તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વડોદરામાં PIની પત્ની ગુમ કેસ:સ્વીટી પટેલના ઓસ્ટ્રેલિયામાં રહેતા પુત્રએ કહ્યું: 'મને ડર છે કે મારી મમ્મી સાથે કદાચ કંઈક ખોટું તો નહીં થયું હોય ને!'

વડોદરા19 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • વડોદરા જિલ્લા SOGમાં ફરજ બજાવતા PIના પત્ની 1 માસ પહેલાં કરજણથી રહસ્યમય સંજોગોમાં ગુમ થઈ ગયાં હતાં
  • ઓસ્ટ્રેલિયામાં રહેતા પૂર્વ પતિ અને પુત્રએ સ્વીટીને શોધવા માટે સોશિયલ મીડિયા પર કેમ્પેન શરૂ કર્યું

વડોદરા જિલ્લાના સ્પેશિયલ ઓપરેશન ગ્રુપમાં ફરજ બજાવનારા પીઆઇ એ.એ. દેસાઇનાં પત્ની સ્વીટી પટેલ 1 માસ પહેલાં કરજણથી રહસ્યમય સંજોગોમાં ગુમ થઇ જવાના પ્રકરણમાં પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. આ દરમિયાન ઓસ્ટ્રેલિયામાં રહેતા સ્વીટી પટેલના પુત્ર રિધમ પંડ્યાએ સોશિયલ મીડિયામાં પોસ્ટ મૂકી હતી, જેમાં તેણે જણાવ્યું હતું કે મારું નામ રિધમ પંડ્યા(ઉં.17) છે. હું મમ્મીને શોધવા પ્રયત્ન કરી રહ્યો છું. તે 4 જૂનના મોડી રાતથી કે 5 જૂન વહેલી સવારથી વડોદરાના કરજણના ઘેરથી ખોવાયેલી છે. થોડાં વર્ષો પહેલાં મારાં મમ્મી-પપ્પા અલગ થયાં હતાં અને હું અને મારો નાનો ભાઇ પપ્પા સાથે ઓસ્ટ્રેલિયામાં રહીએ છીએ.

મને ભારતની કાનૂની વ્યવસ્થા અને ગુજરાત પોલીસની કામગીરી પર ભરોસો છે
મારાં મમ્મીએ અજય દેસાઇ સાથે લગ્ન કર્યા હતા અને તેમને 2 વર્ષનો દીકરો પણ છે. મારી મમ્મી કોઇને કહ્યા વગર જતી રહી હશે અને થોડા દિવસમાં આવી જશે, એવું વિચારી અજય દેસાઇએ 6 દિવસ સુધી પોલીસમાં જાણ કરી ન હતી, પછી તેમણે મારા મામાને બોલાવીને પોલીસમાં ફરિયાદ લખાવી હતી. મને ભારતની કાનૂની વ્યવસ્થા અને ગુજરાત પોલીસની કામગીરી પર ભરોસો છે. મારી મમ્મી જાતે પાછી આવી જશે, એવું વિચારી મેં ઘણી રાહ જોઇ લીધી.

પુત્રએ માતાને શોધવા માટે શોશિયલ મીડિયા પર લખેલી પોસ્ટ
પુત્રએ માતાને શોધવા માટે શોશિયલ મીડિયા પર લખેલી પોસ્ટ

મારી મમ્મી સાથે કદાચ કંઈક ખોટું તો નહીં થયું હોય ને
મેં સોશિયલ મીડિયામાં કેમ્પેન ચાલુ કર્યું છે અને તમારી મદદની જરૂર છે. મમ્મી મને કે મારા ભાઇને મૂકી એમ જ જતી રહે નહીં. મને ડર છે કે મારી મમ્મી સાથે કદાચ કંઇક ખોટું તો નહીં થયું હોય ને. પ્લીઝ હેલ્પ, તમારી પાસે કોઇ જાણકારી હોય તો જણાવશો કે આ પોસ્ટને જેટલા લોકોને મોકલી શકો એટલા લોકોને મોકલો. માહિતી આપનારને યોગ્ય વળતર અપાશે.

સ્વીટી મારી પૂર્વ પત્ની છે, અમે 7 વર્ષ પહેલાં છૂટાં પડ્યાં હતાં
ઓસ્ટ્રેલિયામાં રહેતા સ્વીટી પટેલના પૂર્વ પતિ હેતસ પંડ્યાએ જણાવ્યું હતું કે સ્વીટી મારી પૂર્વ પત્ની છે. અમે 7 વર્ષ પહેલાં છૂટાં પડ્યાં હતાં. લગભગ 5-6 વર્ષ પહેલાં સ્વીટીએ અજય દેસાઇ સાથે લગ્ન કર્યાં હતાં. તે કરજણના ઘેરથી જતી રહ્યા બાદ તેણે અમને અહીં ફોન કરી મારા પુત્ર રીધમને પૂછયું કે મમ્મીનો ફોન આવ્યો હતો, ત્યારે જાણ થઇ કે સ્વીટી ઘર છોડી જતી રહી છે. તે કેમ ગઇ એ કહેવું મુશ્કેલ છે, પણ મેં તેની સાથે 13 વર્ષ ગાળ્યાં હતાં.

લાપતા થયેલી સ્વીટી પટેલ
લાપતા થયેલી સ્વીટી પટેલ

સ્વીટી અડધી રાત્રે નાના બાળકને ઘરે મૂકીને આ રીતે જતી ના રહે
મને પૂરો વિશ્વાસ છે કે તે અડધી રાત્રે નાના બાળકને મૂકીને આ રીતે જતી ના રહે. મુશ્કેલભર્યા સમયમાં પણ તેણે મને છોડ્યો ન હતો તો અત્યારે એવી સ્થિતિ ન હતી કે તે જતી રહે. અમને હાલ ફરિયાદ નથી પણ અમે ઇચ્છીએ છીએ કે તે જલદી પાછી આવી જાય કે તેની સાથે અજુગતું થયું હોય તો તેને ન્યાય મળે. 2-3 માસ પહેલાં સ્વીટીને રીધમ સાથે વાત થઇ હતી. સ્વીટીએ અજય સાથે ફૂલહાર કર્યા હતા પણ મેરેજ રજિસ્ટર કર્યા ન હતા, જેથી તે કોર્ટમાં રજિસ્ટર કરવા દબાણ કરતા હતા, પણ અજય દેસાઇએ રજિસ્ટર કરાવ્યું ન હતું

પોલિગ્રાફ ટેસ્ટ અને નાર્કો ટેસ્ટ માટે અરજી કરાઈ
જિલ્લા પોલીસ વડા સુધીરકુમાર દેસાઇએ જણાવ્યું હતું કે સ્વીટી પટેલની શોધખોળ માટે એલસીબી, એસઓજી, પેરોલ ફર્લો સ્ક્વોડ, ડભોઇ ડિવિઝનના સ્ટાફ અને કરજણ પોલીસ સહિત પોલીસની 5 ટીમે ઊંડી તપાસ શરૂ કરી છે. અવાવરૂ સ્થળો, ખેતરો, રેલવેટ્રેક સહિતનાં સ્થળે તથા સમગ્ર વિસ્તારના સીસીટીવી ફૂટેજ તેમજ સીડીઆરના આધારે તપાસ કરાઇ રહી છે. મંગળવારે પીઆઇ દેસાઇનો ગાંધીનગર ખાતે એફએસએલમાં એસડીએસ ટેસ્ટ કરાવાયો છે, જ્યારે પોલિગ્રાફ ટેસ્ટ અને નાર્કો ટેસ્ટ માટે મંજૂરીની આવશ્યકતા હોવાથી અરજી પણ કરાઇ છે.

સોશિયલ મીડિયા પર વેર ઇઝ માય મોમ પેજ બનાવ્યું
સોશિયલ મીડિયા પર વેર ઇઝ માય મોમ પેજ બનાવ્યું

પીઆઇનાં નિવેદનોની FSL દ્વારા ચકાસણી કરાઇ રહી છે
તેમણે જણાવ્યું હતું કે કોઇ એવી ઘટના બની હોય તો એ ચકાસવા પીઆઇ અજય દેસાઇના લેવાયેલાં નિવેદનોની એફએસએલ દ્વારા ચકાસણી કરાઇ રહી છે. સામાજિક કારણોસર વાત વધુ ફેલાય નહીં એ માટે પીઆઇ દેસાઇએ ફરિયાદ કરી ના હોવાનું પીઆઇએ તેમના નિવેદનમાં જણાવ્યું હતું.

એસડીએસ ટેસ્ટ શું છે?
વ્યક્તિના વર્તન તથા વર્તણૂકના આધારે એસડીએસ ટેસ્ટ ફોરેન્સિક વિભાગ દ્વારા કરવામાં આવે છે. પીઆઇ અજય દેસાઇએ પોલીસને આપેલાં નિવેદનોની સત્યતા ચકાસવા માટે ફોરેન્સિકમાં તેમને લઇ જઇને એસડીએસ ટેસ્ટ કરાવ્યો હતો. એના આધારે તપાસ શરૂ કરી હતી.

વડોદરા જિલ્લા SOGમાં ફરજ બજાવતા PIનાં પત્ની 1 માસ પહેલાં કરજણથી રહસ્યમય સંજોગોમાં ગુમ થઇ ગયાં હતાં.
વડોદરા જિલ્લા SOGમાં ફરજ બજાવતા PIનાં પત્ની 1 માસ પહેલાં કરજણથી રહસ્યમય સંજોગોમાં ગુમ થઇ ગયાં હતાં.

પોલીસની 5 ટીમ દ્વારા શોધખોળ, પતો ન મળ્યો
સમગ્ર કેસની તપાસ ડભોઇ ડિવિઝનના ડીવાયએસપી કલ્પેશ સોલંકીને સોંપાઈ છે. પોલીસની 5 ટીમે વિવિધ સ્થળોએ ઊંડી શોધખોળ શરૂ કરી હતી, પણ પોલીસને કોઈ નક્કર કડી મળી શકી ન હતી. ઝડપથી આ ગુનો ઉકેલાય એ માટે વડોદરા ગ્રામ્ય પોલીસ મહેનત કરી રહી હોવાનું જિલ્લા પોલીસવડા સુધીર કુમાર દેસાઇએ જણાવ્યું હતું.

વડોદરા જિલ્લાના સ્પેશિયલ ઓપરેશન ગ્રુપમાં ફરજ બજાવનારા પીઆઇ એ.એ.દેસાઇ
વડોદરા જિલ્લાના સ્પેશિયલ ઓપરેશન ગ્રુપમાં ફરજ બજાવનારા પીઆઇ એ.એ.દેસાઇ

પીઆઇ પત્નીને ઘરમાં બંધ કરીને જતા હોવાની ચર્ચા
કરજણના સ્થાનિક લોકોમાં ચર્ચાતી વિગતો મુજબ પીઆઇ દેસાઇ ઘરમાંથી બહાર જાય ત્યારે પત્નીને ઘરમાં બંધ કરીને જતા હતા. આ વાતની સત્યતા ચકાસવા પોલીસે તપાસ શરૂ કરી હતી. બંને વચ્ચે કયા પ્રકારના પ્રશ્નો ઉદભવ્યા હતા અને કેવો તણાવ રહેતો હતો એની તપાસ કરવામાં આવી રહી છે. તેમનાં સગાં અને મિત્રોની પણ પૂછપરછ કરાઇ રહી છે.