તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ભાસ્કર વિશેષ:4 ઝોનમાં જાપાની પદ્ધતિથી મિયાવાકી વનનું નિર્માણ કરાશે,ગ્રીન બેલ્ટના પ્લોટમાં 55 હજાર વૃક્ષ ઉછેરાશે

વડોદરા16 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પાલિકા દ્વારા સરવે પણ શરૂ કરી દેવાયો, હાલ રાજીવનગર ખાતે વન ઉછેરાઈ રહ્યું છે

દેશની આઝાદીનાં 75 વર્ષની ઉજવણી નિમિત્તે પાલિકા દ્વારા નવતર પ્રયોગો કરવામાં આવી રહ્યા છે. જેના ભાગરૂપે ગ્રીનબેલ્ટના પ્લોટમાં પણ મોટાપાયે વૃક્ષારોપણ કરવામાં આવનાર છે. ખાસ કરીને શહેરના ચાર ઝોનમાં જાપાની પદ્ધતિથી મિયાવાકી વનનું નિર્માણ કરવાનો પણ નિર્ણય લેવામાં આવ્યો છે અને તેના માટે સરવે પણ શરૂ કરવામાં આવ્યો છે. આ પદ્ધતિથી 10 વર્ષના ગાળામાં જ જંગલનો ઉછેર કરવામાં આવે છે.

આઝાદીના 75મા વર્ષ નિમિત્તે પાલિકા ઓપન સ્પેસ અને ગ્રીન બેલ્ટના 75 પ્લોટમાં વૃક્ષારોપણનું પણ અભિયાન શરૂ કરનાર છે અને તેમાં એક પ્લોટમાં 55 હજાર વૃક્ષો રોપવામાં આવશે. ખાસ તો શહેરના ચાર ઝોનમાં જુદા જુદા પ્રકારના વનનું નિર્માણ કરવામાં આવશે. જેમાં નક્ષત્ર વન, મિયાવાકી વગેરેનો સમાવેશ થાય છે. વર્ષ 2020-21થી વર્ષ 2024-25 માટે 15મા નાણાપંચની રૂપિયા 1595 કરોડની ગ્રાન્ટ મળવાની છે. જેમાં હવાની શુદ્ધતા અને ઘન કચરા વ્યવસ્થાપનના પર્યાવરણ લક્ષી કામો કરવાનાં છે. એ દૃષ્ટિએ પણ વન ઉછેર અને વૃક્ષારોપણની કામગીરી વિશેષ કરવી પડશે.

પાલિકા હાલ રાજીવ નગર સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ ખાતે મિયાવાકી પદ્ધતિથી વન ઉછેર કરી રહ્યું છે. જ્યારે હવે શહેરના ચાર ઝોનમાં પણ એક-એક મિયાવાકી વન ઉછેરવામાં આવશે. આ માટે હાલ જગ્યાનો સરવે ચાલી રહ્યો છે. મિયાવાકી એ જાપાની પદ્ધતિ છે તે નોંધનીય છે. જાપાનના વનસ્પતિ શાસ્ત્રી અકિરા મિયાવાકી દ્વારા ટૂંકા ગાળામાં વન ઉછેરવા માટે આ પદ્ધતિ વિકસાવવામાં આવી છે.

વિશ્વના અનેક દેશોએ વનસ્પતિશાસ્ત્રી મિયાવાકીની આ પદ્ધતિ અપનાવી વન નિર્માણ કર્યું છે. આ પદ્ધતિ હેઠળ 10 વર્ષમાં જંગલ ઉછેરી શકાય છે. આ પદ્ધતિમાં નાના વિસ્તારમાં ઝડપથી વન ઉગાડી શકાય છે. અત્રે એ ઉલ્લેખનીય છે કે, રાજ્યની ગ્રામ પંચાયતોને પ્રાયોગિક ધોરણે વન ઉછેરની જાપાની પદ્ધતિ મિયાવાકી અપનાવી દરેક પંચાયત એક પ્લોટમાં એક વન ઉછેરે એવી ભલામણ ગ્રામ વિકાસ વિભાગ એ મનરેગા હેઠળ વૃક્ષ ઉછેરની અનુકૂળતા કરી આપી છે.

અન્ય સમાચારો પણ છે...