ક્રાઇમ:મંદિરમાં લગ્નનું નાટક રચી 2 સંતાનોની માતા સાથે દુષ્કર્મ

વડોદરા11 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સોશિયલ મીડિયા પર સંપર્ક થયા બાદ પરિણીતાને જાળમાં ફસાવી
  • ​​​​​​​પીડિતાની મહિલા સંબંધીના પિતરાઇએ પણ દુષ્કર્મ કર્યાનો આક્ષેપ

શહેરના બાપોદ વિસ્તારમાં 4 વર્ષથી રહેતી મૂળ આગ્રાની 27 વર્ષીય 2 સંતાનની માતા સાથે સોશિયલ મીડિયા દ્વારા સંપર્ક કરી તેને હનુમાનજીના મંદિરે લઇ જઇ માંગમાં સિંદૂર ભરી મંગળસૂત્ર પહેરાવી યુવકે લગ્નનું નાટક કર્યું હતું અને તેને હોટલમાં લઇ જઇ 7 વખત દુષ્કર્મ કર્યું હતું. આ મામલામાં પીડિતાની મહિલા સંબંધીએ પણ યુવકને સાથ આપી ઠંડા પીણામાં કંઇક નાખીને તેને પીવડાવ્યું હતું અને માર માર્યો હતો. આ ઉપરાંત મહિલાના સંબંધીના પિતરાઇએ પણ પીડિતા સાથે એક વખત દુષ્કર્મ કર્યું હતું. મહિલાની ફરિયાદના આધારે બાપોદ પોલીસે ગુનો નોંધી એક શખ્સને ઝડપી લઇ તપાસ આદરી હતી.

પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું કે, 27 વર્ષીય મહિલા મૂળ આગ્રાની છે અને 4 વર્ષથી પતિ વડોદરાના બાપોદ વિસ્તારમાં ભાડેથી રહે છે. તેનો પતિ વડોદરામાં એમઆર તરીકે નોકરી કરે છે અને તેને 2 સંતાન પણ છે. એપ્રિલ માસમાં સોશિયલ મીડિયા દ્વારા તેનો પરિચય વડોદરામાં ખાનગી કંપનીમાં નોકરી કરતા તુષાર સોલંકી સાથે થયો હતો. તુષારે વીડિયો કોલ કરીને તેને ફ્રેન્ડશિપ કરવાની વાત કરી હતી.

જોકે મહિલાએ પોતે પરિણીત હોવાનું જણાવ્યું હતું છતાં બંને વચ્ચે વાતચીત થતી હતી. ત્યારબાદ મહિલાનો પતિ કામ માટે આગ્રા જતાં મહિલાની આગ્રામાં રહેતી સંબંધી પ્રિયંકા બ્રિજમોહન પણ મહિલાના ઘેર રહેવા આવી હતી અને તેના બીજા દિવસે પ્રિયંકાનો ફોઇનો પુત્ર પ્રકાશ પણ ત્યાં રહેવા આવ્યો હતો. તે વખતે પ્રિયંકાને મહિલાએ તુષાર મારી સાથે ફ્રેન્ડશિપ કરવા માગે છે અને મને ફોન કરી હેરાન કરે છે તેવી વાત કરી હતી. જેથી પ્રિયંકાએ મહિલાના ફોન પરથી તુષાર સાથે વાતચીત કરી તેને મહિલાના ઘેર બોલાવ્યો હતો. ત્યારબાદ પ્રિયંકાએ ઠંડા પીણાંમાં કંઇક નાખીને પીવડાવીને માર માર્યો હતો અને તુષારે તેની પર દુષ્કર્મ કર્યું હતું તથા વાઘોડિયા રોડની હોટલમાં લઇ જઇ 7થી 8 વખત દુષ્કર્મ કર્યું હતું.

જ્યારે પ્રિયંકાના ફોઇના પુત્રે પણ એકવાર દુષ્કર્મ કર્યું હતું. તુષાર મહિલાને હનુમાનજીના મંદિરે પણ લઇ ગયો હતો અને મહિલાની માંગમાં સિંદૂર ભરીને મંગળસૂત્ર પહેરાવ્યું હતું. ત્યારબાદ મહિલા અને તેનાં બાળકોને મારી નાખવાની ધમકી આપી હતી. મહિલાની ફરિયાદ બાદ બાપોદ પોલીસે ગુનો નોંધી તુષાર ઉર્ફે મહેશ હેમંત સોલંકી (ઉ.વ.37, વ્રજધામ સોસા. આજવા રોડ)ને ઝડપી લઇ તપાસ કરતાં તે પણ 2 સંતાનોનો પિતા હોવાનું બહાર આવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...