વડોદરા PI પત્ની ગુમ કેસ:ગૃહરાજ્યમંત્રી પ્રદિપસિંહ જાડેજાએ સ્વીટી પટેલ કેસની તપાસ અમદાવાદ શહેર ક્રાઈમ બ્રાન્ચ અને ATSને સોંપી

વડોદરા3 મહિનો પહેલા
પીઆઇ એ.એ. દેસાઈની પત્ની સ્વીટી મહેન્દ્ર પટેલ 43 દિવસથી રહસ્યમય રીતે ગુમ
  • ગૃહરાજ્યમંત્રી પ્રદિપસિંહ જાડેજાએ સ્વીટી પટેલ કેસની તપાસ અમદાવાદ શહેર ક્રાઈમ બ્રાન્ચ અને ATSને સોંપી

ગૃહ રાજ્યમંત્રી પ્રદિપસિંહ જાડેજાએ વડોદરા જિલ્લાના ચકચારી સ્વીટી પટેલ ગુમ થયાના કેસની તપાસ અમદાવાદ શહેર ક્રાઈમ બ્રાંચ અને રાજ્ય એટીએસને સોંપવાની જાહેરાત કરી હતી. તેમણે ઉમેર્યુ કે, ટેકનિકલ અને એફએસએલની મદદની આધારે આ કેસની તપાસ કરવામાં આવી રહી છે. તેમજ શંકાસ્પદ વ્યક્તિઓની પુછપરછ ઉપરાંત આવશ્યકતા અનુસાર શંકાસ્પદ લોકોના એસડીએસ, પોલીગ્રાફ અને નાર્કો ટેસ્ટ કરવાની કાર્યવાહી કરવામાં આવી રહી છે. વડોદરા શહેરની મુલાકાત દરમિયાન ગૃહ રાજ્યમંત્રી શ્રી પ્રદિપસિંહ જાડેજાએ શહેર કાયદો અને વ્યવસ્થાની પદાધિકારીશ્રીઓ અને પોલીસ અધિકારીઓ સાથે સમીક્ષા કરવાની સાથે શી ટીમના કાઉન્સિંલિગ એન્ડ ટ્રેનિંગ સેન્ટરનો શુભારંભ કરાવ્યો છે.

પોલીસ હવે રિપોર્ટની રાહ જોઇને બેઠી છે
પીઆઇ એ.એ. દેસાઈની પત્ની સ્વીટી મહેન્દ્ર પટેલ 43 દિવસથી રહસ્યમય રીતે ગુમ થતાં સર્ચ ઓપરેશન શરૂ કરાયું હતું. જેમાં દહેજ પાસેના અટાલી નજીક 3 માળની અવાવરુ બિલ્ડિંગની અંદર તથા પાછળના ભાગેથી સળગેલી હાલતમાં હાડકાં મળ્યાં હતાં. ત્યારબાદ પોલીસે એસડીએસ તથા પોલિગ્રાફી ટેસ્ટ કર્યાં હતા. આ ઉપરાંત ડીએનએ ટેસ્ટ પણ કર્યાં હતા. જેના રિપોર્ટની પોલીસ રાહ જોઇ રહી છે.

ગૃહ રાજ્યમંત્રી પ્રદિપસિંહ જાડેજાએ તપાસ અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ અને ATSને સોંપી
ગૃહ રાજ્યમંત્રી પ્રદિપસિંહ જાડેજાએ તપાસ અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ અને ATSને સોંપી

સ્વીટીના પૂર્વ પતિની પણ પૂછપરછ કરાઇ
આ દરમિયાન પોલીસે ઓસ્ટ્રેલિયામાં રહેતા ક્રિકેટર હાર્દિક પંડ્યાના પિતરાઇ અને સ્વીટી પટેલના પૂર્વ પતિની ઓનલાઇન પૂછપરછ કરી હતી. જેમાં પોલીસે બંને ક્યારે સંપર્કમાં આવ્યા અને ક્યારે બંનેના છુટાછેડા થયા સહિતના પ્રશ્નો કર્યાં હતા અને પોલીસે સ્વીટી પટેલના 17 વર્ષના પુત્ર રિધમને પણ કેટલાક પ્રશ્નો કર્યાં હતા અને તેની વીડિયોગ્રાફી પણ કરી હોવાનું જાણવા મળ્યું છે. હેતસે જણાવ્યું હતું કે, સ્વીટી પટેલ કેસમાં તેમને હજુ સુધી કોઇ જાણકારી મળી નથી. તેઓ ઓસ્ટ્રેલિયા કે, વિદેશમાં કોઇ સ્થળે ગયા હોવા બાબતે પણ તેમણે ઇન્કાર કર્યો હતો અને જણાવ્યું હતું કે, તેમની જાણકારી મુજબ સ્વીટી પટેલનો પાસપોર્ટ રિન્યુ થયો જ નથી તો તે વિદેશ કઇ રીતે જઇ શકે.

અવાવરુ બિલ્ડિંગની અંદર તથા પાછળના ભાગેથી સળગેલા હાડકાં મળ્યાં હતાં
અવાવરુ બિલ્ડિંગની અંદર તથા પાછળના ભાગેથી સળગેલા હાડકાં મળ્યાં હતાં

પીઆઇ અને સ્વીટીની વોટ્સએપ ચેટના અંશો પોલીસના હાથે લાગ્યા
પોલીસે સ્વીટીના મોબાઇલમાંથી કેટલીક વિગતો મેળવવાના પ્રયાસો હાથ ધર્યા છે, ત્યારે પીઆઇ અને સ્વીટીની વોટ્સએપ ચેટના કેટલાક અંશો પોલીસના હાથે લાગ્યા છે. પોલીસને હાથ લાગેલી વોટ્સએપ ચેટમાં સ્વીટી પીઆઇને કહે છે કે, હું જતી રહીશ, મરી જઇશ. પોલીસે મોબાઇલની વોટ્સએપ ચેટને આધારે વધુ તપાસ શરૂ કરી છે.

મંગળવાર રાતથી પીઆઇ દેસાઇનો પોલિગ્રાફ ટેસ્ટ શરૂ
સ્વીટી પટેલના ગુમ થવાના ચકચારી પ્રકરણની તપાસ કરી રહેલી જિલ્લા પોલીસે પીઆઇ એ.એ.દેસાઇના પોલિગ્રાફ અને નાર્કો ટેસ્ટ કરાવાની મંજૂરી મેળવ્યા બાદ મંગળવારે પીઆઇ દેસાઇના ગાંધીનગર એફએસએલ ખાતે પોલિગ્રાફ ટેસ્ટ કરાવા માટે લઇ જવાયા હતા. જ્યાં રાતથી જ પોલિગ્રાફ ટેસ્ટ કરાવાયો હતો અને બુધવારે પણ આ પ્રક્રિયા ચાલુ જ હોવાનું પોલીસ સુત્રોએ જણાવ્યું હતું. આગામી દિવસોમાં પીઆઇનો નાર્કો ટેસ્ટ પણ કરાવાશે.

શી ટીમ પ્રોજેક્ટને રાજ્યભરમાં લાગુ કરાશે
પ્રદિપસિંહ જાડેજાએ રવિવારે સાંજે પોલીસ ભવનના ભોંયતળીયે બનાવાયેલા શહેર પોલીસના શી ટીમ કાઉન્સેલિંગ સેન્ટરનું ઉદઘાટન કર્યું હતું. તેમણે શી ટીમ દ્વારા મહિલાઓની કરાતી સતામણી-હેરાનગતિ તથા બાળકોની સતામણી-હેરાનગતિના કિસ્સાઓમાં કરવામાં આવતી મદદ અને સિનિયર સિટીઝન્સને પણ કરવામાં આવતી મદદની સરાહના કરી હતી.

તેમણે જણાવ્યું હતું કે, વડોદરા પોલીસ કમિશનરને હું અભિનંદન પાઠવું છું, તેમણે આ નવો પ્રોજેકટ બનાવ્યો છે અને સરકારના તમામ પોલીસ કમિશનરેટ અને જિલ્લાઓમાં આ પ્રોજેકટનું પ્રેઝન્ટેશન કરાવી રાજ્યમાં આ પ્રક્રિયામાં પોલીસ સક્રિયતાથી કામ કરે તે માટે આ મોડેલ રજૂ કરાશે.

ધર્માંતરણ - લવ જેહાદના મુદ્દાની ઊંડી તપાસ
ગૃહ રાજ્યમંત્રીએ જણાવ્યું હતું કે, રાજ્ય સરકારે રાજ્યમાં ધર્મ પરિવર્તનની નિશ્ચિત પ્રક્રિયા અને તેનું ઉલ્લંઘન ના થાય તે માટે ધર્મ સ્વાતંત્ર્ય વિધેયક દ્વારા કામગીરી કરી રહી છે. રાજ્યમાં કેટલાક લોકો લગ્ન કરાવી છેતરી અન્ય નામ ધારણ કરી ધર્મ પરિવર્તન કરાવાના કિસ્સા ધ્યાનમાં આવતા લવ જેહાદનો કાયદો પસાર કરાયો હતો અને તેનો પહેલો કેસ વડોદરા પોલીસ દ્વારા દાખલ કરાયો હતો.

ધર્મ પરિવર્તન માટે ગુજરાત 2003થી અત્યાર સુધી સતત કાર્યરત છે. વધુમાં રાજ્ય સરકારની લવ જેહાદ, લેન્ડ ગ્રેબિંગ અને એનડીપીસીએસ એક્ટ હેઠળ નશા ખોરીનું પ્રમાણ અટકાવવા રાજ્ય સરકારની પ્રતિબદ્ધતા છે અને તેમાં થયેલી કામગીરીની પણ સમીક્ષા કરાઇ હતી.

રિકવરી એજન્ટો સામે ફરિયાદ મળશે તો કાર્યવાહી
ધારાસભ્યોએ કરેલી રજુઆતને અનુલક્ષીને તેમણે જણાવ્યું કે,લોન ની વસુલાત માટે દાદાગીરી કરનારા રિકવરી એજન્ટો સામે નાગરિકો ની ફરિયાદ મળેથી ગુનો નોંધવામાં આવશે. અકોટા દાંડિયા બજાર બ્રિજ પર સર્વેલન્સ સહિતની રજૂઆતોમાં યોગ્ય કાર્યવાહી કરવા સૂચના આપી હતી.

તેમણે નકલી રેમદેસિવિર, નકલી સેનેટાઈઝર બનાવવાના ગુનાઓનો પર્દાફાશ કરનારા,ઓકસીજન સિલિન્ડરના કાળાબજાર રોકવા, સીસીટીવીના આધારે અછોડાતોડોને ઝડપવા, સાયબર ક્રાઇમમાં સંડોવાયેલી વિદેશી ગેંગ ને ઝડપવા, આંતરરાષ્ટ્રીય ડ્રગ માફિયાને પાછો લાવવા સહિતની પ્રસંશનીય કામગીરી કરનારા ડીસીપી ક્રાઇમ જયદીપસિંહ જાડેજા અને એસીપી અમિતા વાનાની સહિત અધિકારીઓ અને જવાનોનું સન્માન કર્યું હતું.

અકોટા, અટલાદરા સહિત 4 નવાં પોલીસ સ્ટેશન બનશે
વડોદરા | ગૃહ મંત્રીએ ધારાસભ્યો સાથે યોજેલી બેઠક બાદ જાહેરાત કરી હતી કે, વડોદરા શહેરમાં 4 નવાં પોલીસ સ્ટેશન બનશે. 2.63 કરોડના ખર્ચે કુંભારવાડા પોલીસ સ્ટેશન, ગોત્રી પોલીસ સ્ટેશનનું વિભાજન કરીને અકોટા પોલીસ સ્ટેશન, માંજલપુર પોલીસ સ્ટેશનનું વિભાજન કરીને અટલાદરા પોલીસ સ્ટેશન તથા બાપોદ, પાણીગેટ અને મકરપુરા પોલીસ સ્ટેશનનું વિભાજન કરીને નવું કપુરાઇ પોલીસ સ્ટેશન બનાવાશે. શહેરમાં હાલ નવા 171 સીસીટીવી લગાવાશે તથા નવા 650 કેમેરા લગાવાશે. પોલીસને 33 બોલેરો, 52 બાઇક અને 2.78 કરોડનાં નવાં સાધનો પણ અપાશે.

અન્ય સમાચારો પણ છે...