કલાકોની તપશ્વર્યા:સેન્ટરો પર જથ્થો ખૂટી જતાં 2 હજાર લોકો વેક્સિન લીધા વિના પરત ફર્યા

વડોદરાએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
સયાજી હોસ્પિટલના સેન્ટર પર રસી લેવા માટે કતાર લાગી હતી. - Divya Bhaskar
સયાજી હોસ્પિટલના સેન્ટર પર રસી લેવા માટે કતાર લાગી હતી.
  • એકતા નગર સહિતનાં 3 કેન્દ્ર પર લોકોનો હોબાળો
  • લોકોનો બળાપો: કામ છોડી આવીએ છીએ ને નંબર આવતાં પહેલાં રસી ખલાસ

શહેરમાં વેક્સિન માટે આવતા નાગરિકોની સંખ્યા સામે ડોઝની સંખ્યા અપૂરતી હોવાથી સમસ્યા સર્જાઇ રહી છે. શુક્રવારે ત્રણ સેન્ટરો પર રસીનો જથ્થો પૂરો થઇ જતાં અંદાજે 2 હજાર લોકોને ડોઝ લીધા વિના પરત જવાનો વારો આવ્યો હતો. લોકોએ બળાપો ઠાલવ્યો હતો કે, કામ-ધંધા છોડીને આવીએ છીએ ને નંબર આવતાં પહેલાં જ રસી ખલાસ થઇ જાય છે.

શહેરમાં ચાલી રહેલા રસીકરણમાં બીજો ડોઝ લેવા માટે નાગરિકોમાં ઉત્સાહ વધી રહ્યો છે. જેને પગલે રસીના સ્લોટ કરતાં વધુ સંખ્યામાં નાગરિકો રસીકરણ કેન્દ્રો પર પહોંચી જતાં એકતા નગર, કારેલીબાગ ગરબા ગ્રાઉન્ડ પાસે અને યમુના મિલ પાસેનાં 3 રસીકરણ કેન્દ્ર પર હોબાળો મચ્યો હતો. રસીકરણ કેન્દ્રો પર રસી મૂકાવવા આવેલા અંદાજે 2 હજાર લોકો વિવિધ કેન્દ્રો પરથી પરત ગયા હતા. પોતાના કામ-ધંધા છોડીને આવતા હોવાનો અને નંબર આવતાં પહેલાં તો રસી ખલાસ થઈ જતી હોવાનો બળાપો લોકોએ ઠાલવ્યો હતો. કોર્પોરેશનના આરોગ્ય વિભાગના જણાવ્યા મુજબ શુક્રવારે કોવિશીલ્ડના 11,500 અને કોવેક્સિનના 2500 ડોઝ આપવામાં આવ્યા હતા, તેની સામે રસીકરણ કેન્દ્રો પર મોટી સંખ્યામાં લોકો ઊમટી પડ્યા હતા. લોકોમાં એવી માન્યતા છે કે, રસીકરણ કેન્દ્ર પર જઈએ એટલે રસી મૂકી આપવાનું સરકાર દ્વારા જાહેર કરવામાં આવ્યું છે, પરંતુ રસીનો જથ્થો હોય તો જ મૂકવામાં આવે છે.

રસી મૂકાવવા માટે બે દિવસથી ધક્કા ખાઈએ છીએ
2 દિવસથી ધક્કા ખાઈએ છીએ. 1 વાગ્યા સુધી રસી મૂકાય છે, કામ-ધંધા છોડીને12 વાગ્યાથી લાઈનમાં ઊભા રહીએ,નંબર આવે તે પહેલાં રસી પતી જાય છે. > ધર્મિષ્ઠા પંચાલ, આજવા રોડ

આરોગ્ય વિભાગે લોકોની મુશ્કેલી સમજવી જોઈએ
ટોકન આપી લોકોને પરત મોકલાયછે. અમારે નોકરી પર રજા મૂકતાં પહેલાં શું ટોકન લેવા જવાનો? આરોગ્ય વિભાગે મુશ્કેલી સમજી નવી વ્યવસ્થા ગોઠવવી જોઈએ. > અશ્વિન પટેલ, કારેલીબાગ

નેતાઓ પણ રસીની વ્યવસ્થા કરવાનો આગ્રહ રાખે છે
સ્થાનિક અગ્રણી -નેતાઓ સેન્ટર પર આવેલા લોકોને રસી આપવા આગ્રહ કરે છે, જેને પગલે રસીની અછત અંગે લોકો સમજતા નથી અને હંગામો થાય છે.> ડો. સ્મિતા વસાવા,ડે. હેલ્થ ઓફિસર

કોવિશીલ્ડના આજે 13,500 ડોઝ આવશે
શનિવાર માટે સરકારે કોવિશીલ્ડના 13,500 ડોઝ અને કોવેક્સિનના 3 હજાર ડોઝ ફાળવ્યા છે. શુક્રવારે 13,891 લોકોએ રસી મુકાવી હતી, જે પૈકી 18 વર્ષથી ઉપરના 799 લોકોએ પ્રથમ અને 5051 લોકોએ બીજો ડોઝ લીધો હતો. 45 પ્લસના 1817 લોકોએ પ્રથમ ડોઝ લીધો હતો.

અન્ય સમાચારો પણ છે...