આત્મનિર્ભર ગ્રામ યાત્રા:ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી આવતીકાલે વડોદરાના સોખડાથી આત્મનિર્ભર ગ્રામ યાત્રા રથને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવશે

વડોદરા12 દિવસ પહેલા
  • કૉપી લિંક
ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવી(ફાઇલ તસવીર) - Divya Bhaskar
ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવી(ફાઇલ તસવીર)
  • વડોદરા જિલ્લામાં 31.23 કરોડના 2378 વિકાસ કામોના ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરાશે

ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવીની ઉપસ્થિતિમાં આવતીકાલે વડોદરા નજીક સોખડા ખાતેથી રાજ્ય સરકાર દ્વારા આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત આત્મ નિર્ભર ગ્રામ યાત્રાનો પ્રારંભ થશે. આ ગ્રામ યાત્રા વડોદરા જિલ્લા પંચાયતની બેઠક પ્રમાણે સતત ત્રણ દિવસ સુધી ફરશે અને સરકારની યોજનાઓની માહિતી ઘરઘર સુધી પહોંચાડશે. તેની સાથે, ગ્રામીણ વિસ્તારોની સર્વાંગીણ ઉન્નતિ માટે કુલ રૂ. 31.23 કરોડના 2378 વિકાસ કામોના ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરવામાં આવશે.

આત્મ નિર્ભર ગ્રામ યાત્રા માટે કુલ ત્રણ ડિઝીટલ રથ તૈયાર કરવામાં આવ્યા છે અને તે ત્રણ રૂટ ઉપર જિલ્લા પંચાયતની 34 બેઠકો ઉપર સવાર સાંજ એમ બે પ્રહરમાં ફરશે. સવારે 8થી 12 અને સાંજે 4થી 8 એમ એક રથ દ્વારા કુલ બે બેઠકો ઉપર કાર્યક્રમો યોજાશે. આ યાત્રા અંતર્ગત યોજાનારા વિવિધ કાર્યક્રમોમાં જુદા જુદા ગામોમાં રમતગમત તેમજ વકૃત્વ સ્પર્ધાનું આયોજન કરાશે. સ્વચ્છ ભારત મીશન અંતર્ગત ગામેગામ સ્વચ્છતા અભિયાન ચલાવાશે.

આ ઉપરાંત પોષણયુક્ત ગુજરાત અંગે સગર્ભા, ધાત્રી માતાઓ, કિશોરીઓ, 3 વર્ષ સુધીનાં બાળકો, 3 થી 5 વર્ષના બાળકો માટે પૌષ્ટિક અને આરોગ્યપ્રદ આહાર અંગેની સમજ, પ્રાકૃતિક ખેતી, સજીવ ખેતી, બાગાયતી ખેતી અંગેની સમજ, વૈજ્ઞાનિક પધ્ધતિથી પશુપાલન અંગેની સમજ, પશુ રસીકરણ, કૃત્રિમ વીર્યદાન, પર્યાવરણ જાગૃતિ, વૃક્ષારોપણ, પ્લાસ્ટિક વેસ્ટ મેનેજમેન્ટ અંગેની જરૂરિયાત અંગે સમજ આપવામાં આવશે.

આ ત્રણ દિવસ દરમિયાન વડોદરા જિલ્લામાં કુલ રૂ. 31.23કરોડના 2378 વિકાસ કામોના ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરવામાં આવશે. જેમાં રૂ. 1.45 કરોડની કિંમતના 126 આવાસો, મનરેગાના રૂ. 5.72 કરોડના 1639 કામો, માર્ગોના 6.98 કરોડના 12 કામો, વાસ્મોના રૂ. 5.51 કરોડના 21 યોજનાકીય કામો, 14માં નાણાપંચના રૂ. 8.73 કરોડના 550 વિકાસ કામોના ખાતમુહૂર્ત અને લોકાર્પણ સહિત વાંકાનેર ખાતે રૂ. 16 લાખના ખર્ચથી નિર્મિત હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટરનું લોકાર્પણ કરવામાં આવશે. આ રથના કાર્યક્રમોમાં જિલ્લા અને તાલુકા કક્ષાના પદાધિકારીઓ અને અધિકારીઓ ઉપસ્થિત રહેશે.

અન્ય સમાચારો પણ છે...