પત્ની પીડિત પતિ:વડોદરામાં મિકેનિકલ એન્જિનિયરે બે સંતાનની માતા સાથે પ્રેમ લગ્ન કર્યાં, પરિવારને મદદ ન કરવા પત્ની ત્રાસ આપતી, જિંદગી નર્ક બની જતા પતિ કોર્ટના શરણે

વડોદરાએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • પત્ની પતિને ધમકીઓ આપતી હતી કે, હું સ્ત્રી અત્યાચારના ગુનામાં તને જેલમાં ફીટ કરાવી દઇશ
  • પતિએ કહ્યુ: જે ઉત્સાહથી લવ મેસેજ કર્યાં હતા, તેવા ઉત્સાહથી તેની સાથે લગ્ન જીવન પસાર કરવું મુશ્કેલ છે

નોકરી કરવા સાથે મિકેનીકલ એન્જિનીયરીંગ અભ્યાસ કરતા પતિને વૃદ્ધ માતા અને બહેનને આર્થિક મદદ ન કરવા માટે ઝઘડા કરી ત્રાસ ગુજરાતી પત્નીથી છૂટકારો અપાવવા યુવાને કોર્ટના દ્વાર ખખડાવ્યા છે. ત્રણ વર્ષ પહેલાં બે સંતાનની માતા સાથે ભાગીને પ્રેમ લગ્ન કર્યાં બાદ પસ્તાયેલા યુવાને કોર્ટમાં કરેલી ફરિયાદમાં જણાવ્યું છે કે, હવે પત્ની સાથે લગ્ન જીવન ટકાવી રાખવું શક્ય નથી. મને છૂટાછેડા જોઇએ છે.

વડોદરામાં મિકેનીકલ એન્જિનીયરનો અભ્યાસ કર્યો
મકરપુરા વિસ્તારના રહેવાસી પત્ની પીડિત પતિ ભરત પરમારે(નામ બદલ્યું છે) પત્ની સંગીતાબહેન પરમાર(નામ બદલ્યું છે) સાથે છૂટાછેડા અપાવવા ફેમિલી કોર્ટમાં કરેલી ફરિયાદમાં જણાવ્યું છે કે, હું અમદાવાદ ખાતે ખાનગી કંપનીમાં નોકરી કરું છું. અને વૃદ્ધ માતા અને બહેન સાથે રહું છું. તે સાથે વડોદરા શહેરમાં એન્જિનીયરીંગનો અભ્યાસ કર્યો હતો.

બે સંતાનની માતા સાથે પ્રેમ થઈ જતા યુવાને લગ્ન કર્યાં હતા
ધારાશાસ્ત્રી અલ્પેશ ચૌહાણ દ્વારા ફેમિલી કોર્ટમાં દાખલ કરવામાં આવેલી પતિ દ્વારા માંગવામાં આવેલા છૂટાછેડાની ફરિયાદમાં જણાવ્યા પ્રમાણે ભરત પરમારને શિનોર તાલુકાની બે સંતાનની માતા સંગીતા સાથે પ્રેમ થઇ ગયો હતો. સંગીતાએ તેના પ્રથમ પતિ સાથે છૂટાછેડા થયા બાદ વર્ષ-2016માં ભરત સાથે ભાગીને લગ્ન કર્યું હતું. અને ભાડાનું મકાન રાખીને સાંસારીક જીવનની શરૂઆત કરી હતી. લગ્નના થોડા માસ સુખમય સાંસારીક જીવન ચાલ્યું હતું. તે બાદ ભરત તેના વૃદ્ધ માતા અને બહેનને જીવન જીવવા માટે આર્થિક મદદ કરતો હોવાથી સંગીતાને પસંદ ન હતું. જેથી તેણે પતિને માતા અને બહેનને આર્થિક મદદ ન કરવા દબાણ શરૂ કર્યું હતું અને ઝઘડાઓ શરૂ કર્યાં હતા.

રોજના ત્રાસથી કંટાળીને યુવાને છૂટાછેડા માટે કોર્ટમાં દાવો દાખલ કર્યો
રોજબરોજના ઝઘડાથી ભરત ત્રાસી ગયો હતો. નોકરી પણ વ્યવસ્થિત કરી શકતો ન હતો, પરંતુ, નોકરી કરવી તેની મજબૂરી હતી. કારણ કે, પત્ની સાથે માતા અને બહેનની જવાબદારી પણ તેના માથે હતી. કોલેજમાં પણ જઇ શકતો ન હતો. અભ્યાસમાં પણ ધ્યાન આપી શકતો ન હતો. જેથી ભરત પરમારે રોજબરોજના ઝઘડાથી ત્રાસી જઇને પત્ની સંગીતાથી છૂટાછેડા લેવા માટે ફેમિલી કોર્ટમાં પોતાના ધારાશાસ્ત્રી મારફતે દાવો દાખલ કર્યો છે અને કોર્ટને પત્ની સંગીતાથી છૂટાછેડા અપાવવા માટે માંગણી કરી છે.

પત્ની ધમકી આપતી હતી કે, હું સ્ત્રી અત્યાચારના ગુનામાં તને જેલમાં ફીટ કરાવી દઇશ
ફેમિલી કોર્ટમાં છૂટાછેડા માટે કરેલા દાવામાં ભરત પરમારે પત્ની ઉપર આક્ષેપ કરતા જણાવ્યું છે કે, ઝઘડો થાય ત્યારે પત્ની સંગીતા કહેતી હતી કે, આજે તો સ્ત્રીઓની તરફેણમાં મહિલાઓને બહુ મોટો કાયદો છે. તમને હું સ્ત્રી અત્યાચારના ગુનામાં જેલમાં ફીટ કરાવી દઇશ, તેવી ધમકીઓ આપે છે અને મહિલા પોલીસ સ્ટેશનમાં અરજી પણ આપી હતી. આ ઉપરાંત તેણે પોલીસ સ્ટેશનોમાં પણ મારા અને મારા પરિવાર વિરૂદ્ધ અરજીઓ આપી હતી.

પતિ કહે છે કે, મારી પત્નીએ મારી પણ જિંદગી નર્ક બનાવી દીધી છે
સંગીતા સાથે જે ઉત્સાહ સાથે પ્રેમલગ્ન કર્યાં હતા. તેવા ઉત્સાહથી હવે તેની સાથે લગ્ન જીવન પસાર કરવું મુશ્કેલ છે. તેને તેના પ્રથમ પતિને પણ ખુબ ત્રાસ આપ્યો હતો અને આખરે તેને તેનાથી છૂટાછેડા લેવા પડ્યા હતા. મારી પત્નીએ મારી પણ જિંદગી નર્ક બનાવી દીધી છે.

પત્નીના ઝઘડાઓથી ત્રાસીને બે વખત પતિ ઘર છોડીને ચાલ્યો ગયો હતો
ભરતે ફરિયાદમાં એવો પણ આક્ષેપ કર્યો છે કે, પત્નીના ઝઘડાઓથી ત્રાસીને હું બે વખત ઘર છોડીને ચાલ્યો ગયો હતો. એક વખત પત્ની કોલેજમાં લેવા માટે આવી હતી અને ઝઘડા નહીં કરવાની ખાતરી આપતા હું ઘરે ગયો હતો. તે બાદ પરીક્ષા સમયે ઘરેથી ચાલ્યો ગયો હતો. કારણ કે, મારી પત્ની ઝઘડા કરતી હોવાથી મને વાંચવા દેતી ન હતી. નોકરી જવાના નામે ઘરેથી ચાલ્યો ગયો હોવાથી માતા અને બહેન પણ ચિંતામાં આવી ગયા હતા. તેઓએ પોલીસ કમિશનર કચેરીમાં મારા ગુમ થયાની અરજી પણ આપી હતી. પરંતુ, હું મારા મિત્રના ઘરે વાંચવા જતો રહ્યો હતો.

હવે તેની સાથે લગ્ન જીવન ટકાવી રાખવું શક્ય નથી
ભરત પરમારે ફરિયાદમાં એવો પણ આક્ષેપ કર્યો છે કે, લગ્ન બાદ જે સુખ મને મળવું જોઇએ તે મળ્યું નથી. લગ્નના જીવનના થોડા જ માસ પછી પત્નીએ મારી સાથે ઝઘડા કરીને મારી જિંદગી નર્ક બનાવી દીધી છે. હવે તેની સાથે લગ્ન જીવન ટકાવી રાખવું શક્ય નથી. હું અપ્રિલ-2017થી પત્ની સંગીતાથી અલગ રહું છું. મને મારી પત્ની સંગીતાથી છૂટાછેડા અપાવો.

અન્ય સમાચારો પણ છે...