રાજ- કારણ:મંત્રી યોગેશ પટેલે ઓફિસ ખાલી કરી, પહેલીવાર મહિલાને મંત્રી પદની શક્યતા

વડોદરાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
ફાઈલ તસ્વીર - Divya Bhaskar
ફાઈલ તસ્વીર
  • યોગેશ પટેલ સહિતના નારાજ મંત્રીઓની પૂર્વ CM રૂપાણીના બંગલે બેઠક
  • જ્ઞાતિના ચોકઠામાં કેતન ઇનામદાર ફાવે તેવું ગણિત : વિધાનસભાના અધ્યક્ષ પણ રેસમાં

રાજ્યોના નવા મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના મંત્રી મંડળમાં નો રિપીટ થિયરી પર ભાર મૂકવામાં આવતાં સાત ટર્મના ધારાસભ્ય યોગેશ પટેલને અઢી વર્ષમાં જ મંત્રી પદ ગુમાવવું પડશે. યોગેશ પટેલેે ઓફિસ ખાલી કરી સરકારી કાર પણ સોંપી દીધી હતી. વડોદરામાંથી પ્રથમ વખત મહિલા ધારાસભ્ય મનીષા બહેન વકીલનો મંત્રીમંડળમાં સમાવેશ થાય તેવી શક્યતા જોવામાં આવી રહી છે.સાવલી ધારાસભ્ય કેતન ઇનામદાર પણ પ્રબળ દાવેદાર મનાય છે.

રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીના રાજીનામાંથી રાજકીય મોરચે ભૂકંપ સર્જાયો હતો.આ સ્થિતિમાં નવા મુખ્યમંત્રી તરીકે ભુપેન્દ્ર પટેલની વરણી થઇ છે અને વિધાનસભાની ચૂંટણી પૂર્વેના મંત્રીમંડળમાં નો રિપીટ થિયરી અંગેની ભાજપ મોવડી મંડળે રણનીતિ અમલમાં મૂકવાનો સ્પષ્ટ સંકેત આપી દેતાં ભાજપમાં છૂપો અસંતોષ ફાટી નીકળ્યો છે. બુધવારે સવારે 10 વાગ્યા સુધીમાં વડોદરા સહિતના તમામ શહેર જિલ્લાના ભાજપના ધારાસભ્યોને ગાંધીનગર પહોંચવાનું ફરમાન મળ્યું હતું અને તેના કારણે તમામ ધારાસભ્યો ગાંધીનગર પહોંચી ગયા હતા.

રૂપાણી સરકારમાં વડોદરાનું પ્રતિનિધિત્વ કરતાં રાજ્યકક્ષાના મંત્રી યોગેશ પટેલને પણ અન્ય મંત્રીઓની જેમ રિપીટ કરવાના નથી તેવી જાણ કરવામાં આવી હતી તેમજ તેમની સચિવાયલની ઓફિસ પણ ખાલી કરવાની સૂચના પણ આપી દેવાઇ હતી. જેના પગલે તેમણે કાર પરત કરી ઓફિસ ખાલી કરી દીધી હતી અને ગુરુવારે બંગલો પણ ખાલી કરી દેશે તેવું જાણવા મળ્યું છે. ભુપેન્દ્ર પટેલના મંત્રીમંડળની શપથવિધિ બુધવારે કરવાનું નક્કી પણ થયું હતું પરંતુ નો રિપીટ થિયરીમાં પૂર્વ મંત્રીઓમાં વ્યાપેલી નારાજગીથી ભડકો થયો હતો.

પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીના ઘરે નારાજ મંત્રીઓનો કાફલો પહોંચ્યો હતો અને તેમાં યોગેશ પટેલનો પણ સમાવેશ થતો હતો.બીજી તરફ, વડોદરામાંથી પ્રથમ વખત મહિલા ધારાસભ્યનો સમાવેશ નવા મંત્રીમંડળમાં થાય તેવી શક્યતા જોવામાં આવી છે. જેમાં મનીષા વકીલ પ્રબળ દાવેદાર ગણાય છે. વિધાનસભાના અધ્યક્ષ અને રાવપુરાના ધારાસભ્ય રાજેન્દ્ર ત્રિવેદીના નામની પણ ચર્ચા થઈ રહી છે. છેલ્લા ચાર વર્ષમાં પ્રથમ વખત જિલ્લાના ધારાસભ્યનો સમાવેશ મંત્રીમંડળમાં કરવાની રણનીતિ પણ અમલમાં મુકવામાં આવી છે અને તે મુજબ ઓબીસી કેટેગરીમાંથી સાવલીના કેતન ઇનામદારનું નામ પણ લગભગ ફાઇનલ હોવાનું મનાઈ રહ્યું છે.

અન્ય સમાચારો પણ છે...