પંચમહાલ જિલ્લાના શહેરા તાલુકાના ભુરખલ ગામમાં માનસિક વિકલાંગ પતિએ નિંદ્રાધીન પત્ની ઉપર ધારિયાથી હુમલો કર્યાં બાદ પોતાના ગળામાં દાતરડા વડે ઇજા પહોંચાડી હતી. ઇજાગ્રસ્તોને સયાજી હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા. જ્યાં પતિનું મોત નિપજ્યું હતું. જ્યારે પત્નીને સારવાર આપવામાં આવી રહી છે.
પતિ અર્ધનગ્ન હાલતમાં ફરતો હતો
પંચમહાલ જિલ્લાના શહેરા તાલુકાના ભુરખલ ગામમાં શાંતિલાલ અનખનલાલ પરમાર તેના પરિવાર સાથે રહેતો હતો અને ખેત મજૂરી કરતો હતો. તેણે કેટલાક સમયથી માનસિક સમતુલા ગુમાવી દીધી હતી. જેથી તે ગામમાં પણ અર્ધનગ્ન જેવી હાલતમાં ફર્યા કરતો હતો અને પરિવારને પણ પરેશાન કરતો હતો.
પતિએ સવારે પત્ની પર હુમલો કર્યો
આજે વહેલી સવારે ઊઠ્યો હતો. તે વખતે ઘરમાં પડેલું ધારીયુ તેના હાથમાં આવી ગયું હતું. અસ્થિર મગજના શાતિલાલે આવેશમાં આવી નિંદ્રાધીન પત્ની ઉપર હુમલો કર્યો હતો. આ હુમલામાં પત્ની કૈલાશબેન પરમારને માથામાં ગંભીર ઇજા પહોંચી હતી. ઘા વાગતા ઊંઘમાંથી જાગેલી પત્નીએ બૂમાબૂમ કરતા તેનો પુત્ર ઉઠીને દોડી આવ્યો હતો. અને પોતાની માતાને ગંભીર હાલતમાં જોઇને તેના પિતાને પકડવા દોડ્યો હતો.
પતિએ પોતાના ગળાના ભાગે દાતરડાનો ઘા મારી દીધો
જોકે પુત્રના હાથમાં પિતા શાંતિલાલ પરમાર આવે તે પહેલાં પિતાએ પણ પોતાની જાતે જ ગળાના ભાગે દાતરડાનો ઘા મારી દીધો હતો. જેમાં તેનું ગળુ કપાઈ ગયું હતું. દરમિયાન, ઇજાગ્રસ્ત પતિ-પત્નીને સારવાર માટે ગોધરા સિવિલ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. જ્યાં ફરજ પરના તબીબોએ પ્રાથમિક સારવાર આપી વધુ સારવાર માટે દંપતીને વડોદરા સયાજી હોસ્પિટલમાં રિફર કર્યાં હતા. જેમાં શાંતિલાલ અનખનભાઇ પરમારને મૃત જાહેર કરવામાં આવ્યા હતા. જ્યારે તેમના પત્ની કૈલાશબેન શાંતિલાલ પરમારની સારવાર હાથ ધરી હતી. જ્યાં તેની પણ હાલત ગંભીર હોવાનું તબીબોએ જણાવ્યું હતું.
બે વર્ષ પહેલા પણ પતિએ પત્ની પર કુહાડીથી હુમલો કર્યો હતો
છેલ્લા 3 દિવસથી પતિ તેની પત્નીની પાછળ-પાછળ ફરતો હતો. તેવુ પણ પોલીસ તપાસમાં જાણવા મળ્યું છે. વડોદરા પોલીસ દ્વારા આ બનાવની જાણ શહેરા પોલીસને કરવામાં આવતા પોલીસ દોડી આવી હતી અને ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. 2 વર્ષ પહેલા પણ પતિએ પત્ની પર કુહાડી વડે હુમલો કર્યો હતો. તે વખતે પણ પત્ની બચી ગઇ હતી.
મારા માતા પિતા લોહી લુહાણ હાલતમાં પડેલા હતા
10 દિવસથી મારા પિતાજીની માનસિક સ્થિતિ સારી ન હતી,મંગળવારે સવારે માતાની બૂમાબૂમ સાંભળતા ઘરના આગળના ભાગનો દરવાજો ખોલવા જતા સ્ટોપર મારેલી હતી. પાછળના ભાગે પતરાનો દરવાજો તોડી હું અને કાકા અંદર પ્રવેશ કર્યો હતો તો મમ્મી લોહીલૂહાણ પડેલા હતા.માથા તેમજ હાથના ભાગે ઈજા મળી હતી. તો થોડે દૂર પિતાએ તેઓના ભાગે પાળિયું ફેરવી દેતા તેઓ પણ લોહીલૂહાણ પડેલા હતા. તાત્કાલિક ગોધરા સિવિલ લઈ ગયા હતા - સંજય શાંતિલાલ પરમાર, પ્રત્યક્ષદર્શી,મૃતક-ઈજાગ્રસ્તનો પુત્ર
માનસિક અસ્વસ્થતાના કારણે ઘટના બનવા પામી છે
શાંતિલાલ અખમભાઈ પરમાર છેલ્લા કેટલાક દિવસોથી માનસિક રીતે અસ્વસ્થ હતા અને તેના કારણે તેઓ તેમની પત્ની ની પાછળ પાછળ ફરતા હતા અને મંગળવારની વહેલી પરોઢે ઘરમાં પડેલા ધારીયાથી તેની પત્ની પર હુમલો કર્યો હતો અને હુમલાખોરે જાતે તેઓના ગળાના ભાગે પાળિયું ફેરવી દેતા તેનું સારવાર દરમિયાન મૃત્યુ થયું છે હાલ તો માનસિક અસ્વસ્થતાના કારણે ઘટના બનવા પામી છે હાલ અન્ય બીજું કોઈ કારણ જાણવા મળ્યું નથી: .- નિતીન.આર.ચૌધરી, પોલીસ ઈન્સ્પેક્ટર,શહેરા
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.