વિવાદીત જમીનમાં ચોરી:વડોદરાના આજવા રોડ પર ટોળાએ ફ્લેટના 3 ટાવરના સ્ટ્રક્ચર તોડી નાખ્યા, બિલ્ડિંગમાંથી નીકળેલો 40 લાખનો ભંગાર ચોરી ગયા

વડોદરા18 દિવસ પહેલા
  • કૉપી લિંક
ચોરીની ફરિયાદ બાપોદ પોલીસ મથકમાં નોંધાતા પોલીસે તપાસ હાથ ધરી છે. - Divya Bhaskar
ચોરીની ફરિયાદ બાપોદ પોલીસ મથકમાં નોંધાતા પોલીસે તપાસ હાથ ધરી છે.
  • ટોળકીએ વિવાદીત જમીન ઉપર બાંધવામાં આવેલું બાંધકામ તોડી પાડ્યું

વડોદરા શહેરના આજવા રોડ ઉપર આવેલી વિવાદિત જમીનમાં જેસીબી, હિટાચી અને ટ્રેક્ટર સાથે 15 જેટલા શખ્સોનું ટોળું ઘસી જઇ ત્રણ ફ્લેટના ચાર માળના સ્ટ્રક્ચર જમીનદોસ્ત કરી નાંખ્યા હતા અને બિલ્ડિંગમાંથી નીકળેલા રૂપિયા 40 લાખની કિંમતના ભંગારની ચોરી ગયા હતા. કંપનીના કર્મચારીએ બાપોદ પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે ચાર શખ્સો વિરુદ્ધ ગુનો નોંધીને ધરપકડના ચક્રો ગતિમાન કર્યાં છે.

આ વિવાદીત જમીનની જગ્યાએથી ભંગારની ચોરી થઇ છે.
આ વિવાદીત જમીનની જગ્યાએથી ભંગારની ચોરી થઇ છે.

આજવા રોડ ઉપર કંપનીની જમીન છે
આ બનાવ અંગેની વિગત એવી છે કે, પ્રિયાંક કુમાર પાંડે ( રહે - અલકાપુરી, મૂળ રહે - ઉત્તર પ્રદેશ ) મુંબઈની સંસ્કૃતિ ઈન્ફ્રા ડેવલોપર્સ પ્રાઇવેટ લિમિટેડ કંપનીમાં સાઇટ મેનેજર તરીકે ફરજ બજાવે છે. તેમની કંપની જમીન લે વેચ કરવાની સાથે ડેવલોપમેન્ટ કરવાનું પણ કામ કરે છે. વર્ષ 2021માં મુંબઈના નિલય દેસાઈએ ગુજરાતમાં ઇન્વેસ્ટ કરવા માટે સંસ્કૃતિ કંપનીને મેસર્સ પીએસસીએલ લિમિટેડની જમીન બતાવી હતી. જે જમીન સંસ્કૃતિ કંપનીએ ખરીદવાની ઈચ્છા ધરાવતા વેચાણ પ્રક્રિયા હાથ ધરી હતી.

કોર્ટમાં જમીનનો દાવો ચાલે છે
આ કંપનીના ડાયરેક્ટર મુંબઈ ખાતે રહેતા હોવાથી અવારનવાર ગુજરાત આવી ન શકવાના કારણે માત્ર ખરીદી હેતુ રજીસ્ટર કચેરીમાં નિલય દેસાઈને જમીન કંપનીના નામે ચડાવવા અધિકાર આપવામાં આવ્યો હતો ત્યારબાદ સર્વે નંબર 607 એ પૈકી 2.72 હેક્ટર વાળી જમીનમાં ફ્લેટ બનાવવા માટેનું બાંધકામ શરૂ કર્યું હતું. અને ચાર માળની ઇમારત ઊભી કરી હતી. દરમિયાન નિલય દેસાઈએ આ જમીન ખોટી રીતે સંજયભાઈ જેયતીલાલ જૈન ( રહે - રઘુઅલીલામોલ, કાંદીવલી, વેસ્ટ, મુંબઈ ) ને ઓછા ભાવમાં વેચી હતી. જે અંગેની જાણ કંપનીને થતા કોર્ટમાં દાવો માંડ્યો હતો .ત્યારબાદ કંપનીના સિક્યુરિટી ગાર્ડ જમીનની દેખરેખ માટે બેસતા કેટલાક લોકોએ ધમકાવતા તેઓ જતા રહ્યા હતા.

જે.સી.બી. જેવા સાધનોનો ઉપયોગ કરી બિલ્ડીંગ તોડી પાડી
જમીન ફરતે સંસ્કૃતિ કંપની દ્વારા જમીનની ચારેય ફરતે પતરાની દિવાલ ઊભી કરવામાં આવી હતી. દરમિયાન 15 જેટલા લોકોના ટોળું જેસીબી , ટ્રેક્ટર ટ્રોલી તથા હિટાચી મશીન સાથે ઘસી આવ્યું હતું અને ત્રણ ટાવરના સ્ટ્રકચર તોડી તેમાંથી લોખંડના સળિયા કાઢી અન્ય ભંગાર તથા સ્ટીલના સળિયા ઉઠાવી ગયા હતા. સ્થળ પર હાજર ભાવેશ નામના વ્યક્તિએ જણાવ્યું હતું કે ,હમીરભાઇ ભરવાડએ સ્ટ્રક્ચર જૂનું થઈ ગયું હોય તોડી પાડવાનું કામ સોપ્યું છે. અને સંજય જૈન તથા પરેશ પટેલે ઓથોરિટી આપી છે. આમ દિવાલ તોડી જમીનમાં પ્રવેશી ત્રણ ફ્લેટના ચાર માળના સ્ટ્રકચરને જમીન સુધી તોડી નુકસાન પહોંચાડવાની સાથે 40 લાખનો ભંગાર સગેવગે થઈ ગયો છે. ઉપરોક્ત ફરિયાદના આધારે બાપોદ પોલીસે હમીર ભરવાડ, પરેશ પટેલ ,નિલય દેસાઈ અને સંજય જૈન વિરુદ્ધ ગુનો નોધી તલસ્પર્શી તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...