક સુધી વડાપ્રધાન મોદીએ હાથ હલાવીને લાખો લોકોનું અભિવાદન ઝીલ્યું હતું.
મુસ્લિમ વિસ્તારોમાં પણ ફાયદો થયો
મોદીએ સતત બીજા દિવસે અમદાવાદમાં વડાપ્રધાન મોદી ફરી રોડ શો કર્યો હતો. મોદી એરપોર્ટથી લાલ દરવાજા ભદ્રના કિલ્લા પહોંચ્યા હતા. જ્યાં તેઓએ નગરદેવી ભદ્રકાળીનાં દર્શન કર્યા હતા. ત્યારબાદ માતાજીની પૂજા અર્ચના કરી આરતી ઉતારી હતી. ત્યારબાદ તેઓ ત્યાંથી સારંગપુર ખાતે બાબાસાહેબ આંબેડકરની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પી હતી. મોદીએ સતત બીજા દિવસે કરેલા રોડ શોમાં મુસ્લિમ વિસ્તારોને પણ આવરી લીધા હતા. જેથી મુસ્લિમ બહુમતિ ધરાવતા દરિયાપુર બેઠક પણ ભાજપે જીતી લીધી છે. આ ઉપરાંત ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે કરેલી સભાઓના કારણે અમદાવાદ જિલ્લામાં ભાજપને ફાયદો થયો છે.
એક ગયા અને બીજા દબંગ નેતા આવ્યા
ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ભાજપે વડોદરા શહેર અને જિલ્લામાં પોતાનો ગઢ સાચવી રાખ્યો છે. વડોદરા શહેરની તમામ પાંચ બેઠકો પર જીત મેળવી છે. જ્યારે ગત વખતે જિલ્લાની પાંચમાંથી એક પાદરા બેઠક કોંગ્રેસે ફાળે ગઇ હતી, તે પણ જીતી લીધી છે. ત્યારે બીજી તરફ વાઘોડિયાની જનતાએ મધુ શ્રીવાસ્તવની જગ્યાએ હવે નવા દબંગ નેતા તરીકે અપક્ષ ધર્મેન્દ્રસિંહ વાઘેલાને ચૂંટી કાઢ્યા છે. ડભોઇમાં ભાજપના શૈલેષ સોટ્ટાએ તો 20 હજાર જેટલા મતોની લીડ મેળવી તેમની જીત પર શંકા કરતા તેમામ અનુમાનોને ખોટા ઠેરવી દીધા છે.
રાવપુરા બેઠક
વડોદરાની રાવપુરા બેઠક પર ભાજપના ઉમેદવાર બાળુ શુક્લનો વિજય થયો છે. તેઓ વડોદરા શહેરના ભૂતપૂર્વ મેયર અને પૂર્વ સાંસદ રહી ચુક્યા છે. સાંસદ તરીકે ટર્મ પૂર્ણ થયા બાદ પણ ભાજપમાં સક્રિય રહ્યા અને લોકસંપર્ક મજબૂત રહ્યો. મરાઠી અને ગુજરાતી એમ બંને માટે જાણીતો ચહેરો રહ્યા. ભાજપે રાજ્યના ભૂતપૂર્વ મહેસૂલ મંત્રી રાજેન્દ્ર ત્રિવેદીની ટિકિટ કાપીને બાળુ શુક્લ પર ભરોસો વ્યક્ત કર્યો. જેને તેમણે નિભાવી જાણ્યો.
માંજલપુર બેઠક
શહેરની માંજલપુર વિધાનસભા બેઠક પર યોગેશ પટેલ ફરી એકવાર જીત્યા છે. તેઓ આ સાથે જ આઠમી વખત ધારાસભ્ય બન્યા છે. યોગેશ પટેલ જનસંઘ સમયથી સક્રિય હતા. લોકો સાથે સીધા સંપર્કમાં હોવાથી તેમનું નેતૃત્વ મજબૂત રહ્યું છે. વડોદરામાં શિવજીની સવારીનું આયોજન તેમજ સુરસાગરમાં સ્થાપિત શિવજીની વિશાળ પ્રતિમાને સોનાથી મઢવાની કામગીરી તેઓ કરી રહ્યા છે. સાવલીવાળા બાબાની તેમના પર કૃપા રહી છે. આ વખતે પણ છેલ્લા દિવસે તેમને ટિકિટની ફાળવણી થઇ અને તેઓ જીત્યા. માંજલપુરમાં પાણીની સમસ્યાનો ઉકેલ લાવવા કોર્પોરેશનમાં ભાજપના નેતાઓ સામે પણ લડાયક મૂડમાં રહ્યા.
સયાજીગંજ બેઠક
સયાજીગંજ બેઠક પર વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનમાં મેયર કેયુર રોકડિયાને ભાજપ દ્વારા વિધાનસભામાં ઉમેદવાર તરીકે પસંદ કરવામાં આવ્યા છે. માંજલપુરની જેમ સયાજીગંજ બેઠક પર પણ ભાજપ દ્વારા છેલ્લા દિવસોમાં ઉમેદવાર જાહેર કરવામાં આવ્યા. જેનું કારણ એ હતું કે ભાજપ હાઇકમાન્ડ સમક્ષ માંગણી થઇ હતી કે સયાજીગંજ અને માંજલપુર બેઠક પર એકમાં વૈષ્ણવ અને એકમાં પાટીદાર ઉમેદવારને ટિકિટ આપવામાં આવે. જેથી આ ગણિતમાં વૈષ્ણવોની માંગ માટે કેયુર રોકડિયા ફિટ બેસતા હતા. જ્યારે પાટીદોરાની માંગ માટે યોગેશ પટેલને રિપિટ કરી દેવાયા.
અકોટા બેઠક
અકોટા વિધાનસભા બેઠક વર્ષોથી ભાજપની સીટ રહી છે. અહીંથી ભૂતકાળમાં આયાતી ઉમેદવાર તરીકે સૌરભ પટેલ ચૂંટણી જીતી ચુક્યા છે. આ વખતે સંઘ અને ભાજપ દ્વારા જૂના સાથીદાર રહેલા સ્વ. મકરંદ દેસાઇના પુત્ર ચૈતન્ય દેસાઇને ટિકિટ આપવામાં આવી. ચૈતન્ય દેસાઇને ખુદ વડાપ્રધાન મોદીએ ટિકિટ આપી હોવાનું કહેવાય છે કારણ કે થોડા મહિના પહેલા મોદી વડોદરા આવ્યા ત્યારે તેમને લેપ્રેસી મેદાન ખાતેની સભામાં ખાસ બોલાવી મુલાકાત કરી હતી. ચૈતન્ય દેસાઇ વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનમાં બે ટર્મ કોર્પોરેટર રહી ચુક્યા છે.
વડોદરા શહેર
આ બેઠક અનુસુચિત જાતિની અનામત બેઠક છે. વડોદરા સિટી બેઠક પરથી 2012ની વિધાનસભા ચૂંટણીમાં મનિષા વકીલને ટિકિટ આપવામાં આવી હતી અને તેઓ જીત્યા હતા. ત્યાર બાદ તેઓ ફરી 2017માં જીત્યા બાદ મંત્રી બન્યા. તેઓની સારી કામગીરી અને લોકસંપર્કને જોતા તેમજ અનામત બેઠક હોવાથી નવા ચહેરાને ઉતારવા કરતા તેમને રિપીટ કરી દેવામાં આવ્યા. સાથે જ તેઓ મહિલા હોવાથી મહિલાઓને પણ ભાજપે સ્થાન આપ્યું છે તે બાબત સચવાઇ ગઇ. સાથે જ તેમના ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ સાથે પણ સારા સંપર્ક હોવાનું કહેવાય છે.
વાઘોડિયા
વડોદરા જિલ્લાની વાઘોડિયા બેઠક વર્ષોથી તેના દબંગ નેતાઓને ચૂંટવા માટે જાણીતી છે. આ વખતે પણ અપક્ષ તરીકે ચૂંટણી લડેલા ધર્મેન્દ્રસિંહ વાઘેલા વિજયી બન્યા છે. ધર્મેન્દ્રસિંહ મૂળ ભાજપના નેતા હતા પરંતુ પક્ષ વિરોધી પ્રવૃત્તિને કારણે તેમને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. 2017ની વિધાનસભા ચૂંટણીમાં તેઓ અપક્ષ ઉમેદવાર તરીકે લડ્યા હતા અને ભાજપના મધુ શ્રીવાસ્તવ સામે 10 હજાર આસપાસ મતથી હાર્યા હતા. જો કે આ પરાજય બાદ પણ ધર્મેન્દ્રસિંહ લોકો વચ્ચે બન્યા રહ્યા અને પોતોને વાઘોડિયાની જનતાના નેતા તરીકે પ્રસ્થાપિત કરવા તેમના કામ કરતા રહ્યા. 2022ની ચૂંટણીમાં ફરી તેઓ અપક્ષ તરીકે પ્રેશર કૂકરને નિશાન પર લડ્યા અને જીત્યા. ભાજપના ઉમેદવાર અશ્વિન પટેલના હારવા પાછળ મોટું ફેક્ટર મધુ શ્રીવાસ્તવ પણ રહ્યા. મધુ શ્રીવાસ્તવ અપક્ષ ચૂંટણી લડતા ભાજપના મત કાપાયા જેનો સીધો ફાયદો ધર્મેન્દ્રસિંહ વાઘેલાને થયો.
ડભોઇ
ડભોઇ બેઠક પર શૈલેષ મહેતાને ભાજપ દ્વારા રિપિટ કરવામાં આવ્યા હતા. તેઓ આ બેઠક પર વર્ષ 2017માં પાતળી સરસાઇથી જીત્યા હતાં. પરંતુ આ વખતે 20 હજાર જેટલા મતની સરસાઇથી જીત્યા છે. તેઓએ તેમના વિકાસકાર્યો અને તેમની બેઠકમાં શહેરી મતદારોને રિઝવવામાં સફળ રહ્યા. સાથે જ તેમના પ્રચાર માટે યોગી આદિત્યનાથ અને સ્મૃતિ ઇરાની પણ આવ્યા હતા. કોંગ્રેસમાંથી ચૂંટણી લડી રહેલા બાલકૃષ્ણ પટેલ (ઢોલાર) પણ ભાજપના સાથે છોડીને કોંગ્રેસમાં જોડાયેલા હતા.
સાવલી
સાવલી બેઠક પરથી ભાજપના ઉમેદવાર કેતન ઇનામદારની જીત થઈ છે. તેમની સામે ભાજપમાંથી કોંગ્રેસમાં ગયેલા કુલદિપસિંહ રાઉલજી મેદાનમાં હતા. પરંતુ કેતન ઇનામદાર અગાઉ અપક્ષમાંથી ચૂંટણી લડી પોતાનો દમ દેખાડી ચુક્યા છે. કેતન ઇનામદાર પોતાના મત વિસ્તારમાં વિકાસના કાર્યો માટે હંમેશા સજાગ રહ્યા છે. ત્યાં સુધીમાં જો તેમના વિસ્તારમાં વિકાસના કાર્યો ન થાય કે ધીમા થતા હોય તો પોતાના પદેથી રાજીનામું આપી દેતા પણ અચકાતા નથી. આ બેઠક પર ક્ષત્રિય મતદારોનું પ્રભુત્વ હોવા છતાં કેતન ઇનામદાર સૌ જ્ઞાતિ અને ધર્મના લોકોને સાથે લઇને ચાલે છે. તેઓ સમૂહ લગ્ન અને ખાનગી કંપનીઓમાં યુવાઓને રોજગારી અપાવવા તેમજ તેમના નોકરી અંગેની સમસ્યાઓના ઉકેલ માટે પણ જાણીતા છે. તેમણે આ વિધાનસભામાં ચૂંટણીમાં એવી પણ જાહેરાત કરી હતી કે તેઓ 2027ની વિધાનસભા ચૂંટણી નહીં લડે.
કરજણ
કરજણ બેઠક પર ભાજપના ઉમેદવાર અક્ષય પટેલની જીત થઈ છે. જો કે તેઓના મૂળ કોંગ્રેસના છે. અક્ષય પટેલ 2017ની વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસની ટિકિટ પર જીત્યા હતા. પરંતુ રાજીનામુ આપી ભાજપના જોડાયા હતા. તેઓ કરજણમાં પાટીદાર મતોને અંકે કરવામાં સફળ રહ્યા છે. સ્થાનિક લોકોમાં પણ તેમનું પોતાનું અંગત સ્થાન રહ્યું છે.
પાદરા
પાદરા બેઠક પર ભાજપના ઉમેદવાર ચૈતન્યસિંહ ઝાલાનો વિજય થયો છે. આ બેઠક પર 2017ની ચૂંટણીમાં કોંગ્રેસના જસપાલસિંહ ઠાકોર વિજેતા બન્યા હતા અને તેમને આ વખતે પણ રિપિટ કરવામાં આવ્યા હતા. અહીં ક્ષત્રિય અને ઓબીસી મતદારોનું પ્રભુત્વ હોવાથી ભાજપે પણ ચૈતન્યસિંહ ઝાલા પર પસંદગી ઉતારી હતી. બીજી તરફ ભાજપમાંથી ટિકિટ ન મળતા દિનેશ પટેલ અપક્ષ ઉમેદવાર તરીકે ઉભા રહ્યા હતા. જેનો ફાયદો ચૈતન્યસિંહ ઝાલાને થયો છે.
61માંથી 55 બેઠક કેમ ભાજપને આપી?
મધ્ય ગુજરાતના અમદાવાદ, વડોદરા, છોટાઉદેપુર, પંચમહાલ, દાહોદ, મહિસાગર, ખેડા અને આણંદ જિલ્લાની 61 બેઠકોમાંથી 55 બેઠકો પર ભાજપાનો ભવ્ય વિજય થયો છે. જ્યારે 5 બેઠક ઉપર કોંગ્રેસ અને 1 બેઠક ઉપર અપક્ષ ઉમેદવારનો વિજય થયો છે. આ 8 જિલ્લાઓમાં હરીફ પક્ષ કોંગ્રેસને પ્રજા મોંઘવારીથી ત્રસ્ત થઇ ગઈ છે. જેથી પોતાના તરફી મત કરશે તેમ લાગતું હતું. પરંતુ, આ તમામ 8 જિલ્લાના મતદારોએ મોંઘવારી સહન કરી લેવાનું નક્કી કરીને ભાજપને 61માંથી 55 બેઠકો આપી ઇતિહાસ રચ્યો છે.
પ્રજાએ મોદી પર વિશ્વાસ મુક્યો
2017માં વડોદરા જિલ્લાની 10 બેઠકો પૈકી બે બેઠકો કોંગ્રેસ પાસે હતી અને છેલ્લે એક માત્ર બેઠક કોંગ્રેસ પાસે રહી હતી. આ વખતે વડોદરા શહેર-જિલ્લાની 10 બેઠકો પૈકી કોંગ્રેસને 5 બેઠકો ઉપર વિજયની આશા હતી. પરંતુ, મતદારોએ ગત વખત ચૂંટીને મોકલેલા પાદરાના કોંગ્રેસના ઉમેદવારને ઘરભેગા કરી ભાજપાના ઉમેદવારને ચૂંટી લાવ્યા. વડોદરા શહેર-જિલ્લાના તમામ મતદારોમાં મોંઘવારી સામે રોષ હતો. પરંતુ, દેશની ધૂરા સંભાળી રહેલા નરેન્દ્ર મોદી ઉપર વધુ વિશ્વાસ હતો. આથી મતદારોએ મોંઘવારી તેમજ હરીફ પક્ષ કોંગ્રેસ દ્વારા આપવામાં આવેલી રેવડીને ઠુકરાવી ભાજપાને પસંદ કર્યું છે.
આદિવાસી લોકોએ રેવડી પર વિશ્વાસ ન મુક્યો
પંચમહાલ જિલ્લાની તમામ 5 બેઠકો ઉપર ભાજપનો ભગવો લહેરાયો છે. આદિવાસી વિસ્તારમાં પણ મોંઘવારી મહત્વનો મુદ્દો રહ્યો હતો. પરંતુ, આદિવાસી મતદારોએ મોંઘવારી સહન કરવાનો નિર્ણય કરીને વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઉપર વિશ્વાસ મૂક્યો છે. આદિવાસી મતદારોને આકર્ષવા માટે કોંગ્રેસ દ્વારા વીજળી, ખેડૂતોની લોન માફી જેવી રાહત આપવાની રેવડી આપી હતી. પરંતુ, મતદારોએ મફતનું લેવાનું પડતું મૂકીને ભાજપ ઉપર પુનઃ વિશ્વાસ મુક્યો છે.
પરિવર્તનને બદલે પુનરાવર્તન કર્યું
તેજ રીતે દાહોદ જિલ્લાની 6 બેઠકના મતદારોએ પણ મોંઘવારીની પરવા કર્યા વિના વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઉપર વિશ્વાસ મુકી તમામ સીટો ઉપર ભાજપને જીત અપાવી છે અને પરિવર્તન લાવવાને બદલે પુનરાવર્તન કર્યું છે. દાહોદ જિલ્લાના લોકો અનેક સમસ્યાઓ સામે ઝઝૂમી રહ્યા હોવા છતાં, ભાજપા વિકાસ કરશે તેવી આશા સાથે ભાજપાને તમામ 6 બેઠકો ઉપર જીત અપાવી છે. મહીસાગર જિલ્લાની 3 બેઠકો પૈકી બે બેઠકો ઉપર ભાજપનો વિજય થયો છે. લુણાવાડા બેઠકના મતદારોને મોંઘવારીએ અસર કરી છે. અને કોંગ્રેસના ઉમેદવારને પુનઃ ચૂંટી લાવ્યા છે. લુણાવાડાના મતદારો ભાજપા ઉપર વિશ્વાસ મુકવાને બદલે કોંગ્રેસ ઉપર વિશ્વાસ મુક્યો છે.
મોહનસિંહ ભાજપમાં આવતા ફાયદો થયો
છોટાઉદેપુર જિલ્લાની 3 બેઠકો પૈકી બે બેઠકો કોંગ્રેસ પાસે હતી. પરંતુ, છોટાઉદેપુર જિલ્લાના મતદારોએ કોંગ્રેસ પાસેથી આ વખતે બંને બેઠકો આંચકી લઇ ભાજપને આપી દીધી છે. રાતોરાત ભાજપમાં આવી ગયેલા કોંગ્રેસના દિગ્ગજ નેતા મોહનસિંહ રાઠવાના પુત્ર રાજેન્દ્રસિંહ રાઠવાને ભવ્ય જીત અપાવી તેમનું સપનું પૂરું કરાવ્યું છે. મતદારોએ આ વખતની ચૂંટણીમાં મતદારોએ કોંગ્રેસનું નામો નિશાન મિટાવી દીધું છે. ડબલ એન્જિન સરકાર ઉપર ભરોસો મુક્યો છે. આદિવાસી છોટાઉદેપુર જિલ્લામાં મોંઘવારીનો મુદ્દો હતો. પરંતુ, મોંઘવારીના મુદ્દાને આઘે હડસેલી ભાજપા ઉપર વિશ્વાસ મુક્યો છે.
મોદીની સભાઓને કારણે જીત મળી
ઉલ્લેખનિય છે કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વડોદરા, દાહોદ અને પંચમહાલ જિલ્લામાં સભાઓ કરી હતી. તે તમામ જિલ્લામાં ભાજપાને જીત અપાવી છે. મોદીએ સભાઓમાં મતદારોને રેવડીની લાલચમાં ન આવવા માટે અપીલ કરી હતી. મતદારો મોંઘવારી જેવા મહત્વના મુદ્દાને ભૂલી નરેન્દ્ર મોદીની વાતમાં આવી ગયા. અને ભાજપને ભવ્ય જીત અપાવી છે.
ખેડા-આણંદના ગઢના કાંગરા ખેરવ્યા
આ ઉપરાંત કોંગ્રેસના ગઢ ગણાતા ખેડા અને આણંદ જિલ્લામાં કાંગરા પણ ભાજપે આ વખતે ખેરવી નાખ્યા છે. આણંદ જિલ્લાની 7 બેઠકમાંથી 5 બેઠકો ભાજપે જીતી છે અને ખેડા જિલ્લાની તમામ 6 બેઠકો ભાજપે જીતી લીધી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.