મોક ડ્રીલ:વડોદરાની રિલાયન્સ ઈન્ડસ્ટ્રીમાં ગેસ ગળતરથી દોડધામ, 15 મિનિટમાં લીકેજ પર કાબૂ મેળવાયો, 2 લોકોને બચાવાયા

વડોદરાએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
રિલાયન્સ ઈન્ડસ્ટ્રીમાં મોક ડ્રીલ - Divya Bhaskar
રિલાયન્સ ઈન્ડસ્ટ્રીમાં મોક ડ્રીલ
  • ફાયર બ્રિગેડ, આરોગ્ય અને પોલીસ સહિતની સરકારી એજન્સીઓના પ્રયાસોથી સફળતાપૂર્વક મોક ડ્રીલ યોજાઇ
  • ટેન્કરમાંથી પ્રોપેલીન ગેસ લીકેઝ થવાની ઘટનામાં બે લોકોને ગેસ ગળતર થતાં સારવાર અર્થે ખસેડાયા

મોક ડ્રીલના માધ્યમથી સરકારી એજન્સીઓ અને ઔદ્યોગિક એકમોની સેફ્ટી વિભાગની સજાગતા, સક્રિયતા અને બચાવ કામગીરીનું પરીક્ષણ કરવામાં આવતું હોય છે. આવું જ પરીક્ષણ વડોદરાના નંદેસરી ખાતેની રિલાયન્સ ઈન્ડસ્ટ્રીમાં કરવામાં આવ્યું હતુ. ટેન્કરમાંથી પ્રોપેલીન ગેસ લીકેજ થવાની ઘટનામાં ફાયર, આરોગ્ય, પોલીસ, સહિતની સરકારી એજન્સીઓના ત્વરિત રિસ્પોન્સથી સફળતાપૂર્વક મોક ડ્રીલ પાર પાડવામાં આવી હતી. આ સમગ્ર એક્સરસાઇઝ પ્રાંત અધિકારી રાજેશ ઠુમ્મરના માર્ગદર્શન અને દેખરેખમાં કરવામાં આવી હતી.

15 મિનિટમાં ગેસ લીકેજ પર કાબૂ મેળવી લેવાયો
આ મોક ડ્રીલમાં ટેન્કરમાંથી ગેસ લીકેજ થવાની ઘટનામાં માત્ર 15 મિનિટમાં સફળતાપૂર્વક કાબૂ મેળવી લેવામા આવ્યો હતો. આ એક્સરસાઈઝમાં 2 લોકોને ગેસ ગળતર થવાથી ત્વરિત સારવાર અર્થે ખસેડીને તેમનો બચાવ કરવામાં હતો. સમગ્ર પરિસ્થિતિ નિયંત્રણમાં આવી જતાં ઓલ ક્લીયરનું સિગ્નલ આપવામાં આવ્યું હતુ.

મોક ડ્રીલ દરમિયાન બચાવ કામગીરી
મોક ડ્રીલ દરમિયાન બચાવ કામગીરી

અદ્યતન સાધનોથી સજ્જ મડિકલ ટીમે બચાવ કામગીરી કરી
માનવ બચાવ માટે PPE સુટ, બ્રિથિંગ એપ્રેટર્સ સહિતના અદ્યતન સાધનોથી સજ્જ મડિકલ ટીમે ઘટના સ્થળે પહોંચીને બચાવ કામગીરી હાથ ધરી હતી. આ ઉપરાંત ગેસનો વાતાવરણમાં ફેલાવ અટકાવવા માટે, વોટર કર્ટેન્સ, ફાયર ટેન્ડર દ્વારા સાધનો ઉપયોગ કરવામા આવ્યો હતો. ઉપરાંત માનવ જીવ માટે જોખમી એવા પ્રોપેલીન ગેસના લીકેજથી નજીકમાં આવેલ પ્રેટ્રોલ પમ્પ અને જાહેર માર્ગ પરના સાધનોની અવરજવર બંધ કરી દેવામા આવી હતી, જેથી અન્ય આસપાસના લોકોને સ્વાસ્થ્ય પર વિપરીત અસર ન થઈ શકે. આમ, તમામ પ્રકારનું જોખમ ટાળી શકાયું હતુ.

ઔદ્યોગિક એકમોના સેફ્ટી વિભાગનો સહયોગ લેવાયો
પ્રાંત અધિકારી રાજેશ ઠુમ્મરે જણાવ્યુ કે, રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝમાં ટેન્કરમાંથી પ્રોપેલીન ગેસ લિકેઝ થવાની મોકડ્રીલમાં ફાયર, પોલીસ, જીપીસીબી સહિતની સરકારી એજન્સીઓએ અસરકારક રીતે રિસ્પોન્ડ કરી અને ગેસ પ્રસરાવની ઘટના ઉપર ટૂંકા સમયમાં કાબૂ મેળવી, સફળતાપૂર્વક મોકડ્રીલ યોજવામાં આવી હતી. આ સમગ્ર લોકલ રિસોર્સનો જ ઉપયોગ કરવામા આવ્યો હતો. જેમાં નજીકના ઔદ્યોગિક એકમોના સેફ્ટી વિભાગનો મહત્વનો સહયોગ રહ્યો હતો.

મોક ડ્રીલમાં ગેસ લીકેજને અટકાવવાના પ્રયાસ
મોક ડ્રીલમાં ગેસ લીકેજને અટકાવવાના પ્રયાસ

ઈન્ડસ્ટ્રિયલ પોકેટમાં સમયાંતરે પરીક્ષણ કરવુ જરૂરી હોય છે
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, ખાસ કરીને આ ઈન્ડસ્ટ્રિયલ પોકેટમાં જોખમી કેમિકલ અને ગેસ નિર્માણની પ્રવૃત્તિ ધમધમતી હોય છે, ત્યારે કોઈ મોટી દુર્ઘટના બને તો તેવી સ્થિતિમાં આસપાસના ઔદ્યોગિક એકમોના સેફ્ટી વિભાગના અને સરકારી એજન્સીઓના રિસોર્સનો ઉપયોગ કરવાનો થતો હોય છે, ત્યારે તેમનું સમયાંતરે પરીક્ષણ કરવુ જરૂરી બની રહે છે. આજે આ સમગ્ર એક્સરસાઇઝ સફળતાપૂર્વક યોજાતા તેની ખાતરી થઈ છે.

17 ઓગસ્ટથી 15 સપ્ટેમ્બર સુધી સલામતી માસની ઉજવણી
ઔદ્યોગિક સલામતી અને સ્વાસ્થ્ય, વડોદરાના મદદનીશ નિયામક એચ.પી. પરમારે જણાવ્યુ કે, રાજ્યના શ્રમ અને રોજગાર વિભાગ દ્વારા ઔદ્યોગિક અકસ્માતોમાં ઘટાડો થાય તે માટે 17 ઓગસ્ટથી 15 સપ્ટેમ્બર સુધી સલામતી માસ તરીકે ઉજવવામા આવી રહ્યો છે. જેના ભાગરૂપે આજે રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝમાં ટેન્કરમાંથી પ્રોપેલીન ગેસ લીકેજ થવાની ઉભી કરાયેલી પરિસ્થિતિની મોક ડ્રીલ યોજવામાં આવી હતી. માત્ર 15 મિનિટમાં સંપૂર્ણ પરિસ્થિતિ પર કાબૂ મેળવી લેવાતા જિલ્લા વહીવટીતંત્ર અને ડિઝાસ્ટર કન્ટ્રોલ રૂમને ઓલ ક્લીયરની જાણ કરવામાં આવી હતી. આ મોક ડ્રીલમાં મામલતદાર વાય.આર. ગોસાઈ, GPCBના એમ.યુ. પટેલ, ઈન્ડસ્ટ્રીઝ એસોસિએસનના હોદ્દેદારો અને નજીકના ઔદ્યોગિક એકમોના સેફ્ટી વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓ જોડાયા હતા.

અન્ય સમાચારો પણ છે...