મલાઇદાર વહીવટમાં ‘લોકોને ડામ’:દૂધમાં ભાવવધારાની હિલચાલ સામે ધારાસભ્યોનો જ વિરોધ,કહ્યું ડેરી ડિરેક્ટરોના બેફામ ખર્ચા બંધ કરે

વડોદરા6 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • અમૂલે લિટરે રૂા. 2 ભાવ વધારતાં બરોડા ડેરી 8 મહિનામાં બીજીવાર લોકો પર બોજો નાખવા તૈયાર
  • ડિરેક્ટરો-મળતિયાઓના ઘરના ફ્રિજ ડેરીના આઈસક્રીમ, શ્રીખંડ, ગુલાબજાંબુથી ભરેલા હોય છે :યોગેશ પટેલ

અમૂલ ડેરી દ્વારા દૂધની કિંમતમાં પ્રતિ લિટરે રૂા.2નો ભાવ વધારો કરાતા બરોડા ડેરી દ્વારા શિવરાત્રિ બાદ મિટિંગ કરી દૂધના ભાવમાં વધારો કરવા અંગે નિર્ણય કરવાની જાહેરાત કરી છે. 8 મહિનામાં જ બીજી વખત દૂધની કિંમતોમાં ભાવ વધારો સામાન્ય નાગરિકોના બજેટને ખોરવી દેનારો રહેશે. ત્યારે ડેરીના શાસકોની ભાવ વધારાની પેરવી સામે જિલ્લા-શહેરના 10 પૈકી 4 ધારાસભ્યોએ ખુલ્લો વિરોધ દર્શાવ્યો છે. જયારે 3 ધારાસભ્યોએ મિશ્ર પ્રતિભાવ આપ્યો હતો અને 3 ધારાસભ્યોએ નરોવા કુંજરોવાની નિતી અપનાવી હતી.

વાઘોડિયાના ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવે જણાવ્યું કે, તેઓ ડેરીના ચેરમેન હતા ત્યારે દૂધના ભાવ ન વધે તેની લડત ચલાવતા હતાં. માંજલપુરના ધારાસભ્ય યોગેશ પટેલે જણાવ્યું હતું કે, શહેર-જિલ્લામાં દૂધ ભરતી એક માત્ર બરોડા ડેરી છે. તેના લાખો ગ્રાહકો છે. ત્યારે વડોદરા શહેર-જિલ્લામાં બરોડા ડેરી એક માત્ર સંસ્થા છે જે દૂધ ભેગુ કરે છે અને ગ્રાહકને વેચે છે. દૂધ ભરતી એક જ સંસ્થા હોય અને તેના લાખો ગ્રાહકો હોય ત્યારે તેની પ્રોડક્ટ તો હંમેશા સસ્તી જ હોવી જોઈએ.

ડેરીના જે ડિરેક્ટરો છે તેમના બેફામ ખર્ચાં છે. જેના પર અંકુશ રાખવા જરૂરી છે. જ્યારે ડેરીના ડિરેક્ટરો અને તેમના મળતિયાઓના ઘરના ફ્રિજ ડેરીના આઈસ્ક્રિમ, શ્રીખંડ, ગુલાબજાંબુ સહિતની પ્રોડક્ટથી જ ભરેલા રહેતા હોય છે. ખર્ચ ઓછો કરી લોકો પર બોજો ન નાખવો જોઇએ. આ અંગે બરોડા ડેરીના પ્રમુખ દિનુ મામાનું મંતવ્ય જાણવા સંપર્ક કરાતાં થઇ શક્યો ન હતો જ્યારે ઉપપ્રમુખે કોઇપણ ટિપ્પણી કરી ન હતી.

ભાસ્કરે 10 ધારાસભ્યોને પૂછતાં 4 નો ખુલ્લો વિરોધ, 3 ના િમશ્ર પ્રત્યાઘાત અન્ય 3 નરોવા - કુંજરોવા
ભાવ ઓછા કરવા સંશોધન કરવું જોઈએ

ડેરી વર્ષમાં 1-2 વખત દૂધમાં ભાવવધારો કરે છે. જે ગેરવ્યાજબી છે. ડેરી દૂધ ઉપરાંત બાયપ્રોડક્ટમાં નફો કરે છે. ડેરીએ ભાવ ઓછા રાખી શકાય તેના પર સંશોધન કરવું જોઇએ.> યોગેશ પટેલ,ધારાસભ્ય, માંજલપુર

હું ચેરમેન હતો ત્યારે ભાવ વધવા ન દેતો
​​​​​​​​​​​​​​
હું ભાવવધારાનો વિરોધ કરું છું. હાલ ડેરી નફામાં ચાલી રહી છે. હું ડેરીનો ચેરમેન હતો ત્યારે ઉપરની ડેરીઓ ભાવ વધારો કરે તો હું લડત આપતો,ભાવ વધવા દેતો ન હતો.> મધુ શ્રીવાસ્તવ, ધારાસભ્ય, વાઘોડિયા

​​​​​​​ભાવવધારો કોઇપણ રીતે વાજબી નથી
દૂધનો ભાવવધારો કોઈ રીતે વ્યાજબી નથી. મહામારીમાંથી જનજીવન થાળે પડ્યું છે, ત્યારે તેની અસર પડશે. જો ભાવ વધારો થાય તો સામે પશુપાલકોને લાભ થવો જોઈએ.> કેતન ઈનામદાર, ધારાસભ્ય,સાવલી

ખેડૂતોને લાભ ન મળે તો વિરાેધ કરાશે
​​​​​​​
જો દૂધમાં ભાવ વધારો કરાય તો તેની પાછળ નફાનો હેતુ ન હોવો જોઈએ. કોરોનાના કપરા સમયમાં જો ખેડૂતોને લાભ ન મળે તો ભાવ વધારાનાે વિરોધ કરાશે.> જશપાલસિંહ પઢિયાર, ધારાસભ્ય, પાદરા

​​​​​​​ખેડૂતોને અન્યાય ન થવો જોઈએ
દૂધનો ભાવ વધારો બધી ડેરીએ કર્યો છે. પરંતું આ ભાવ વધારામાં ખેડૂતો અને પશુપાલકોના હિતની વાત હોય તો આ ભાવ વધારો યોગ્ય છે. ખેડૂતોને અન્યાય ન થવો જોઈએ. > અક્ષય પટેલ, ધારાસભ્ય, કરજણ

ભાવ વધારોે લોકો માટેે તકલીફ સમાન
હું કોઈ દૂધ-ડેરીની સંસ્થા સાથે સંકળાયેલો નથી, જેથી દૂધના ભાવવધારાનું શું કારણ છે તેની તપાસ બાદ હું કાંઈ કહી શકું. જોકે સામાન્ય રીતે ભાવવધારો લોકોને તકલીફ આપે છે. > રાજેન્દ્ર ત્રિવેદી, કેબિનેટ મંત્રી

હાલ ભાવ યથાવત રાખવો જોઈએ
લોકોના જીવન પર દૂધના ભાવવધારાની સીધી અસર પડશે.મહામારીમાં રોજગારી-ધંધા પર માઠી અસર પડી છે. હાલ દૂધનો ભાવ જે છે તે યથાવત રાખવો જોઈએ. > સીમાબેન મોહિલે, ધારાસભ્ય, અકોટા

​​​​​​​દૂધનો ભાવ વધારો હાલ અયોગ્ય
કોરોનામાં લોકોના ધંધા અને રોજગારી પર અસર પડી છે. ત્યારે દૂધનો ભાવ વધારો કરાય તે યોગ્ય નથી. દૂધનો ભાવવધારો લોકોના બજેટ પર સીધી અસર પહોચાડે છે. > મનીષાબેન વકીલ, રાજ્ય કક્ષાના મંત્રી

ભાવ વધતાં ઘર બજેટ ખોરવાય છે
દૂધના ભાવમાં વધારો યોગ્ય નથી. અમુલે હાલ રૂા.2 લિટરે ભાવવધારો કર્યો છે, આટલો વધારો ન થવો જોઈએ. દૂધના ભાવ વધતા લોકોના ઘરના બજેટ ખોરવાઈ જાય છે. > જિતેન્દ્ર સુખડિયા, ધારાસભ્ય, સયાજીગંજ

વધારાના કારણો જાણવા જોઇએ
દૂધમાં ભાવવધારો હાલ યોગ્ય નથી. મધ્યમવર્ગને તકલીફ પડે છે. પરંતું સમય-સંજોગો અનુસાર ડેરી કયા કારણોસર ભાવવધારો કરી રહી છે તેના કારણો પણ જાણવા જરૂરી છે. > શૈલેષ મહેતા (સોટ્ટા), ધારાસભ્ય,ડભોઈ

બરોડા ડેરી દૂધનો ભાવ વધારશે તો લોકોને સાથે રાખી ઉગ્ર આંદોલન કરવા યુવક કોંગ્રેસની ચીમકી
બરોડા ડેરીના દૂધમાં ભાવવધારાની જાહેરાતને પગલે બુધવારે વડોદરા શહેર યુથ કોંગ્રેસ દ્વારા બરોડા ડેરી સામે વિરોધ પ્રદર્શન કરીને દૂધનો ભાવ ન વધારવા માટે ડેરીના સત્તાધીશોને જણાવ્યું હતું. વડોદરા શહેર યુથ કોંગ્રેસના પ્રમુખ કુલદીપસિંહ વાઘેલાએ જણાવ્યું હતું કે, બરોડા ડેરી પબ્લિક ઓર્ગેનાઈઝેશન છે, જેમાં દૂધ ઉત્પાદકો તેમજ ડેરીના ગ્રાહકોનો હિત સચવાયેલું હોવું જોઈએ. ડેરી ત્રણ મહિના અગાઉથી ગ્રાહકો પાસેથી બે રૂપિયાનો વધારો વસુલી રહી છે. અમુલ ડેરીના ભાવ વધારાની તકનો લાભ લઇ બરોડા ડેરીના સંચાલકો ફરી વખત ભાવ વધારશે તો લોકોને સાથે રાખી આંદોલન કરાશે.

અન્ય સમાચારો પણ છે...