ગેરકાયદે ખનન:રેતી માફિયાને રંગેહાથ પકડવા ખાણ ખનીજની ટીમ આખી રાત ડમ્પરમાં સંતાઈ રહી,મળસ્કે દરોડો પાડ્યો

વડોદરા16 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ડેસરના ગુલાબપુરામાંથી 9 ડમ્પર અને 1 લોડર સહિત 50 લાખનો મુદ્દામાલ જપ્ત

ગુલાબપુરામાં ગેરકાયદે રેતી ખનનને ઝડપી લેવા ખાણ-ખનીજ વિભાગે ફિલ્મી સ્ટાઈલમાં દરોડો પાડી 9 ડમ્પર અને 1 લોડર ઝડપી પાડ્યું હતું. દરોડો સફળ બનાવવા 4 કર્મીની ટીમ ડમ્પરમાં પહોંચી હતી. આખી રાત ડમ્પરમાં વિતાવ્યા બાદ પરોઢે ખનન ચાલુ થતાં ટીમે દરોડો પાડતા ભૂમાફિયા ચોંકી ગયા હતા.

ખાણ-ખનીજના અધિકારીઓના જણાવ્યા અનુસાર ડેસરના ગુલાબપુરામાં 2 મહિનાથી ભૂમાફિયા દ્વારા રેતી ખનન કરાતું હોવાની બાતમી હતી. જોકે જ્યારે દરોડો પાડવા જઈએ તે પહેલાં તેમને માહિતી મળી જતી અને તે દિવસે ખનન કરાતું ન હતું. ગુલાબપુરા ખાતે કરણ નદી છે અને કોતરોની ઉપર ખેતરો છે, જ્યાં ભૂમાફિયાઓએ ખાડા ખોદી રાખ્યા છે. રાતે નદીમાંથી રેતીનું ખનન કરી ખેતરોના ખાડામાં ભરી દીધા બાદ તેની પર માટી પાથરી દેતા હતા, જેનાથી કોઈને શંકા જાય નહીં. ત્યારબાદ દિવસમાં ટ્રકમાં રેતી લઈ જતા હતા. ભૂમાફિયાઓને પકડવા ખાણ-ખનીજ વિભાગની ટીમના 4 સભ્યો હાલોલ તરફ રવાના થયા. હાલોલમાં પહેલેથી જ એક ડમ્પરને સાધી રાખ્યું હતું. જેમાં ચારેય કર્મચારી સવાર થઈ ગુલાબપુરા પહોંચી ગયા હતા. સૂત્રો અનુસાર ભૂમાફિયાના ખબરી કુબેરભવનની નીચે અડ્ડો જમાવતા હોય છે અને ટીમ ઓફિસની બહાર નીકળે એટલે ભૂમાફિયાને એલર્ટ કરી દેતા હોય છે. આ જ કારણોસર ગુલાબપુરા ખાતે ભૂમાફિયાને જાણ હતી કે, રવિવારે દરોડો પડવાનો છે, જેથી કોઈ કામગીરી શરૂ કરી ન હતી. બીજી તરફ કર્મીઓ આખી રાત ડમ્પરમાં સૂઈ રહ્યા હતા. સવારના 4 વાગતાં ભૂમાફિયાઓને લાગ્યું કે દરોડો નહીં પડે એટલે કામગીરી શરૂ કરતાં ટીમ ત્રાટકી 9 ડમ્પર અને 1 લોડર મળીને 50 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો.

કરજણમાં 2 ડમ્પર-1 લોડર પકડાયું
ખાણ-ખનીજ વિભાગે સોમવારના રોજ પણ કરજણ તાલુકાના કોઠિયા ગામે નર્મદા નદીના સામે કિનારે ચાલતા ગેરકાયદેર ખનન પર દરોડો પાડીને 2 ડમ્પરો અને 1 લોડર મશીન ઝડપી પાડ્યું છે. દરોડાની આગળની કાર્યવાહી સોમવારે મોડી રાત સુધી ચાલુ રહી હતી.

મુખ્ય આરોપીને શોધવાના બાકી
ગુલાબપુરા કેસમાં ગેરકાયદે રેતીનું ખનન કરનારા મુખ્ય આરોપીઓ કોણ છે તે અંગે શોધખોળ ચાલુ છે. જ્યારે સ્થળ પર કેટલું ગેરકાયદે ખનન થયું છે તે અંગે માપણી કરવાની બાકી છે. > નિરવ બારોટ, ભૂસ્તરશાસ્ત્રી

અન્ય સમાચારો પણ છે...