તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ઓક્સિજનની કાળાબજારીનું કૌભાંડ:અમદાવાદનો શખસ 15 હજારનો ઓક્સિજન સિલિન્ડર 30 હજારમાં વેચતો, ક્રાઇમ બ્રાંચે ડમી ગ્રાહક મોકલીને ઝડપી પાડ્યો

વડોદરા3 મહિનો પહેલા
  • કૉપી લિંક
વડોદરા ક્રાઇમ બ્રાંચની ટીમે ચાંપતી નજર રાખીને જય ગઢવીને ત્રણ મેડિકલ ઓક્સિજન સિલિન્ડર સાથે દબોચી લીધો - Divya Bhaskar
વડોદરા ક્રાઇમ બ્રાંચની ટીમે ચાંપતી નજર રાખીને જય ગઢવીને ત્રણ મેડિકલ ઓક્સિજન સિલિન્ડર સાથે દબોચી લીધો
  • વડોદરા આવી રહેલા મેડિકલ માફિયાને 5.87 લાખ રૂપિયાના મુદ્દામાલ સાથે ઝડપી પાડીને કાર્યવાહી હાથ ધરી
  • વડોદરા ક્રાઇમ બ્રાંચે ઝડપી પાડેલા મેડિકલ ઓક્સિજન સિલિન્ડરના કેસમાં કૌભાંડનું મોટું રેકેટ બહાર આવે તેવી શક્યતા
  • અમદાવાદનો શખસ ઓક્સિજન સિલિન્ડર કેટલા રૂપિયામાં અને કોણે વેચતો હતો તેની ક્રાઇમ બ્રાંચે તપાસ શરૂ

કોરોનાની મહામારીમાં દર્દીઓ માટે જરૂરી રેમડેસિવિર ઇન્જેક્શનો સહિતની દવાઓ અને સાધનોની કાળાબજારીએ માઝા મૂકી દીધી છે, ત્યારે વડોદરા ક્રાઇમ બ્રાંચે દર્દીઓને જીવતદાન આપતા મેડિકલ ઓક્સિજન સિલિન્ડરના થઇ રહેલા કાળાબજારનો પર્દાફાશ કર્યો છે. ક્રાઇમ બ્રાંચે અમદાવાદથી ત્રણ મેડિકલ સિલિન્ડરને વડોદરા આવી રહેલા મેડિકલ માફિયાને 5.87 લાખ રૂપિયાના મુદ્દામાલ સાથે ઝડપી પાડીને કાર્યવાહી હાથ ધરી છે. અમદાવાદનો શખસ 15 હજારનો ઓક્સિજન સિલિન્ડર 30 હજારમાં વેચતો હતો.

ક્રાઇમ બ્રાંચ કાળાબજારી કરતા શખસોને પકડી પાડવા વોચ ગોઠવી
વડોદરા ક્રાઇમ બ્રાંચને બાતમી મળી હતી કે, કોરોનાની મહામારીમાં મેડિકલ ઓક્સિજનની ભારે જરૂરીયાત ઉભી થઇ છે, જેનો ફાયદો ઉઠાવી કેટલાક મેડિકલ માફિયાઓ માનવતાને નેવે મૂકીને દર્દીઓને જીવતદાન આપતા મેડિકલ ઓક્સિજન સિલિન્ડરની પણ કાળાબજારી કરી રહ્યા છે. જેથી ડી.સી.પી. જયદીપસિંહ જાડેજા અને એ.સી.પી. ડી.એસ. ચૌહાણના માર્ગદર્શન હેઠળ ક્રાઇમ બ્રાંચના પી.આઇ. એ.બી. જાડેજા અને પી.આઇ. વી.આર. ખેરની ટીમે મેડિકલ ઓક્સિજન સિલિન્ડરના કાળાબજારી કરતી ટોળકીને ઝડપી પાડવા માટે વોચ ગોઠવી હતી.

3 ઓક્સિજન સિલિન્ડર સાથે અમદાવાદના શખસને પકડી પાડ્યો
દરમિયાન ક્રાઇમ બ્રાંચની ટીમને માહિતી મળી હતી કે, અમદાવાદ 2-4, કરણીનગર સોસાયટી, અમરાઇવાડીમાં રહેતો જય મહેશભાઇ ગઢવી કારમાં મેડિકલ ઓક્સિજન સિલિન્ડર લઇને વડોદરા આવી રહ્યો છે, જે માહિતીના આધારે ક્રાઇમ બ્રાંચની ટીમે ચાંપતી નજર રાખી હતી અને પોલીસે ડમી ગ્રાહક મોકલીને જય ગઢવીને અમિતનગર સર્કલ પાસેથી ત્રણ મેડિકલ ઓક્સિજન સિલિન્ડર સાથે દબોચી લીધો હતો. આરોપી ફાયર સેફ્ટીના સાધનોનું માર્કેટિંગ કરે છે. ઓક્સિજનના જૂના સિલિન્ડરો લાવીને રિફિલ કરીને વેચતો હતો અને આરોપી 15 હજારનો સિલિન્ડર 30 હજાર રૂપિયાથી વધુ કિંમતે વેચતો હતો.

અમદાવાદના જય ગઢવીની પૂછપરછ દરમિયાન મોટા રેકેટનો પર્દાફાશ થવાની શક્યતાઓને નકારી શકાય નહીં
અમદાવાદના જય ગઢવીની પૂછપરછ દરમિયાન મોટા રેકેટનો પર્દાફાશ થવાની શક્યતાઓને નકારી શકાય નહીં

ઓક્સિજન સિલિન્ડર કેટલા રૂપિયામાં અને કોણે વેચતો હતો તેની તપાસ શરૂ
ક્રાઇમ બ્રાંચને જય ગઢવી પાસેથી રૂપિયા 1,07,970 ની કિંમતના 47 લિટરના ત્રણ મેડિકલ ઓક્સિજન સિલિન્ડર, રૂપિયા 4 લાખની કિંમતની કાર અને મોબાઇલ મળીને કુલ 5,87,970 રૂપિયા નો મુદ્દામાલ કબજે કરીને ધરપકડ કરી હતી. મેડિકલ ઓક્સિજનના ત્રણ સિલિન્ડરો સાથે ઝડપાયેલો અમદાવાદનો જય ગઢવી કેટલા રૂપિયામાં મેડિકલ સિલિન્ડર વેચતો હતો અને વડોદરામાં કોણે આપવાનો હતો. તે દિશામાં પોલીસે તપાસ શરૂ કરી છે.

હવે મેડિકલ ઓક્સિજન સિલિન્ડરોની કાળા બજારી શરૂ થઇ
ઉલ્લેખનિય છે કે, કોરોનાની ચાલી રહેલી મહામારીમાં મેડિકલ માફીયાઓએ દર્દીઓને જરૂર પડતી વિવિધ ચિજવસ્તુઓના કાળા બજાર કરીને નાણાં કમાવી લેવામાં માઝા મૂકી દીધી છે. મેડિકલ માફિયાઓએ કોરોનાની પરિસ્થિતિને ધ્યાનમાં લઇ ઉભી થયેલી જરૂરીયાતને લઇ રેમડિસિવર ઇન્જેક્શન, ઓક્સિમીટર, થર્મોમીટર સહિત દર્દીઓ માટે જરૂરી ચિજવસ્તુઓના કાળા બજાર થઇ રહ્યા છે. જેમાં હવે મેડિકલ ઓક્સિજન સિલિન્ડરોના કાળાબજારનો પણ સમાવેશ થયો છે.

મેડિકલ ઓક્સિજન સિલિન્ડરના કૌભાંડનું મોટું રેકેટ બહાર આવે તેવી શક્યતા
મેડિકલ ઓક્સિજન સિલિન્ડર સાથે ઝડપાયેલા અમદાવાદના જય ગઢવીની પૂછપરછ દરમિયાન મોટા રેકેટનો પર્દાફાશ થવાની શક્યતાઓને નકારી શકાય નહીં. વડોદરા ક્રાઇમ બ્રાંચે ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ હેઠળ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...