ભારતી આશ્રમ વિવાદ:ગુમ થયેલા મહામંડલેશ્વર સ્વામી હરિહરાનંદ વડોદરા પાસે હાઇવે પર ચાલતા જતા CCTVમાં કેદ, માહિતી આપનારને રિવોર્ડ અપાશે

વડોદરા15 દિવસ પહેલા
કપુરાઈ ચોકડી પાસે આવેલી હોટલ ક્રિષ્ના બહાર લાગેલા CCTVમાં સ્વામી હરિહરાનંદ કેદ થયા હતા.
  • હરિહરાનંદ બાપુનો એક વીડિયો પણ સોશિયલ મીડિયામાં વાઇરલ થયો હતો
  • મારી પાસે આશ્રમ માગે છે અને દબાણ કરે છેઃ હરિહરાનંદ ભારતીજી

ભારતી આશ્રમના મહંતસ્વામી હરિહરાનંદ ભારતીજી વડોદરાની કપુરાઈ ચોકડીથી ગુમ થયાની અરજી વાડી પોલીસ સ્ટેશનમાં નોંધાઈ છે. પોલીસે પણ તેમની શોધખોળ હાથ ધરી છે, ત્યારે ગુમ થયાની રાત્રે તેઓ કપુરાઈ ચોકડી નજીક આવેલી હોટલ ક્રિષ્ના બહાર લાગેલા CCTVમાં કેદ થયા છે. કેમેરામાં નજરે પડે છે કે તેઓ રોડ પર ચાલતા જઇ રહ્યા છે, જેથી હવે પોલીસે એ દિશામાં તપાસ શરૂ કરી છે. ઉલ્લેખનીય હરિહરાનંદ ભારતીનો આ સાથે જ એક વીડિયો પણ સોશિયલ મીડિયામાં વાઇરલ થયો છે, જેમાં તેઓ અમદાવાદના સરખેજની ગાદીના વિવાદને કારણે આશ્રમ છોડીને જઇ રહ્યા છે એવું જણાવી રહ્યા છે. માહિતી આપનારને રિવોર્ડ આપવાની જાહેરાત કરાઈ છે.

રિવોર્ડ રૂપે સન્માન અપાશે-પોલીસ
આ મામલે ક્રાઇમ બ્રાન્ચે 5 ટીમ બનાવી છે. તેમજ તેમના અંગે માહિતી આપનારને પણ ઇનામ આપવાની જાહેરાત કરવામાં આવી છે.વડોદરાના E ડિવિઝનના ACP જી. ડી. પલસાણાએ દિવ્યભાસ્કર ડિજિટલ સાથે ટેલિફોનિક વાતચીતમાં જણાવ્યું હતું કે, હરિહરાનંદ બાપુ વિશે માહિતી આપનારને રિવોર્ડ રૂપે પોલીસ દ્વારા સન્માન પત્ર આપવામાં આવશે.

અમદાવાદ મેડિકલ ચેકઅપ માટે ગયા હતા
પરમેશ્વર ભારતી (રહે. શ્રી ભારતી આશ્રમ, ગુરડેશ્નર, જિલ્લો નર્મદા)એ વડોદરાના વાડી પોલીસ સ્ટેશનમાં અરજી આપી છે કે અમારા આશ્રમના ગાદીપતિ શ્રી શ્રી 1008 મહામંડલેશ્વર સ્વામી શ્રી હરિહરાનંદ ભારતીજી મહારાજ ગત તા. 30 એપ્રિલ 2022ના રોજ બપોરના આશરે 12 વાગ્યે અમારા આશ્રમ કેવડિયાથી અમદાવાદ સિવિલ હોસ્પિટલની બાજુમાં આવેલી ડૉ. રવીન્દ્ર લોઢાની હોસ્પિટલમાં ચેકઅપ કરાવવા માટે નીકળ્યા હતા. ચેકઅપ કરાવી સાંજના આશરે સાડાપાંચ વાગ્યે કેવડિયા આશ્રમ ખાતે આવવા નીકળ્યા હતા.

વડોદરામાં અનુયાયીને ત્યાં રોકાયા બાદ રસ્તામાંથી ગુમ થયા
વડોદરા શહેરમાં રહેતા તેમના એક સેવક રાકેશભાઇ રસિકભાઇ ડોડિયા (રહે. રુદ્રાક્ષ હાઇટ્સ, કપુરાઇ ચોકડી પાસે) રાત્રિ ભોજન કરવા માટે ગયા હતા. જ્યાં રાત્રે આશરે નવ વાગ્યેને તેમણે કારેલીબાગ ખાસવાડી સ્મશાન ખાતે તેમના શિષ્ય કાળુ ભારતી પાસે જવાનું કહેતાં રાકેશભાઇ ડોડિયાએ હરિહરાનંદ મહારાજને કપુરાઇ ચોકડી પાસે આવેલી પોલીસ ચેકપોસ્ટની પાછળ હનુમાન દાદાની ડેરીએ કારમાંથી ઉતાર્યા હતા. ત્યાર બાદ રાકેશભાઇ તેમના ઘરે જતા રહ્યા હતા.

મહામંડલેશ્વર હરિહરાનંદ ભારતીજી મહારાજ.
મહામંડલેશ્વર હરિહરાનંદ ભારતીજી મહારાજ.

કોઈ આશ્રમમાં ભાળ ન મળી
બાદમાં હરિહરાનંદ મહારાજ ગઇકાલે તા. 1 મે 2022ની સવારે 10 વાગ્યા સુધી કેવડિયા આશ્રમે ન પહોંચતાં આ અંગે કાળુ ભારતીને ફોન કરી પૂછતાં તેમણે હરિહરાનંદ તેમને મળવા જ આવ્યા નથી તેમ જણાવ્યું હતું. જેથી રાકેશભાઇ ડોડિયાનો સંપર્ક કરતાં તેમણે જણાવ્યુ હતું કે તેમણે તો બાપુને કપુરાઇ ચેકપોસ્ટ પાસે કારમાંથી ઉતાર્યા હતા. બાદમાં તેમના વિશે કંઇ ખબર નથી. જેથી બાપુ અંગે જૂનાગઢ સહિતના વિવિધ આશ્રમોમાં તપાસ કરતાં હરિહરાનંદ ભારતીજીની કોઇ ભાળ મળી નથી.

કંટાળીને આશ્રમ છોડ્યાનો વીડિયો વાઇરલ
હરિહરાનંદ બાપુનો એક વીડિયો પણ સોશિયલ મીડિયામાં વાઇરલ થયો છે, જેમાં હરિહરાનંદ બાપુ કહે છે, ‘ભારતી આશ્રમ સરખેજનો ખૂબ વિવાદ થયો. એક વર્ષ થયું, મારા ગુરુ ભારતી બાપુ બ્રહ્મલીન થયા ત્યાર પછીથી સતત વિવાદ ચાલી રહ્યો છે. મારી પાસે આશ્રમ માગે છે, વિલ મારા નામે છે. મારી સામે ફ્રોડ (નકલી) વિલ બનાવ્યું. મને ખૂબ દબાણ કરવામાં આવ્યું છે. મારી પર યેન કેન પ્રકારેણ કીચડ ઊડ્યો અને ઉડાડે છે એવા માણસો તૈયાર કર્યા. માણસો પણ કીચડ ઉડાડી મને દબાણ કરે છે. તો હું કંટાળી ગયો છું અને મેં આ નિર્ણય લીધો છે કે હું આ છોડીને નીકળી જાઉં.’

વડોદરા પોલીસની ટીમ દ્વારા શોધખોળ શરૂ
વડોદરાના DCP ઝોન-3 હશપાલ જગાણિયાએ કહ્યું હતું કે ‘હરિહરાનંદ બાપુ ગુમ થવાની અરજી મળ્યા બાદ પોલીસની અલગ-અલગ ટીમ દ્વારા સીસીટીવી અને હ્યુમન ઇન્ટેલિજન્સ દ્વારા શોધખોળ શરૂ કરવામાં આવી છે. હાલ હરિહરાનંદના સોશિયલ મીડિયામાં વાઇરલ થયેલા વીડિયો કે તેમની ચિઠ્ઠી અંગે અમને કોઇ જાણ નથી. જો કોઇ આવી માહિતી આપશે તો અમે એ અંગે તપાસ કરીશું.’

અન્ય સમાચારો પણ છે...