વડોદરાની કોલેજમાં રેગિંગ:ગોત્રી GMERS મેડિકલ કોલેજમાં મેડિકલ ઓફિસર-જુનિયર રેસિડેન્ટ ડોકટરની દાદાગીરી; સવારે 4 વાગે 60 વિદ્યાર્થીને 100 ઉઠબેસ કરાવી, 3ની હાલત લથડી

વડોદરા3 મહિનો પહેલા
  • કૉપી લિંક
ગોત્રી હોસ્પિટલ - ફાઈલ તસવીર - Divya Bhaskar
ગોત્રી હોસ્પિટલ - ફાઈલ તસવીર
  • ત્રીજા વર્ષના વિદ્યાર્થીઓએ બીજા વર્ષના વિદ્યાર્થીઓને ઊંઘમાંથી ઉઠાડીને લાઈનમાં ઊભા રાખ્યા
  • મેડિકલ કોલેજની 12 સભ્યોની એન્ટિ રેગિંંગ કમિટીએ તપાસ ચાલુ કરી
  • એક વિદ્યાર્થી ડિપ્રેશનમાં સરી પડ્યો, મેડિકલ ઓફિસર સહિત 2ને છૂટા કરાયાં

શહેરની ગોત્રી જીએમઈઆરએસ હોસ્પિટલમાં વહેલી સવારે પૂર્વ વિદ્યાર્થીઓ અને ત્રીજા વર્ષના મેડિકલ સ્ટુડન્ટ દ્વારા બીજા વર્ષના 60 જેટલા મેડિકલ સ્ટુડન્ટને 100 ઉઠબેસ કરાવી જાહેરમાં રેગિંંગ કરાવવાની ઘટના પ્રકાશમાં આવતા ભારે ખળભળાટ મચ્યો છે. રેગિંંગની ઘટના બાદ 3 સ્ટુડન્ટની તબીયત લથડતા તેઓને સારવાર હેઠળ ખસેડાયા છે. ગોત્રી હોસ્પિટલમાં રેગિંંગની આ પ્રથમ ઘટના સામે આવ્યા બાદ હોસ્પિટલની એન્ટિ રેગિંંગ કમીટીના 12 સભ્યો દ્વારા તાત્કાલીક અસરથી રેગિંંગ કરાવનાર મેડિકલ ઓફિસર અને જુનિયર રેસીડેન્ટ ડોક્ટરને છુટા કરી દેવાયા છે.

સિનિયરો જુનિયર પર દબાણ કરતા હતા
ગોત્રી હોસ્પિટલના આધારભુત સુત્રોના જણાવ્યા અનુસાર, શનિવારે વહેલી સવારે 4 વાગે ગોત્રી હોસ્પિટલમાં નોકરી કરનાર મેડિકલ ઓફિસર અને જુનિયર રેસીડેન્ટ તેમજ અન્ય એક પૂર્વ વિદ્યાર્થી દ્વારા ત્રીજા વર્ષના મેડિકલ સ્ટુડન્ટને ઉંઘમાંથી ઉઠાડીને બીજા વર્ષના સ્ટુડન્ટને ભેગા કરવા માટે જણાવાયું હતું. પોતાના સીનીયર સ્ટુડન્ટના કહેવાથી બીજા વર્ષના 60 જેટલા વિદ્યાર્થીઓ ભેગા થયા હતા. ત્યાર બાદ તમામ 60 જેટલા વિદ્યાર્થીઓને લાઈનમાં ઉભા રાખીને 100 ઉઠબેસ કરવા જણાવાતા સૌ ચોંકી ઉઠ્યાં હતાં. પરંતું સીનીયરના કહેવાથી તમામ વિદ્યાર્થીઓએ 100 જેટલી ઉઠબેસ કરવાનું શરૂ કર્યું હતું. જેમાંથી 3 વિદ્યાર્થીઓને ઉલટી સહિતની પરેશાની થઈ હતી.

એક વિદ્યાર્થી ડિપ્રેશનમાં સરી પડ્યો હતો
ઘટના બાદ સવારે 9 વાગે રેગિંંગનો ભોગ બનેલા વિદ્યાર્થીઓએ ડીનને જાણ કરી હતી. જ્યારે જે 3 વિદ્યાર્થીઓની તબિયત લથડી હતી,જેમને ગોત્રી હોસ્પિટલમાં જ સારવાર આપવામાં આવી હતી.આ ઘટનાને પગલે એક વિદ્યાર્થી ડિપ્રેશનમાં સરી પડ્યો હોવાની માહિતી મળી છે. ગોત્રી મેડિકલ કોલેજમાં બનેલી રેગિંંગની આ પ્રથમ ઘટનાએ કોલેજના સત્તાધીશોને દોડતા કર્યાં હતાં. બીજા વર્ષના વિદ્યાર્થીઓએ રેગિંંગની સમગ્ર વાત કમીટી સમક્ષ કરી હતી.

તપાસ કમિટીએ કાર્યવાહી કરી
કમિટીની તપાસમાં ત્રીજા વર્ષના વિદ્યાર્થીઓ પાસે રેગિંંગ કરાવનાર ગોત્રી હોસ્પિટલમાં ફરજ બજાવતો એક મેડિકલ ઓફિસર, બીજો જુનિયર રેસીડન્સ ડોક્ટર અને ત્રીજો ડોક્ટર હોસ્પિટલમાં ફરજ બજાવતો ન હોવાનું સામે આવ્યું હતું. કમિટીએ હોસ્પિટલમાં ફરજ બજાવતા બંને ડોક્ટરોને તાત્કાલીક છુટા કર્યાં હતાં.આ સમગ્ર ઘટના બાદ ગોત્રી હોસ્પિટલમાં દિવસ દરમ્યાન ડોક્ટરો અને મેડિકલ વિદ્યાર્થી વચ્ચે રેગિંંગની ઘટના ચર્ચાનો વિષય બની હતી.

ત્રીજા ડોક્ટર અંગે તપાસ શરૂ કરાઈ
ત્રીજા વર્ષના મેડિકલ સ્ટુડન્ટ પાસે રેગિંંગ કરાવવામાં સામેલ ત્રીજો ડોક્ટર કોણ છે તે અંગે કમીટીએ તપાસ શરૂ કરી છે. આ ડોક્ટર ગોત્રી હોસ્પિટલમાં પૂર્વ સ્ટુડન્ટ હોવાનું પણ બહાર આવ્યું છે. જ્યારે કમિટીના મેમ્બરોનો આશ્ચર્ય થયુ હતુ કે ત્રણ સિનીયર ડોક્ટરોના કહેવાથી બીજા વર્ષના 60 જેટલા વિદ્યાર્થીઓનું કેવિ રીતે રેગિંગ થઇ શકે? બીજી તરફ આ ઘટના અંગે અત્યાર સુધી કોઇ પોલીસ ફરીયાદ દાખલ થઇ નથી. આ સમગ્ર ઘટનાની તપાસ હોસ્પિટલની એન્ટી રેગિંગ કમિટી દ્વારા કરવામાં આવી રહી છે.