વિવાદ:ધારાસભ્ય કેતન ઇનામદારની ચીમકી,ડેરી ભાવફેરનો ઉકેલ નહીં લાવે તો હલ્લાબોલ

વડોદરાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • બરોડા ડેરીના ભાવફેરના વિવાદનો ચરૂ ફરી ભભૂકી ઊઠ્યો
  • ​​​​​​​આજે સાંસદ, જિલ્લા ભાજપ પ્રમુખ-પ્રભારીને 2 વર્ષના હિસાબ બતાવાશે

સાવલીના ધારાસભ્ય કેતન ઈનામદાર અને ડેરીના પ્રમુખ દિનુમામા વચ્ચે સમાધાન થયા બાદ પણ ડેરીની સામાન્ય સભામાં ગત વર્ષ જેટલો જ ભાવફેર અપાતાં વિવાદનો ચરૂ ફરી ભભૂકી ઊઠ્યો છે. ચાલુ વર્ષે સભાસદોએ દૂધ વધારે ભર્યું હોવા છતાં યોગ્ય રકમ ન અપાતાં રવિવારે કેતન ફાર્મમાં સમાધાન કરાવનાર સાંસદ રંજનબેન ભટ્ટ, પરાક્રમસિંહ જાડેજા અને અશ્વિન કોયલીની હાજરીમાં સાવલી-ડેસરના દૂધ મંડળીના મંત્રીઓ બે વર્ષના હિસાબ રજૂ કરી ડેરીએ અન્યાય કર્યો હોવાની રજૂઆત કરશે. આ મુદ્દે નિરાકરણ નહીં આવે તો ડેરી સામે હલ્લાબોલ કરવાની કેતન ઈનામદારે ચીમકી ઉચ્ચારી છે.

કેતન ઈનામદારે જણાવ્યું કે, બરોડા ડેરી દ્વારા દૂધ ઉત્પાદકોને ભાવફેરની સારામાં સારી રકમ આપવાની ખાતરી ડેરી સંચાલકોએ આપી હતી. જોકે 15મીએ ડેરીની સામાન્ય સભામાં પ્રમુખ અને ઉપપ્રમુખે ગત વર્ષ જેટલો રૂા.685નો ભાવફેર જાહેર કર્યો હતો. જેનાથી પશુપાલકો અને મંડળીઓના પ્રમુખ, મંત્રી નારાજ છે. ગત વર્ષ કરતાં ચાલુ વર્ષે વધુ દૂધ ભર્યું છે ત્યારે ડેરીના સંચાલકોએ ભાવફેરની યોગ્ય રકમ આપવાનો જે વિશ્વાસ આપ્યો હતો તે તોડ્યો છે.

કેતન ઈનામદારે ડેરી દ્વારા પશુપાલકોને અન્યાય કરાતો હોવાનો પત્ર સહકાર મંત્રીને લખ્યો હતો. ત્યાર બાદ ડેરીના પ્રમુખ દિનુમામા અને કેતન ઈનામદાર વચ્ચે શાબ્દિક યુદ્ધ ખેલાયું હતું. આ અંગે પૂર્વ સીએમ વિજય રૂપાણીને જાણ થતાં તેમના આદેશ બાદ વડોદરા જિલ્લા પ્રભારી પરાક્રમસિંહ જાડેજાના બંગલે જિલ્લા ભાજપ પ્રમુખ અશ્વિન કોયલી અને સાંસદ રંજનબેન ભટ્ટની હાજરીમાં દિનુમામા અને કેતન ઈનામદાર વચ્ચે સમાધાન ફોર્મ્યુલા ઘડાઈ હતી, જે અંતર્ગત ડેરી પશુપાલકોને યોગ્ય ભાવફેર આપશે તેવી શરત મુકાઈ હતી. જોકે 15 સપ્ટેમ્બરે ડેરીની સામાન્ય સભામાં ગત વર્ષ જેટલો જ રૂા.685નો ભાવ આપતા કેતન ઈનામદારે વિરોધ વ્યક્ત કર્યો છે.

તેમણે જણાવ્યું કે, ડેરીએ પશુપાલકોને ગત વર્ષ જેટલો ભાવફેર આપી છેતર્યા છે. જેથી હવે મારી અને દિનુમામા વચ્ચે સમાધાન કરાવનારા પરાક્રમસિંહ જાડેજા, સાંસદ રંજનબેન ભટ્ટ અને અશ્વિન કોયલીને 19 સપ્ટેમ્બરે સાંજે પોઈચા રોડ પર કેતન ફાર્મમાં બોલાવ્યાં છે. જ્યાં સાવલી અને ડેસરના તમામ દૂધ મંડળીના મંત્રીઓ બે વર્ષના ભાવફેરની હિસાબો સાથે લાવશે અને રજૂઆત ત્રણેય સમક્ષ મૂકશે.

4 ધારાસભ્ય ડેરીના અન્યાય સામે વિરોધ કરશે
કેતન ઈનામદારે જણાવ્યું હતું કે, ડેરીએ યોગ્ય ભાવફેરની રકમ ન આપતાં સભાસદોની હાલત કફોડી બની છે. જો ભાવફેર મુદ્દે નિરાકરણ નહીં આવે તો બરોડા ડેરી સામે સાવલી, ડેસર સહિત જિલ્લાના ડેરીમાં દૂધ ભરનાર દરેક સભાસદોની હાજરીમાં હલ્લાબોલ કરાશે. પશુપાલકોને અન્યાય કરતી ડેરી વિરુદ્ધ જિલ્લાના અન્ય ધારાસભ્યો મધુ શ્રીવાસ્તવ, અક્ષય પટેલ અને શૈલેષ સોટ્ટા પણ કેતન ઈનામદાર સાથે મોરચો માંડશે તેમ સુત્રોએ જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...