વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે પાવગઢ શક્તિપીઠ સ્થિત મહાકાળી માતાનાં દર્શન કર્યા હતા. શક્તિપીઠના નવનિર્મિત શિખર પર PM મોદીએ ધ્વજારોહણ કર્યું હતું અને સાથે જ માતાજીના શિખર પર 500 વર્ષમાં પહેલીવાર ધજા લહેરાઈ હતી. ઉલ્લેખનીય છે કે 500 વર્ષ પહેલાં મહેમૂદ બેગડાએ મહાકાળી માતાના મંદિર પર આક્રમણ કરી તેના શિખરને ખંડિત કર્યું હતું ને ત્યારથી અહીં ધજા નહોતી. વડાપ્રધાનના માર્ગદર્શનમાં મંદિરના જીર્ણોદ્ધાર સાથે નવનિર્મિત શિખર બન્યું, એના પર આજે 5 સદી બાદ પહેલીવાર ધજા લહેરાઈ હતી.
જગતજનનીનાં દર્શન કરીને વિકાસનાં કાર્યોનું લોકાર્પણ કર્યું
આજે સવારે માતા હીરાબાને મળ્યા બાદ વડાપ્રધાન મોદી પંચમહાલ જિલ્લાના સુપ્રસિદ્ધ યાત્રાધામ પાવાગઢની મુલાકાતે પહોંચ્યા હતા. અહીં મહાકાળી માતાનાં દર્શન કરીને PM મોદીએ વિકાસકામોનું લોકાર્પણ કર્યુું હતું અને ત્યાર બાદ શાસ્ત્રોક્ત વિધિનુસાર પૂજા-અર્ચના કરી હતી. ત્યાર બાદ તેમના હસ્તે ધ્વજારોહણ કરવામાં આવ્યું હતું. તેઓ પાવાગઢથી વડોદરા આવવા માટે નીકળી ગયા છે.
PM મોદીનું સંબોધન
PM મોદી મંદિરમાં પૂજા-અર્ચના કરશે
ધ્વજારોહણની સાથે પાવાગઢ યાત્રાધામનો ગૌરવવંતો ઇતિહાસ જોડાયેલો છે. પાવાગઢ સાથે જોડાયેલા ઇતિહાસ મુજબ 500 વર્ષ અગાઉ પાવાગઢ પર મહંમદ બેગડાએ હુમલો કરીને પાવાગઢ ગઢ જીતી લીધો હતો. મહંમદ બેગડાએ પાવાગઢ મંદિરના શિખરને ખંડિત કરી દીધું હતું. મંદિર પર દરગાહ બનાવી દેવામાં આવી હતી. આસ્થાના કેન્દ્ર એવા પાવાગઢ માતાજીના મંદિરના શિખર પર 538 વર્ષથી ધ્વજા ફરકાવી ન હતી. ત્યારે પાવાગઢનો વર્ષો જૂનો ઇતિહાસ પાછો થશે. વડાપ્રધાન શનિવારે સવારે આવીને મંદિરમાં પૂજા-અર્ચના કરશે. જ્યારે પીએમ મોદીનો વિરાસત વનનો કાર્યક્રમ કેન્સલ કરવામાં આવ્યો હોવાનું જાણવા મળી રહ્યું છે.
ગર્ભગૃહને યથાવત્ રાખી સંપૂર્ણ નવું મંદિર
પાવાગઢની ટોચ પર માતાજીના મંદિરનો સંપૂર્ણ કાયાકલ્પ કરવામાં આવ્યો છે. ગર્ભગૃહને બાદ કરતાં આખું મંદિર નવેસરથી બનાવવામાં આવ્યું છે. અગાઉ મંદિરની પાછળ દરગાહ હતી, જેને સમજાવટથી સર્વસંમતિ સાથે ખસેડવામાં આવી હતી. મુખ્ય મંદિર અને ચોકને વિશાળ બનાવતાં 2000 લોકો સાથે દર્શન કરી શકશે. માંચીથી રોપવે અપરસ્ટેશન સુધી 2200 પગથિયાં બનાવવામાં આવ્યાં છે. જ્યારે અપર સ્ટેશનથી દૂધિયા તળાવ સુધી 500 નવાં પગથિયાં બનાવવામાં આવ્યાં છે. આગામી સમયમાં પાવાગઢ ખાતે યજ્ઞશાળાનું નિર્માણ કરાશે, સાથે જ દૂધિયા તળાવથી મંદિર સુધી પહોંચવા માટે બે વિશાળ લિફ્ટ પણ બનાવવામાં આવશે, સાથે જ મંદિરના સમગ્ર સંકુલની પ્રદક્ષિણા થાય એ રીતે દૂધિયા અને છાસિયા તળાવને જોડતા પ્રદક્ષિણા પથનું પણ નિર્માણ થશે.
રૂા.21 હજાર કરોડના પ્રોજેક્ટનું લોકાર્પણ-ખાતમુહૂર્ત
વડાપ્રધાન વડોદરાના લેપ્રસી મેદાન ખાતે પહોંચશે ત્યારે તેમનું રંગારંગ કાર્યક્રમથી ભવ્ય સ્વાગત પણ થશે. વડાપ્રધાન સ્ટેજ પરથી રૂા.21 હજાર કરોડની કિંમતના શિક્ષણ, પરિવહન, પાણીપુરવઠા, મલિન જળ શુદ્ધીકરણ અને ગટર વ્યવસ્થા, આવાસ સુવિધાઓ, ઊર્જાને લગતા પ્રોજેક્ટનું લોકાર્પણ તેમજ ખાતમુહૂર્ત કરશે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.