તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સારવાર:કોરોના બાદ બાળકોમાં MIS-C ગંભીર રોગે દેખા દીધી, 2 માસમાં 7ની સારવાર

વડોદરા4 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • બાળકોની આંખો લાલ થાય, હૃદય પર સોજો આવે તેમજ કોરોનાની એન્ટીબોડી પણ પોઝિટિવ આવે
  • આ રોગના ઇન્જેક્શનની કિંમત રૂ14 હજાર, સરકાર નિયંત્રણમાં લે તો રૂ8500માં મળી શકે

છેલ્લા 10 દિવસથી ગુજરાતનાં વિવિધ શહેરોમાં કોરોના બાદ બાળકોમાં જોવા મળતા રોગ એમઆઇએસ-સી (મલ્ટી ઇન્ફ્લેમેટ્રી સિન્ડ્રોમ-ચાઇલ્ડહૂડ)ના કેસો વડોદરાની એસએસજી હોસ્પિટલમાં પણ જોવા મળ્યા છે. હોસ્પિટલના જણાવ્યા મુજબ માર્ચ મહિનાથી અત્યાર સુધી હોસ્પિટલમાં 7 કેસ આવ્યા છે. આ રોગમાં બાળકની આંખો લાલ થઇ જાય છે, હૃદય પર સોજા આવી જાય છે અને દર્દીમાં કોરોનાની એન્ટીબોડી પણ પોઝિટિવ આવે છે.

આ રોગની સારવારમાં કોરોનાની જેમ જ સ્ટિરોઇડ અને લોહી પાતળું થવાનાં ઇન્જેક્શન અપાય છે, પણ સૌથી વધુ અસરકારક ઇમ્યુનોગ્લોબ્યુલિન ઇન્જેક્શન્સ હોય છે. હાલમાં વડોદરામાં ઇન્ટાસ, બાયકોન, ડેક્સ્ટર, પ્લાઝમાઝેન, ઇન્ડિયાબુલ્સ અને ફ્યુઝન સહિતની 9 કંપની આ ઇન્જેક્શન મોકલે છે. આ સપ્લાય સીધો ખાનગી હોસ્પિટલોને જાય છે. એક દર્દીને આ 10થી 15 ઇન્જેક્શનની જરૂર પડતી હોય છે.

આ વિશે ગુજરાત કેમિસ્ટ એન્ડ ડ્રગિસ્ટ અસોસિયેશનના ઉપપ્રમુખ અલ્કેશ પટેલે જણાવ્યું કે, હાલમાં આ રોગના ઇન્જેક્શનની પ્રિન્ટેડ કિંમત એમઆરપી રૂ. 15 હજારથી રૂ.18 હજાર હોય છે. રેમડેસિવિર અને એમ્ફોટેરિસિન-બી ઇન્જેક્શનની જેમ જો આ ઇન્જેક્શનનું નિયંત્રણ પણ સરકાર લઇ લે અને કિંમત ઘટાડે તો આગામી દિવસોમાં આ રોગનાં ઇન્જેક્શનો રૂ.8500માં મળી શકે તેમ છે. કારણ કે હોસ્પિટલોને આ ઇન્જેક્શન રૂ.6 હજારથી રૂ.8,500ના ભાવે જ અપાય છે.

તબીબોએ કલેક્ટર સમક્ષ રજૂઆત કરી હતી
2 દિવસ અગાઉ કલેક્ટર શાલિની અગ્રવાલના વડપણ હેઠળ વડોદરાના પીડિયાટ્રિશિયન્સની જે બેઠક યોજાઇ હતી, તેમાં તબીબોએ એમઆઇએસ-સીનાં ઇન્જેક્શનનો પુરવઠો ખાનગી હોસ્પિટલમાં પૂરતો મળી રહે તે માટે વિશેષ અનુરોધ કરવામાં આવ્યો હતો. એક તબીબે જણાવ્યું કે, ‘દર્દી દાખલ થયા બાદ ઇન્જેક્શન ન મળે તો તેના પરિવાર જ નહીં તબીબો અને હોસ્પિટલોની હાલત પણ કફોડી થઇ જાય છે.

અત્યાર સુધી SSGમાં 27 કેસ આવ્યા છે : ડો. ઐયર
એસએસજી હોસ્પિટલનાં બાળરોગ વિશેષજ્ઞ ડો. શીલા ઐયરે જણાવ્યું કે, ‘આ રોગમાં શરીરે લાલ ચાઠાં પડી જાય છે, બાળકની આંખો લાલ થઇ જાય છે. આ ઉપરાંત હૃદય પર સોજા આવે છે. કોરોનાના એન્ટીબોડી પોઝિટિવ આવે છે, જેના લીધે દર્દીની હાલત કફોડી થઇ જાય છે. એસએસજીમાં પહેલો કેસ કોરોનાના ગત વેવ દરમિયાન ઓગસ્ટ મહિનામાં આવ્યો હતો ત્યારથી આજ દિન સુધી એસએસજીમાં જ 27 કેસો આવી ગયા છે.’

મ્યુકોરમાઇકોસીસના વધુ 10 કેસ નોંધાયા
શહેરમાં મ્યુકોરમાઇકોસીસના નવા 10 કેસ નોંધાયા હતા. મંગળવારે 34 ઓપરેશન કરવામાં આવ્યા હતા. જોકે આજે 7 દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા હતા. સયાજી હોસ્પિટલમાં દાખલ દર્દીઓમાંથી 19 દર્દીઓના ઓપરેશન કરવામાં આવ્યા હતા. જયારે 20 દર્દીઓની બાયોપ્સીને લેબોરેટરીમાં તપાસ અર્થે મોકલવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...