પીએમ નરેન્દ્ર મોદી આગામી 18મી જૂનના રોડ વડોદરા ખાતે આવશે. તેઓ પ્રધાનમંત્રી બન્યા બાદ પ્રથમ વખત શહેરમાં 5.5 કિલોમીટર લાંબો રોડ શો કરવાના છે.અગાઉ એરપોર્ટથી ન્યૂ વીઆઇપી રોડનો રૂટ વિચારણા હેઠળ હતો પરંતુ આ રોડ પર ભીડ ઓછી થવાની ચિંતામાં આખરે રૂટ સંગમથી આજવા રોડ તરફ ડાઇર્વટ કરાયો છે. વડાપ્રધાન એરપોર્ટથી એરપોર્ટ સર્કલ, સંગમ ચાર રસ્તા અને ત્યાંથી મહાવીર હોલ ચાર રસ્તા થઈ સરદાર એસ્ટેટ બાદ લેપ્રેસિ ગ્રાઉન્ડ ખાતે લાખોની જનમેદનીને સંબોધશે. જોકે આ રૂટ બાબતે અંતિમ નિર્ણય એસ.પી.જી લેશે.
વિધાનસભાની ચૂંટણી આવી રહી છે. ત્યારે 18મીએ વડાપ્રધાન રોડ શો- સભા કરશે. રૂટ પર રોડ પર પેચવર્ક સાથે સાફ સફાઈ કરવા, હોર્ડિંગ હટાવવા, ડિવાઈડરને ચૂનો લગાવવા સહિતની કામગીરી માટે પાલિકાના અધિકારીઓ અને કર્મચારીઓનો મોટો કાફલો રોડ પર ઉતાર્યો છે. શહેર ભાજપ પ્રમુખ ડો.વિજય શાહે જણાવ્યું હતું કે 5.5 કિમીના રૂટ પર 100-100 મીટરે સ્ટેજ ઉભા કરી સાંસ્કૃતિક કાર્યક્રમો થકી વડાપ્રધાનને આવકારાશે.
મંગળવારે સવારે શહેર ભાજપના હોદ્દેદારો અને પાલિકાના અધિકારીઓએ રૂટનું નિરીક્ષણ કર્યું
પ્રધાનમંત્રીના વડોદરા પ્રવાસ પૂર્વે શહેરમાં તંત્ર દ્વારા તડામાર તૈયારીઓ કરવામાં આવી રહી છે. મંગળવારે સવારે સાંસદ રંજનબેન ભટ્ટ, મેયર કેયુર રોકડિયા, ભાજપ પ્રદેશ મહામંત્રી ભાર્ગવ ભટ્ટ, શહેર પ્રમુખ ડો. વિજય શાહ સહિત મ્યુનિસિપલ કમિશનર અને અધિકારીઓ પ્રધાનમંત્રીના રૂટ પર નિરીક્ષણ કર્યું હતું.
સંગમ તરફના રૂટની કેમ પસંદગી કરાઇ
વડાપ્રધાનના રોડ શો માટે સંગમ તરફનો રૂટ પસંદ કરાયો છે, કારણ કે આ રૂટ પર રહેણાંક વિસ્તાર મોટો હોવાથી સ્ટેજ-ફ્લોટની અનુકૂળતા સાથે ભીડ એકત્ર થઇ શકશે. જયારે ન્યૂ વીઆઇપી રોડના રૂટ પર એરપોર્ટ સર્કલથી ખોડિયાર નગર ચાર રસ્તા સુધી રહેણાંક વિસ્તાર ઓછો હોવાથી લોકો મોટી સંખ્યામાં પીએમને આવકારવા ઉભા રહે તેવી શકયતા નહીવત હોવાથી આખરે રૂટ બદલવાનો નિર્ણય લેવાયો છે.
શહેરને સુશોભિત કરી રોશની કરાશે: મેયર
મેયર કેયુર રોકડિયાએ જણાવ્યું હતું કે, 18મીએ લેપ્રેસી મેદાન ખાતે આયોજિત કાર્યક્રમમાં 20 હજાર ગંગા સ્વરૂપા બહેનોને વડાપ્રધાનના હસ્તે આયુષ્યમાન કાર્ડનો લાભ આપવામાં આવશે. તદુપરાંત વડાપ્રધાનના આગમનને ઉત્સવમાં ફેરવી શહેરને સુશોભિત કરી રોશની કરવામાં આવશે. રોડ શોમાં રૂટ પર ભારતીય સંસ્કૃતિની ઝાંખી કરાવતા ફલોટ મૂકાશે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.