રખડતા ઢોરોનો ત્રાસ દૂર થશે?:વડોદરા શહેરને રખડતા ઢોરોથી મુક્ત બનાવવા પાલિકાનું મેગા અભિયાન, RFID ટેગિંગની કામગીરી એક મહિનામાં પૂર્ણ કરાશે

વડોદરા16 દિવસ પહેલા
  • કૉપી લિંક
વડોદરા શહેરના મેયર કેયુર રોકડીયા. - Divya Bhaskar
વડોદરા શહેરના મેયર કેયુર રોકડીયા.
  • પશુપાલકો સામે કડક કાર્યવાહીની મેયરે ચીમકી ઉચ્ચારી
  • હવે રખડતાં ઢોરથી જાનમાલનું નુકસાન થશે તો પશુપાલકને પાસા કરાશે
  • ​​​​​​​અમદાવાદમાં અઠવાડિયામાં એક પણ ગાય દેખાવી ન જોઇએ તેવી ભાજપ પ્રદેશ પ્રમુખની તાકીદ બાદ વડોદરા પાલિકા પણ એકશનમાં

ભાજપના પ્રદેશ પ્રમુખ સી આર પાટીલના અમદાવાદમાં એક અઠવાડિયામાં રોડ પર એક પણ ગાય દેખાવી ન જોઇએ તેવા નિવેદન બાદ વડોદરા મહાનગર પાલિકા દ્વારા સખત કાર્યવાહી કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. શહેર પોલીસ સાથે સંયુક્ત રીતે શહેરમાંથી રખડતાં ઢોર હટાવવાની 15 દિવસ સુધી કામગીરી કરવામાં આવશે. રખડતાં ઢોરથી જો કોઈને જાનમાલનું નુકસાન થશે તો પશુપાલક સામે પાસાની કાર્યવાહી કરવામાં આવશે તેવો નિર્ણય લેવામાં આવ્યો છે. કોર્પોરેશનના સત્તાધીશોની મંગળવારના રોજ પશુપાલકો સાથે બેઠક મળશે. આગામી 15 દિવસ રખડતાં ઢોરોને પકડવા કામગીરી કરી શહેરના માર્ગોને રખડતા ઢોરોથી મુકત કરાશે. રાત્રે પણ ઢોર પાર્ટીની 5 ટીમ કામ કામગીરી કરશે.

શહેરમાં રખડતા ઢોરોની સમસ્યા વર્ષો જૂની છે, ત્યારે શહેરને આ સમસ્યામાંથી મુક્તિ કેવી રીતે આપી શકાય તે માટેની ગંભીર ચર્ચા કરાઈ હતી. એક સર્વેના અનુમાન મુજબ શહેરમાં 2 હજાર જેટલા પશુપાલક પરિવારો 20 હજાર જેટલાં ઢોર ધરાવે છે. આ પશુપાલકો તેઓના ઢોરોને બેફામ રીતે રસ્તા ૫ર છોડી દેતાં પશુ જાહેર રસ્તા ૫ર આવી જાય છે, જેથી રસ્તા ૫ર અવર-જવર કરતાં લોકોને ગંભીર અકસ્માત તેમજ જાનહાનિનો સામનો કરવો પડતો હોય છે. તેને લઇને સોમવારે મેયર કેયુર રોકડિયા, સાંસદ રંજનબેન ભટ્ટ મ્યુ. કમિ. પોલીસના ઉચ્ચ અધિકારીઓ સાથે સંયુક્ત બેઠક કરીને મહત્ત્વના મુદ્દા ૫ર ચર્ચા થઇ હતી. જાહેર રસ્તા ૫રથી જો કોઇ ઢોર પ્રથમવાર ૫કડાય તો દંડ પેટે રૂા.2,200 તથા રૂા.100 ખાધા ખોરાકી પ્રતિદિન લેવામાં આવે છે અને જો તે જ પશુ બીજીવાર ૫કડાય છે તો રૂા.11,200 દંડ રૂા.100 ખાધા ખોરાકી પ્રતિદિન તે પશુના પશુપાલક પાસેથી વસુલવામાં આવે છે છતાં રખડતા ઢોરોનો ત્રાસ અોછો થતો ન હોવાથી હવે કડક કાર્યવાહી કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.

શહેરના ચાર ઝોનમાં 7-8 વર્ષ પહેલાં ખટંબા, જામ્બુવા, કરોડિયા અને છાણી એમ 4 ભાગમાં કલેક્ટર દ્વારા જમીન ફાળવાઈ હતી, જેમાં આ પશુઓનું શિફ્ટિંગ કરી શકાય અથવા તો તેઓને કેવી રીતે આ જમીન ફાળવી શકાય તેની ૫ણ ચર્ચા મિટિંગમાં કરવામાં આવનાર છે.

પ્રથમ દિવસે 16 રખડતાં ઢોર પકડવામાં આવ્યાં
છેલ્લા કેટલાય સમયથી રસ્તે રખડતાં ઢોરના પગલે રાહદારીઓ અને વાહનચાલકો પરેશાની ભોગવી રહ્યા છે તેમજ અવાર-નવાર અકસ્માતની ઘટના પણ બની રહી છે ત્યારે શહેરના રાજમાર્ગો પર રખડતાં ઢોરોને પકડવાની ઝુંબેશ અંતર્ગત સોમવારના રોજ પ્રથમ દિવસે જ વિવિધ વિસ્તારોમાંથી 16 જેટલાં ઢોર પકડીને પાંજરે પૂરવામાં આવ્યાં હતાં.

એક વર્ષમાં 11 લોકો ઢોરોની અડફેટે, ત્રણનાં મોત
શહેરના રસ્તાઓ પર રખડતાં ઢોરોને કારણે છાશવારે અકસ્માતોના બનાવો બનતા રહે છે. શહેરમાં છેલ્લા એક વર્ષમાં રખડતાં ઢોરોની અડફેટે 11 લોકો અાવ્યા હોવાના બનાવો નોંધાયા છે. જેમાં બે મહિલા સહિત ત્રણ નિર્દોષ નાગરિકોનાં મોત નિપજ્યાં હતાં.

  • 12 માર્ચ, 2020 : હરીનગર બ્રિજ નીચે વૃદ્ધ મહિલાને ગાયે ભેટી મારી હતી. તદુપરાંત તેના પગ નીચે કચડી નાખતા વૃદ્ધાનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું.
  • 15 નવેમ્બર 2020: ફતેગંજ રબારીવાસમાં રહેતા 72 વર્ષના જીવીબેન જીવનલાલ પઢીયારને રખડતી ગાયે ભેટી મારી હતી. લાંબી સારવાર બાદ અંતિમ શ્વાસ લીધા હતા.
  • 20 સપ્ટેમ્બર 2021 :ન્યૂ સમા રોડ પર રહેતા હિંમતભાઈ સવાણીની બાઇક આડે ગાય આવતા રોડ પર પટકાયા હતા. તેમનું સયાજી હોસ્પિટલમાં મોત નીપજ્યું હતું.

ટેગિંગ નહીં હોય તો ઢોર નહીં છોડાય
પાલિકા છેલ્લા કેટલાય વર્ષો આર.એફ.આઇ.ડી. ટેગીંગ ૫ણ કરી રહી છે, પરંતુ આશરે 25% થી 30% એટલે કે આશરે 6000 જેટલા પશુઓનુ આરએફઆઇડી ટેગિંગ બાકી છે જેનુ આવનાર 30 દિવસોમાં પશુપાલકો દ્વારા ટેગિંગ કરાવવુ પડશે જો કોઇ પશુપાલક દ્વારા ઢોરનું આરએફઆઇડી ટેગિંગ કરાવવામાં નહીં આવ્યું હોય અને જો તે ઢોર પકડાશે તો તે ઢોરને છોડવામાં નહીં આવે તેવો મહત્ત્વનો નિર્ણય ૫ણ લેવામાં આવ્યો છે.

એક વર્ષમાં 60થી વધુ FIR નોંધાઈ
શહેરમાં રસ્તે રખડતા ઢોર ના પગલે થયેલા અકસ્માતમાં લોકોને સામાન્યથી લઈને ગંભીર ઈજાઓ પહોંચી છે છેલ્લા એક વર્ષના સમયગાળામાં ઢોરના કારણે ઇજાઓ થવાની ઘટનામાં 60 જેટલી એફઆઈઆર નોંધવામાં આવી છે. છેલ્લા પાંચ મહિનાના સમયગાળામાં જ 36 એફઆઈઆર નોંધાઈ છે. કોર્પોરેશન દ્વારા પશુપાલકો સામે એફઆઈઆર નોંધવામાં આવી હતી, છતાં હજુ પશુપાલકો રોડ પર ઢોર છૂટાં મૂકી દે છે.

પાલિકાની 5 ટીમો રોજેરોજ 24 કલાક કામગીરી કરશે
​​​​​​​અત્યાર સુધી 2 જ ટીમો શહેરમાં કાર્યરત હતી, પરંતુ હવે આવી 5 ટીમો બનાવીને ઝુંબેશ હાથ ધરાશે. આ 5 ટીમો પૈકી સવારના 7 વાગ્યાથી બપોરના 3 વાગ્યા સુધી બે ટીમો, બપોરના 3 થી રાત્રીના 11 વાગ્યા સુધી બે ટીમો અને રાત્રીના 11 થી સવારના 7 વાગ્યા સુધી એક ટીમ કાર્યરત રહેશે. આમ રોજેરોજ 24 કલાક ઢોર પકડવાની કામગીરી કરવામાં આવશે. પશુપાલકો સાથેની મિટિંગ બાદ પોલીસ કમિશનર તેઓની પ્રોટેક્શન ટીમ જરૂરિયાત પ્રમાણે વડોદરા મહાનગરપાલિકાને ફાળવી આપશે.

અન્ય સમાચારો પણ છે...