તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Vadodara
  • Medical Professors Of Sayaji Hospital In Vadodara Staged A Symbolic Protest, Threatening To Shut Down Covid From Tomorrow If Demands Are Not Met.

હડતાળની ચીમકી:વડોદરાની સયાજી હોસ્પિટલના તબીબી પ્રાધ્યાપકોએ પ્રતિક ધરણા કર્યાં, માગણીઓ પૂર્ણ નહીં થાય તો આવતીકાલથી કોવિડની કામગીરી બંધ કરવાની ચીમકી

વડોદરા3 મહિનો પહેલા
છેલ્લા 10 વર્ષથી સરકાર દ્વારા પડતર પ્રશ્નોનો નિકાલ લાવવામાં ન આવતા ગુજરાત મેડિકલ ટીચર્સ એસોસિયેશનના તબીબી પ્રાધ્યાપકોએ સયાજી હોસ્પિટલમાં પ્રતિક ધરણાં કર્યાં
  • હંગામી તબીબી શિક્ષકોને કાયમી કરવાનો નિર્ણય સરકાર દ્વારા લેવામાં આવ્યા નથી

ગોત્રી GMERSના તબીબો અને નર્સિંગ સ્ટાફની હડતાળ પૂરી થઇ નથી. ત્યારે આજથી સયાજી હોસ્પિટલના તબીબી પ્રધ્યાપકો પ્રતિક ધરણા સાથે હડતાળનું રણશિંગુ ફૂંકતા ગોત્રી અને સયાજી હોસ્પિટલની તબીબી સેવા ઉપર અસર પડી હતી. છેલ્લા બે દિવસથી તબીબો અને ટ્રેઇની નર્સિંગ સ્ટાફ હડતાળ ઉપર હોવાથી સારવાર લઇ રહેલા દર્દીઓને ભારે મુશ્કેલીનો સામનો કરવાનો વખત આવ્યો છે. આજે કેટલાક દર્દીઓએ હડતાળને કારણે પડી રહેલી મુશ્કેલીને લઇ હોબાળો મચાવ્યો હતો. આજે સયાજી હોસ્પિટલના પ્રતિક ધરણા ઉપર ઉતરેલા ગુજરાત મેડિકલ ટીચર્સ એસોસિએશને ચીમકી આપી છે કે, સરકાર દ્વારા પ્રશ્નોનું નિરાકરણ લાવવામાં નહીં આવે તો આવતીકાલ 14 મેથી કોવિડ સહિતની કામગીરી બંધ કરી દેવામાં આવશે.

પડતર પ્રશ્નોને લઇને સયાજી હોસ્પિટલમાં પ્રતિક ધરણાં કર્યાં
ઉલ્લેખનિય છે કે, છેલ્લા 10 વર્ષથી સરકાર દ્વારા પડતર પ્રશ્નોનો નિકાલ લાવવામાં ન આવતા ગુજરાત મેડિકલ ટીચર્સ એસોસિયેશન, વડોદરાના તબીબી પ્રાધ્યાપકો દ્વારા પડતર પ્રશ્નોની માગણીઓ પૂરી કરવાની માગ સાથે સયાજી હોસ્પિટલમાં પ્રતિક ધરણાં કર્યાં હતા. તબીબો હડતાળ ઉપર ઉતરતા પોસ્ટમોર્ટમ, ઇન્ડોર કામગીરી, લેબ કામગીરી સહિતની કામગીરી ઉપર અસર પડી હતી. આગામી 48 કલાકમાં સરકાર દ્વારા સકારાત્મક ઉકેલ લાવવામાં નહીં આવે તો આવતીકાલથી કોવિડ સહિતની કામગીરી બંધ કરી દેવાની ચિમકી એસોસિએશન દ્વારા આપવામાં આવી છે.

માગણીઓ પૂર્ણ નહીં થાય તો આવતીકાલથી કોવિડની કામગીરી બંધ કરવાની ચીમકી ઉચ્ચારી છે
માગણીઓ પૂર્ણ નહીં થાય તો આવતીકાલથી કોવિડની કામગીરી બંધ કરવાની ચીમકી ઉચ્ચારી છે

2012માં ગુજરાતના તબીબી પ્રાધ્યાપક એસોસિયેશને 13 દિવસના ધરણાં યોજ્યા હતા
ગુજરાત મેડિકલ ટીચર્સ એસોસિએશનના પ્રમુખ ડો. નિપુલે જણાવ્યું હતું કે, ગુજરાત તબીબી પ્રાધ્યાપકો દ્વારા પોતાના સેવાકીય મુદાઓ, પગાર, બઢતી તથા ભથ્થાંઓ અંગેના મુદાઓ સહિતના અનેક પડતર પ્રશ્નો મુદ્દે વર્ષ-2011 થી સરકાર સમક્ષ પોતાની માગણીઓ કરવામાં આવી રહી છે અને વર્ષ-2012માં સમગ્ર ગુજરાતના તબીબી પ્રાધ્યાપક એસોસિયેશને 13 દિવસના ધરણાં યોજ્યા હતા.

તબીબી શિક્ષકોને કાયમી કરવાનો નિર્ણય સરકાર દ્વારા લેવામાં આવ્યા નથી
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, જે-તે સમયે સરકાર તથા સરકારના જવાબદાર મંત્રીઓ, અધિકારીઓ દ્વારા તબીબી શિક્ષક એસોસિયેશનને તેઓના પડતર પ્રશ્નોનો વર્ષ-2012ના અંત સુધીમાં માગણીઓ સ્વિકારી યોગ્ય નિર્ણય લેવાની લેખિતમાં બાંહેધરી આપવામાં આવતા આ હડતાળ સમેટાઇ હતી. જેમાંથી માંડ 30 ટકા લોકોની કામગીરી થઇ હતી, પરંતુ, સેવાકીય મુદ્દાઓ વિનિયમિત થયા નથી. સાથે જ હંગામી તબીબી શિક્ષકોને કાયમી કરવાનો નિર્ણય સરકાર દ્વારા લેવામાં આવ્યા નથી.

લેબ કામગીરી, એક્સ-રે કામગીરી, ઇન્ડોર ડ્યુટી, પોસ્ટમોર્ટમ ડ્યૂટીથી અળગા રહી પ્રતિક ધરણા પર બેઠા
આ ઉપરાંત બઢતી તથા ભથ્થાંના મુદાઓનું નિરાકરણ આજ દિવસ સુધી આવ્યું નથી. સરકાર દ્વારા વારંવાર ગાંધીનગર ધક્કા ખવડાવવામાં આવે છે અને મૌખિક બાંહેધરી આપવામાં આવે છે, ત્યારે આજે પ્રથમ દિવસે સમગ્ર ગુજરાતના તબીબી શિક્ષકો સવારે 9થી 5 સુધી સરકારી મેડિકલ કોલેજ એસ.એસ.જી.હોસ્પિટલ ખાતે પ્રતીક ધરણાં પર બેઠા હતા. સાથે જ નોન કોવિડ સેવાઓ જેવી કે, લેબ કામગીરી, એક્સ-રે કામગીરી, ઇન્ડોર ડ્યુટી, પોસ્ટમોર્ટમ ડ્યૂટીથી અળગા રહી પ્રતિક ધરણા પર બેઠા હતા.

લેબ કામગીરી, એક્સ-રે કામગીરી, ઇન્ડોર ડ્યુટી, પોસ્ટમોર્ટમ ડ્યૂટીથી અળગા રહીને તબીબી પ્રધ્યાપકો પ્રતિક ધરણા પર બેઠા હતા
લેબ કામગીરી, એક્સ-રે કામગીરી, ઇન્ડોર ડ્યુટી, પોસ્ટમોર્ટમ ડ્યૂટીથી અળગા રહીને તબીબી પ્રધ્યાપકો પ્રતિક ધરણા પર બેઠા હતા

આવતીકાલથી કોવિડની ડ્યુટીથી અળગા રહેવાની ચીમકી
એસોસિએશનના અગ્રણી ડો. ફરજાના કોઠારીએ સરકારને ચીમકી આપતા જણાવ્યું હતું કે, આજે સાંજ સુધી કે મોડી રાત સુધી સરકાર દ્વારા લેખિતમાં કોઇ સકારાત્મક કે હકારાત્મક જવાબ આપવામાં નહીં આવે તો આવતીકાલથી કોવિડની ડ્યુટીથી અળગા રહી તમામ સરકારી મેડિકલ કોલેજમાં ધરણાં ચાલુ રાખશે અને તેમાં 1700 ઉપરાંત તબીબી શિક્ષકો જોડાશે.

વડોદરાની ગોત્રી GMERSના તબીબોની હડતાળ યથાવત
વડોદરાના ગોત્રી સ્થિત જી.એમ.ઇ.આર.એસ. હોસ્પિટલમાં 130 ડોક્ટરો 10 વર્ષથી ફરજ બજાવી રહ્યા છે. તેમની પડતર માગણીઓ નહીં સંતોષતા ગતરોજથી કોવિડ સહિતની સેવાઓ બંધ કરી હડતાળનું શસ્ત્ર ઉગામ્યું છે. છતાં તંત્ર દ્વારા કોઇ પ્રતિસાદ આપવામાં આવ્યો નથી, ત્યારે હડતાળના સમયનો સદઉપયોગ કરીને તબીબો અને નર્સિંગ સ્ટાફ દ્વારા આજે બ્લડ ડોનેશન કેમ્પનું પણ કરવામાં આવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...